આજે દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ક્યાંક કોઈ બાઈકચાલક ટ્રકની અડફેટમાં આવી ગયો તો ક્યાંક કોઈ ગાડી ફૂટપાથ કે ડીવાઈડર પર ચઢી ગઈ. રોજ સાંભળવામાં આવે છે કે કોઈ માઁ એ તેનો દીકરો ખોયો તો કોઈ બહેને તેનો ભાઈ! રોજ કેટલીય સુહાગનોના સુહાગ તેમના આંસુઓથી ભૂંસાઈ રહ્યા છે ત્યારે મનમાં સહેજે પ્રશ્ન થાય કે આમાં દોષ કોણો?
મારા મત મુજબ આમાં એક જ વાતનો દોષ છે અને તે છે સ્વંય શિસ્ત અને અનુસાશનની ઉણપ! માર્ગ ઉપર વધતા અકસ્માતોના પ્રમાણ સામે લોકોએ સતર્કતાપૂર્વક વાહનો ચલાવવા જોઇએ અને સલામતી અભિગમો સાથે આધ્યાત્મિક ચિંતન કરવું આજે ખૂબ જ જરૂરી બની ગયું છે. હવે, અકસ્માતોની સંખ્યામાં લોકોની જાગૃતિ અને સતર્કતા જ ઘટાડો લાવી શકે છે. યાદ રાખજો પ્રશાસને લાદેલા શાસન કરતા પ્રજા એ લાવેલા સ્વંય અનુશાસન વધારે કારગત નીવડતા હોય છે.
આપણે નાનપણથી જ વાહન ચલાવતા શીખીએ છીએ પણ મજબુરી એ છે કે ટ્રાફિકના નિયમો તો આપણે જેમ જેમ સમજદાર થતા જઈએ તેમ તેમ અનુભવે સમજતા અને શીખતા જઈએ છીએ. ખરેખર તો આજે જરૂર છે પાઠ્યપુસ્તકોમાં ટ્રાફિકના નિયમોને અભ્યાસક્રમ તરીકે સામેલ કરી નાનપણથી જ બાળકોને ટ્રાફિકના નિયમો અને ચિન્હોથી અવગત કરાવવા.
હવે જુઓને અકસ્માત નિવારણ માટે કેટલાક નિષ્ણાંતો અને બુદ્ધીજીવો એ ખૂબ જ ઉપયોગી એવા નિયમો બનાવ્યા છે જેમકે …
- વાહન હમેંશા રસ્તાની ડાબી બાજુ ચલાવો.
- વાહનની જમણી બાજુથી જ ઓવર ટેક કરો.
- રોડ પરની નિશાનીઓ દ્વારા અપાતી સૂચનાઓને ધ્યાને રાખો અને વાહન ચલાવો.
- હેલ્મેટ/સીટ બેલ્ટનો હંમેશા ઉપયોગ કરો.
- હંમેશા ઝીબ્રા કોર્સિંગનો ઉપયોગ કરો.
- રોંગ સાઈડ પર વાહન ન ચલાવો.
- ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત ન કરો.
- ટ્રાફિક સુરક્ષા માટે ઠેકઠેકાણે ટ્રાફિક સિગ્નલ લગાડ્યા છે જેનું પાલન કરો.
હવે, છાતી પર હાથ મુકીને મારા સવાલનો જવાબ આપો કે આમાંથી આપણે કેટલા નિયમોનું પાલન કરીએ છીએ?
ટ્રાફિક પોલીસવાળા ઉભા ન હોય ત્યારે કદાચ એકેયનો નહી! અને સાયકલ સવારો કે હાથલારીવાળાઓ તો જાણે આ નિયમો તેમના માટે બન્યા જ નથી એવા ઝનુનથી માર્ગ પર નીકળી પડે છે અને પોતે તો ઘાયલ થાય છે સાથે બીજાને પણ મોટી હાની પહોંચાડે છે.
આપણે ટ્રાફિક સિંગલ કરતા ટ્રાફિકવાળાને વધુ જોતા હોય છે! મતલબ ટ્રાફિકના નિયમો ત્યારે જ પાળવાના જયારે ટ્રાફિકવાળો હાજર હોય! આમ, આપણે તો નિયમો પાળવાના નહિ જ, પરંતુ જો સરકાર આપણી સલામતી માટે તે પળાવવા કાયદાઓને કડક કરે તો ઉહાપોહ મચાવી દેવાનો. હવે તમે જ વિચારો કે તમે હેલ્મેટ પહેરો એમાં સરકારને અને ટ્રાફિક પોલીસને શો ફાયદો? ના પણ આપણે આપણા વિચારો સાચા ઠેરવવા તેમાં પણ સરકારનો કોઈકને કોઈક ફાયદો ગોતી કાઢતા હોઈએ છીએ અને આ મથામણમાં આપણે તેમાં છુપાયેલું આપણું હિત જોઈ જ શકતા નથી.
