*શામલીની સૌમ્યતા*
ઘણી વાર વિચાર આવે કે સીતાબેન નથી કંઇ ભણેલાં, ના કોઇ મોટા શહેરમાં ઉછરેલાં કે ન તો ધનવાન મા-બાપની છત્ર છાયામાં ઉછરેલાં તે છતાં ય એમના ઘરનો કારોબાર આટલો સરસ કેવી રીતે ચલાવતાં હશે ?
-તેમના પતિ તલાટીની નોકરી કરતા હતા એટલે નિશ્ચિત આવકની ખાતરી હતી પણ એ પ્રામાણિકતાને વરેલા હતા અને બીજી કોઇ ઉપરની કમાણીમાં એમને જરા પણ રસ ન હતો.
– હા, ગામમાં આઠ દસ વીઘા જમીન ખરી ને એમાં પિયતની સગવડ હતી એટલે પાક પણ સારો એવો થતો…
– પોતે અભણ હતાં, નાના ગામડામાં ઉછરેલાં અને પિયરનું નાનું ગામડુ તે એ ય પાછું કેવું? તમને તો એ ગામમાં જવાનું ય ના ગમે !! ગામમાં ગંદકી, ઢોરના છાણ વાસીદાંના ઢગલા, નાગાં પૂંગાં છોકરાં રખડતાં ફરે, ભણવાનું કંઇ ઠેકાણું નહિ, વસતિ બધી સંસ્કાર વગરની અને જાત જાતનાં વ્યસનોવાળી…
– આવા વાતાવરણમાંથી ઉછરીને આવેલ સીતાબેનનું ઘરનું કામકાજ તમે જૂઓ તો દંગ જ રહી જાઓ…
– મોટી દીકરી શામલી અને બે દીકરાઓને સારુ ભણાવીને મોટાં કરેલાં, પોતે ભલે નહોતાં ભણ્યાં પણ છોકરાંને ભણાવવાનું એમણે ખૂબ જ ધ્યાન રાખેલું,
– દીકરીનો જમાઇ સારો મળેલ અને તેનું ગામ પણ નજીકમાં જ હતું એટલે એમની દીકરી શામલી અવાર નવાર પિયરમાં મમ્મીને સલાહ સૂચન આપવા આવતી જતી,
– સીતાબેનના પિયરમાં કોઇ જ વડીલ એવું ન હતું જે એમને વ્યહારીક જ્ઞાન- સમજણ શિખામણ આપી શકે !! એમના પતિને એકવાર સીતાબેનના ભાઇ સાથે કશુંક વાંકું પડી ગયેલું તે ત્યારથી એ સીતાબેનને પિયરમાં જવા જ દેતા ન હતા.. આમ થવાથી સીતાબેનને ઘણી જ અકળામણ થતી પણ એ ય બિચારાં શું કરે ? એમને તો પિયરમાં એ રીતે તો મીંડું જ થઇ ગયું હતું.
– આવું બધું હોવા છતાં સીતાબેન એમના ઘરના નાના મોટા દરેક પ્રસંગને એવી રીતે પૂરો પાડતાં કે આવનાર દરેક મહેમાન અને ગામ લોકોને પણ રાજીપો થાય !!! કોઇને કશી ખામી કે ઉણપ જણાય જ નહિ.. આનું કારણ શોધવાની મેં કોશિશ કરી તો પછી જાણવા મળ્યું કે આ બધા પાછળ કારણભૂત હતી એમની દીકરી શામલી.. સારા માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ થયેલી, સીતાબેન તો એને શું સંસ્કાર આપી શકે તેમ હતાં પરંતુ શામલી આપમેળે જ સારી બહેનપણીઓની સોબતથી ભારે કોઠાસૂઝ ધરાવતી થઇ ગઇ હતી … મમ્મીને કંઇપણ વ્યવહારિક કામ કરવું હોય તો શામલી જ એમની સલાહકાર અને માર્ગદર્શક !! શામલી જ એમની જાણે કે ફ્રેન્ડ ફિલોસૉફર અને ગાઈડ બની ગઇ હતી…શામલીના પિતા પણ શામલીની સલાહ ટાળતા નહિ….
– આવું બધુ જોતાં એમ થાય છે કે સારી અને સંસ્કાર પામેલ દીકરી તેની મમ્મીને ભલે પિયરમાંથી કોઇ સહારો ન મળે તો ય મોટો સહારો બની શકે છે., સીતાબેનને એમના પતિના કુટુંબમાં બે ચાર દેરાણી અને જેઠાણીઓ હતી પણ એમને ક્યારે ય કશું પૂછવું જ ન પડતું કેમ કે શામલી દરેક વાતનો એવો સરસ અને સહજ નિકાલ કરે, પ્રસંગનું એવું આયોજન કરી આપે કે બધાં જ ખુશ થઇ જાય !!!!
– દીકરી પણ મા બાપને જબરદસ્ત સહાયક અને આશ્વાસન રૂપ બની શકે છે તેનું શામલી ઉત્તમ અને સચોટ ઉદાહરણ હતી.. તેની સૌમ્યતા દાદને પાત્ર હતી….. હું તો શામલીને જોઉ ને બસ ભાવવિભોર થઇ જાઉં મનમાં થાય મારે ય આવી દીકરી હોત તો કેવું ?
- અનંત પટેલ