અમદાવાદ: ગોતા-ઓગણજ રોડ પર આવેલા બોલબાલા હનુમાન આશ્રમમાંથી સોલા પોલીસે બે કિલો ગાંજા સાથે બે સાધુ સહિત ત્રણ શખ્સની ધરપકડ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સોલા પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી બે કિલો ગાંજો, બે મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સોલા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીને બાતમી મળી હતી કે ગોતાના ઓગણજ ગામમાં જતાં બોલબાલા હનુમાનજીના આશ્રમમાં બે સાધુ ગાંજો વેચી રહ્યા છે, જેના આધારે ગઇકાલે સાંજે ડી સ્ટાફ પીએસઆઇ ગોસ્વામીની ટીમે આશ્રમમાં અચાનક જ દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પોલીસે મહેન્દ્રભાઇ નરસીભાઇ સાધુ, દશરથ મહેન્દ્રભાઇ સાધુ બંને (રહે. બોલબાલા હનુમાન આશ્રમ, ગોતા) અને સંજય ત્રિવેદી (રહે. પંડ્યા પોળ, મહેમદાવાદ)ને ઝડપી લીધા હતા.
પોલીસે ત્રણેય પાસેથી આશરે બે કિલો જેટલો ગાંજો કબજે કર્યો હતો. આરોપી સંજય ત્રિવેદી આ બંને પિતા-પુત્ર સાધુને ગાંજો વેચવા માટે આપતા હતા. આસ્થાના ધામમાં કોઇ ગેરકાયદે કે ગુનાઇત પ્રવૃત્તિ ન થતી હોવાની લોકોમાં માન્યતા હોઇ તેનો ફાયદો ઉઠાવી સાધુ પિતા-પુત્ર ગાંજાનું વેચાણ કરતા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી ગાંજો કેટલા સમયથી વેચતા હતા તે અંગેની તપાસ હાથ ધરી છે. જો કે, આશ્રમમાંથી ગાંજાનો મોટો જથ્થો પકડાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ધાર્મિક આસ્થા ધરાવતા વ્યકિતઓમાં આ સમાચાર ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા હતા.