જો આપણે સહુ શિસ્ત અને અનુશાસનમાં રહીએ તો પછી ટ્રાફિક પોલીસની જરૂર જ શું કામ રહે? મારા મત મુજબ ટ્રાફિક પોલીસનું હોવું એ સુશિક્ષિત વર્ગ માટે કલંક સમાન છે! મજાની વાત તો એ છે કે શિસ્ત અને અનુશાસનના અભાવમાં જીવતો આપણો આ સમાજ એક સુવિકસિત અને સફળ શાસનની અપેક્ષા રાખે છે!
અકસ્માત ટાળવા માટે આપણે સહુએ શાંતિથી વાહન હંકારવું ખૂબ જ જરૂરી છે, પરંતુ આપણે તો હંમેશા ઉતાવળમાં જ હોઈએ છીએ! એટલી ઉતાવળમાં કે ટ્રાફિક સિંગલ હજી પોતાનો લાલ રંગ બદલી લીલો કરે ત્યાં સુધીમાં તો આપણે ગાડીને એક્સીલેટર પણ આપી દીધું હોય છે! આવા સંજોગોમાં અકસ્માત થવાનો જ! વળી વિચાર કરો કે ઝડપથી ગાડી હંકારીને તમે વધુમાં વધુ કેટલી મીનીટો બચાવી શકશો? કયારે આ બાબતે વિચાર્યું છે ખરું?
ધારો કે તમે ૮૦ કી.મિ.ની ઝડપે ગાડી હંકારી ને ૧૦ કી.મિનું અંતર કાપ્યું તો તમે તમારા નિયત સ્થાને લગભગ ૮ મિનીટમાં પહોચો છો. હવે તમે આજ વાહન ૫૦ કી.મિની ઝડપે શાંતિથી હંકારી લગભગ ૧૨ મિનીટમાં ૧૦ કી.મિ.નું અંતર કાપશો!
મતલબ તમે તમારો અને સામેવાળાનો જીવજોખમમાં નાખી ઝડપથી ગાડી હંકારી માંડ ૪ મિનીટ બચાવો છો! આના કરતા જો તમે ઘરેથી જ પાંચ મિનીટ વહેલા નીકળો તો? તમારામાં શિસ્ત અને અનુશાસન લાવી જો સવારે થોડું વહેલા ઊઠવાનું રાખો તો? શું આ જોખમ લેવાની જરૂર પડશે?
અહીં માત્ર ઉદાહરણ આપવા મેં ૧૦ કી.મિ. નો દાખલો આપ્યો બાકી આપણે રોજબરોજ એવા ઘણા અંતરો ઝડપથી કાપવા જતા હોઈએ છીએ જે સાવ નજીક હોય છે, અને જો તમે એમાં બચાવેલી મીનીટોનો હિસાબ કરી જોશો તો હસી હસીને લોટપોટ થઇ જશો.
આવી જ આપણી બીજી એક કુટેવ છે રોંગ સાઈડ. થોડુક અંતર બચાવવાની ઘેલછામાં આપણે ક્યારેક કયારેક રોંગ સાઈડ લેવાની એવી ભૂલ કરી બેસતા હોઈએ છીએ કે જે આપણી જિંદગીનો સૌથી મોટો અને ભયાનક ટર્નીંગ પોઈન્ટ સાબિત થતો હોય છે.
મારી ઉપરોક્ત વાતો તમને કડવી લાગી હશે, તો ભાઈ દવા કડવી જ હોય છે પણ તે પી યાદ રાખી એવી છોકરરમત ક્યારેય ન કરશો કે જેનાથી તમારા સ્નેહીજનોને દુઃખી અને બાળકોને અનાથ કે લાચાર થવું પડે.
યાદ રાખો ઈશ્વરે તમારું સર્જન રસ્તા પર તડપી તડપીને જીવ છોડવા માટે નથી કર્યું.
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
{યોગી પ્રશાંતનાથ જ્યોતિર્નાથ }
{YOGI, Author, Philosopher, Dr. Hon. D.H.L, Reiki Grandmaster – Sensei}