હોંગકોંગનું નામ આવે ને ડીઝની લેન્ડ થીમ પાર્ક યાદ ન આવે તેવુ તો બને જ નહિ. કેટલાક વડીલો એવું પણ સમજે છે કે તે તો બાળકો માટે છે. પણ જો જો કોઇપણ વડીલ હોંગકોંગ જતા હોય તો આ થીમપાર્ક જોવાનું ભૂલતા નહિ. હા તમે અમેરિકામાં કે અન્ય જગ્યાએ ડીઝની થીમ પાર્ક જોયા હોય તો જુદી વાત છે. આ પાર્કમાં સાત પ્રકારના થીમ એરિયા છે. મેઈન સ્ટ્રીટ, USA, ફેન્ટસી લેન્ડ, એડવેન્ચર, ટોય સ્ટોર લેન્ડ અને અન્ય ત્યાં ફરજ પરના લોકો Mandarin ની સાથે English પણ બોલે છે. ગાઈડ મેપમાં પણ અન્ય ભાષાઓ સાથે અગ્રેજીમાં પણ માહિતી ઉપલબ્ધ છે. તે તો હોય જ ને? જ્યા રોજના પચાસ હજાર જેટલા પ્રવાસીઓ આવતા હોય, 123 એકર જમીન ઉપર ફેલાયેલા વિશાળ વિશ્વ પ્રસિદ્ધ પાર્ક માં દરેક પ્રવાસીઓને ધ્યાનમાં લઈને જ વ્યવસ્થા થઇ હોય. અલબત તેની ટીકીટ જરા મોઘી હોય છે. પણ અનેરી મજા માણવા એટલી કીમત ચૂકવી શકાય.
આવોજ એક બીજો થીમ પાર્ક છે. ઓશન પાર્ક. અહીનું ખાસ આકર્ષણ છે કે તમે એક જ દિવસમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવનો અનુભવ લઇ શકો છે. વૈવિધ્ય સભર વિશાળ એક્વેરિયમ, પેન્ગ્વીની મુલાકાત, રાઈડ ડોલ્ફિન શો અને ઘણું બધું.
ચાલો, તો આપણે પાર્કની દુનિયામાંથી બહાર નીકળીએ અને કુદરતના ખોળે માનવસર્જિત સૌન્દર્યની વાત કરીએ. હોંગકોંગ અને કોવ્લૂન ટાપુની વચ્ચે આવેલ વિક્ટોરિયા હાર્બર. અહીં વિશ્વના વિવિધ પ્રવાસીઓનો મેળાવડો ભરાતો હોય તેવું લાગે. અનેક દેશોના વહાણો તરતા હોય, અને આકર્ષક દરિયા કિનારો,કિનારા ઉપર આવેલી ઊંચી ચમકદાર ઈમારતો અને રોશની સાથે પીરસાતું સંગીત. લાઈટ શો જેવું નામ આપી શકાય. વાર્ષિક આતશબાજી પણ આજ સ્થળે થાય.તેમાય જયારે ચાઇનીસ સ્ટાઈલ ની બોટમાં કે હાર્બર ક્રુઝમાં સહેલગાહ કરવા નીકળો ત્યારે એક બાજુ પહાડોથી આચ્છાદિત હોંગકોંગ અને બીજી બાજુ કોવ્લૂન. આવું સરસ કુદરતીને માનવસર્જિત સંયોજન ફિલ્મી દુનિયા માટે પણ આકર્ષણનું સ્થાન બની ગયું આથી જ જેમ્સ બોન્ડની ફિલ્મ ‘DIEAN OTHER DAY’ અને બોલીવુડ ફિલ્મ ‘AWARAPAN’ નું શુટિંગ અહી વિક્ટોરિયા હાર્બર ઉપર જ થયું છે.
પાણીની સપાટી ઉપર સહેલગાહની મજા કરી? તો ચાલો ગગન વિહાર કરવા. દરિયાઈ સપાટીથી આશરે 396 મીટરની ઉંચાઈ પર આવેલ PEAK TOWER હોંગકોંગ નું અદભુત આધુનિક સ્થાપત્ય છે. દુરથી પણ આ ટાવર ખુબ સુંદર લાગે છે. ટાવરની અંદર ચહલ-પહલ વળી રેસ્ટોરન્ટસ, દુકાનો અને આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓની ભરમાર. સૌથી ઉપર ટેરેસ, અને ત્યાંથી હોંગકોંગસીટીનું અદભુત વિહંગાવલોકન અને આખા પ્રદેશની પ્રકૃતિનું રસપાન. ટાવર ઉપર જવા માટે ટ્રામ ની સફર પણ આનંદિત કરી જાય છે. રીટર્ન ટીકીટના 40 HK$ વસુલ થઇ જાય છે.
આવોજ એક બીજો દિલધડક અનુભવ લેવો હોય તો “Sky100 Hong Kong Observation Deck” જોવા જેવો છે. અતિ ઝડપી લીફ્ટ દ્વરા 60 સેકન્ડમાં તમે 100 માળની મુસાફરી કરી શકો છો. હોંગકોંગની સૌથી ઉંચી ઈમારત ઉપર પહોચી 360ડીગ્રી વિક્ટોરિયા હાર્બર અને કોવ્લૂન ટાપુ ને નિહાળી શકો છો. ત્યાં મલ્ટીમીડિયા ટુરની પણ મજા માણી શકો છો. ઉચ્ચ ક્ષમતા વાળા ટેલીસ્કોપ વડે તમે આખા પ્રદેશનો સ્પષ્ટ નજરો જોવાનો લ્હાવો લઇ શકો છો.સુંદર ફોટોગ્રાફ્સની યાદગીરી અહીંથી સાથે લઇ જવી મુશ્કેલ નથી.
હજીતો ઘણું ઘણું જોવા જાણવાનું છે. હોંગકોંગની વાત એમ તરત પૂરી ના થાય, થોડી રાહ જુઓ આવુ છું આવતા અંકમાં થોડી વધારે માહિતી સાથે.
- નિસ્પૃહા દેસાઈ