મહુધા-કઠલાલ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: મહુધા-કઠલાલ રોડ ઉપર ગઇકાલે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના કરૂણ મોત થયા હતા. આ બનાવના કારણે સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે, ઘટનાસ્થળે જ પાંચના મોત થઇ ગયા હતા અને રિક્ષાના ફુરચેફુરચા ઉડી ગયા હતા. બનાવની જાણ થતાં મહુધા પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરી હતી.  ઘાયલ થયેલા લોકોને તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા લોકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. ઓળખવિધિની પ્રક્રિયા પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

મહુધા-કઠલાલ રોડ ઉપર થયેલા અકસ્માતના સંદર્ભમાં માહિતી મળી રહી છે કે, આ રોડ પર શાકભાજી માર્કેટ છે. રામના મુવાડા ગામના નિવાસીઓ રિક્ષામાં બેસીને શાકભાજી લેવા માટે કઠલાલ સ્થિત શાકમાર્કેટમાં પહોંચ્યા હતા. આ ગાળા દરમિયાન જ ઝડપથી આવી રહેલી ટ્રકે રિક્ષાને અડફેટે લીધી હતી. ઘટના બાદ તરત જ ૧૦૮ને પણ બોલાવવામાં આવી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો રિક્ષામાં બેઠેલા પાંચ લોકોને બહાર કાઢવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

તમામ મૃતકો રામના મુવાડાના મુસ્લિમ સમાજના લોકો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા વિગત મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહુધા-કઠલાલ રોડ પર હાલમાં થયેલા સૌથી ગમખ્વાર અકસ્માત પૈકીના એક તરીકે આને ગણવામાં આવે છે. પરિવારના સભ્યો હતા કે કેમ તેને લઇને હજુ પણ માહિતી મેળવી શકાય નથી, પરંતુ આ તમામ લોકો શાકભાજી ખરીદવાના હેતુથી કઠલાલમાં શાકમાર્કેટમાં જઇ રહ્યા હતા.

Share This Article