અમદાવાદ: અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારથી ભારે વરસાદની શરૂઆત થઇ હતી. ગાજવીજ સાથે જોરદાર વરસાદના કારણે સવારમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારમાં ઓફિસ જતી વેળા લોકો મોટી સંખ્યામાં જુદા જુદા વિસ્તારોમાં અટવાઇ પડ્યા હતા. વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસથી ભારે વરસાદ જામ્યો હતો. ગાજવીજ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. જો કે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા લોકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આ સિઝનમાં અમદાવાદમાં નહીંવત સમાન વરસાદ થયો છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સવારમાં વરસાદની શરૂઆત થઇ હતી. જે વિસ્તારોમાં સવારમાં ભારે વરસાદ થયો હતો તેમાં એસજી હાઇવે, વેજલપુર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, બોપલ, બોડકદેવ, જીવરાજ પાર્ક, વાસણા, રાણીપ, અખબારનગર, ચાંદખેડા, ઉસ્માનપુરા, બાપુનગર, સરસપુર, નરોડા, મણિનગર, લાણીલીમડા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. શહેરમાં સવારમાં વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં તો પાણી ફરી વળ્યા હતા. સવારમાં નોકરી પરત જતા લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ કેટલાક વિસ્તારમાં બાઇક સ્લીપ ખાઇ જવાના બનાવો બન્યા હતા.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ અમદાવાદમાં પણ વરસાદી માહોલ છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદને લઇને સામાન્ય લોકોમાં ચિંતા પ્રવર્તી રહી હતી. આ વખતે અમદાવાદમાં ખુબ ઓછો વરસાદ થયો છે. ઓગષ્ટ મહિનાના ૧૭ દિવસ થઇ ગયા હોવા છતાં ખુબ ઓછો વરસાદ અમદાવાદમાં થયો હોવાની ચર્ચા હતી. હજુ સુધી અમદાવાદમાં તો વર્તમાન વરસાદી સિઝનમાં ગણતરીના દિવસો સુધી જ વરસાદ પડ્યો છે.
ભારે વરસાદ તો એક વખત જ થયો છે. શહેરમાં જોરદાર વરસાદી માહોલ જામ્યા બાદ આ સ્થિતી યથાવત રહે તેવી શક્યતા છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરના સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી જ તંત્રની આગાહી મુજબ વરસાદની શરૂઆત થઇ હતી. જા કે તંત્ર દ્વારા હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે સવારમાં પડેલા વરસાદના કારણે કોઇ પણ રસ્તાને હજુ સુધી બંધ કરવામાં આવ્યા હતા.વેજલપુરમાં અઢી ઇંચથી વધુ વરસાદ થયો છે.