અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઇકાલે મેઘરાજાએ ત્રણેક સપ્તાહ બાદ વહેલી સવારથી જોરદાર ધમાકેદાર એન્ટ્રી મારી હતી. સવારે પાંચથી સાડા આઠ વાગ્યાની આસપાસ સુધી પડેલા ધોધમાર અને તોફાની વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં તો, ત્રણ કલાકના અતિ ભારે વરસાદને લઇ ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. પૂર્વના પટ્ટાની કેટલીક નીચાણવાળી સોસાયટીઓ, દુકાનો અને કોમ્પલેક્ષમાં પણ પાણી ફરી વળ્યા હતા.
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને પગલે અમદાવાદમાં ત્રણથી સાડા ત્રણ કલાકમાં ચારથી સાડા ચાર ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અમદાવાદ જિલ્લાના સાણંદમાં સાડા ચાર ઇંચ અને અમદાવાદ શહેરમાં સરેરાશ ચારથી સાડા ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઇ નગરજનો ખુશખુશાલ થઇ ગયા હતા અને મેઘરાજાની અમીદ્રષ્ટિ થતાં તેઓ કૃતજ્ઞતા વ્યકત કરતાં નજરે પડતા હતા.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને લઇ શ્યામલ ચાર રસ્તા પાસે, સરખેજ-જૂહાપુરાના હૈદરી મેદાન પાસે સહિતના અન્ય વિસ્તારોમાં મોટા ભુવા અને ખાડા પડયા હતા, જેને લઇને શહેરીજનો ભારે હાલાકીમાં મૂકાયા હતા. તો, ભારે અને તોફાની વરસાદના કારણે શહેરના મીઠાખળી, અખબારનગર, પરિમલ, ઉસ્માનપુરા અને કુબેરનગર સહિતના અંડરબ્રીજમાં પણ વહેલી સવાર પાણી ભરાઇ ગયા હતા અને તેના કારણે સલામતીના ભાગરૂપે આ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. જો કે, પાણી ઓસર્યા બાદ તમામ અંડરપાસ ચાલુ કરી દેવાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે અને તોફાની વરસાદના કારણે વૃક્ષો ધરાશયી થવાની ૨૫થી વધુ ઘટનાઓ નોંધાવા પામી હતી. વૃક્ષો ધરાશયી થવાની ઘટનાને લઇ સંબંધિત વિસ્તારોમાં માર્ગો પર ટ્રાફિક ચક્કાજામ થવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં છેલ્લા ત્રણેક સપ્તાહથી મેઘરાજાએ જાણે રિસામણાં લીધા હોય તેમ વાદળો ઘેરાવા છતાં અને વરસાદ વરસુ…વરસુ…જેવુ થતું હોવા છતાં મન મૂકીને વરસતા ન હતા, જેને લઇ શહેરીજનો પણ બાફ અને ગરમીના ઉકળાટને લઇ અકળાયા હતા. અમદાવાદ શહેર સહિત રાજયભરના પ્રજાજનો મેઘરાજાને મન મૂકીને વરસવાની પ્રાર્થના કરતાં નજરે પડતા હતા ત્યારે ગઇકાલે વહેલી સવારે પાંચ વાગ્યે મેઘરાજાએ જાણે તેમની અમીદ્રષ્ટિ વરસાવી હોય તે પ્રકારે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. જોરદાર તોફાની વરસાદ અમદાવાદ શહેર અને જિલ્લામાં તૂટી પડયો હતો. ઠંડા-સુસવાટા મારતા પવન વચ્ચે તોફાની વરસાદ તૂટી પડતાં ત્રણથી સાડા ત્રણ કલાકમાં તો, શહેર આખું જાણે સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું. સતત ત્રણથી સાડા ત્રણ કલાક સુધી પડેલા ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરનું સમગ્ર વાતાવરણ એકદમ ઠંડુ અને આહ્લાદક બની ગયું હતું.
ધોધમાર વરસાદના કારણે શહેરના વેજલપુર, જાધપુર, વ†ાપુર, સેટેલાઇટ, નારણપુરા, નવરંગપુરા, ગુરૂકુળ, મેમનગર, ભુયંગદેવ, થલતેજ, સુરધારા સર્કલ, હેલ્મેટ સર્કલ, વાસણા, મણિનગર, સીટીએમ, હાટકેશ્વર, મેઘાણીનગર, બાપુનગર, નરોડા, નારોલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના નીચાણવાળા વિસ્તારમાં તો ભારે વરસાદને પગલે ફરી એકવાર ભારે હાલાકીભરી પરિસ્થિતિ જોવા મળી હતી. વરસાદી પાણી લોકોના ઘરોમાં, સોસાયટીઓ અને દુકાનોમાં ફરી વળ્યા હતા. જેને પગલે પૂર્વના સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. પૂર્વના સ્થાનિક રહીશોએ અમ્યુકો સત્તાવાળાઓ પરત્વે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને સત્તાધીશોના પ્રિ-મોન્સુન એકશન પ્લાનના દાવાની પોલ ખોલી નાંખી હતી.
મેઘરાજાની તોફાની ઇનીંગને લઇ અમદાવાદ જિલ્લાના પંથકોમાં પણ વાતાવરણ ઠંડુ અને આહ્લાદક બની ગયું હતું. અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સારો એવો વરસાદ પડતાં લોકોને આખરે ઉનાળાની ગરમી અને ઉકળાટથી મોટી રાહત મળી હતી. અમદાવાદીઓ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખુશખુશાલ થઇ ગયા હતા અને મેઘરાજાના વધામણાં કર્યા હતા.