અમદાવાદ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોનસુન જારદારરીતે સક્રિય થયેલું છે. દક્ષિણ ગુજરાત પ્રદેશ અને કચ્છના અનેક ભાગોમાં ભારે વરસાદ પણ થયો છે. બીજી બાજુ ભારે વરસાદની ચેતવણી વચ્ચે તંત્ર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. દહેગામ અને વિરમગામમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મેઘરાજાએ તેમની બીજી ઇનીંગમાં મોડે મોડે પણ જાઇએ એવી મહેર વરસાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૧૫૬થી વધુ તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. મેઘરાજાની કૃપા વરસતાં આખરે જગતનો તાત ખુશખુશાલ થયો હતો અને કારણ કે, તેના પાકને સમયસર જીવતદાન મળી ગયું છે.
અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમ જ કચ્છ- સૌરાષ્ટ્ર સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. આ સાથે જ ગુજરાતમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૩ ટકાથી વધુ નોંધાયો છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ કચ્છના ગાંધીધામ-અંજારમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જયારે અબડાસા, વઘઇ અને ધરમપુર સહિતના પંથકોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના શામળાજી સહિતના પંથકો તો, બનાસકાંઠાના દાંતીવાડા, ડીસા, દિયોદર, પાલનપુર સહિતના પંથકોમાં પણ સારોએવો વરસાદ નોંધાયો હતો. તો, દહેગામમાં આજે ભારે વરસાદને પગલે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા.
અમદાવાદ જિલ્લામાં વિરમગામ સહિતના આસપાસના પંથકોમાં પણ આજે સારો એવો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ સહિતના પંથકોમાં આજે પણ સારો એવો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. કચ્છના ગાંધીધામ, અંજાર સહિતના પંથકોમાં આજે પણ નોંધપાત્ર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રાજયમાં સીઝનનો અત્યારસુધીનો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથમાં ૧૩૩.૫૦ ટકા નોંધાયો હતો, જયારે સીઝનનો સૌથી ઓછો વરસાદ અત્યારસુધીમાં કચ્છમાં નોંધાયો હતો. સમગ્ર રાજયમાં સીઝનનો કુલ વરસાદ ૬૩ ટકાથી વધુ નોંધાયો હતો. ગુજરાતમાં બીજા રાઉન્ડનો વરસાદ શરૂ થઇ ચુક્યો છે અને છેલ્લા કેટલાક દિવસથી નોંધપાત્ર વરસાદ થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ નોંધાયો છે.