અમદાવાદઃ અમદાવાદ શહેરના ઇતિહાસમાં સૌપ્રથમવાર તા.૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિનની ઉજવણીમાં અમદાવાદ શહેરના ત્રણ બ્રીજા સુભાષબ્રીજ, નહેરૂબ્રીજ અને સરદાર બ્રીજ પર અનોખી માર્ચ અને ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જેમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પહેલી વખત આર્મી, પોલીસ, નેવી-કોસ્ટગાર્ડના જવાનો આમ જનતા સાથે માર્ચમાં જોડાશે અને ધ્વજવંદન કરશે.
રોટરી કલબ ઓફ કાંકરિયા, અમદાવાદ દ્વારા ‘એક કદમ’ પહેલ તરીકે પ્રથમવાર તા.૧૫મી ઓગસ્ટે અમદાવાદના ત્રણેય બ્રીજ પર એકસાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના અને દેશભકિત વધુ પ્રબળ બનાવવાના ઉમદા આશય સાથે રોટરી કલબ ઓફ કાંકરિયા, અમદાવાદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે એમ અત્રે રોટરી કલબ ઓફ કાંકરિયા, અમદાવાદના પ્રમુખ વીણાબહેન પરીખ અને જાણીતા ધારાશાસ્ત્રી સોનલબહેન જાષીએ જણાવ્યું હતું.
આગામી તા.૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની આ અનોખી ઉજવણી અંગે તેમણે વધુમાં જણાવ્યું હતુંકે, રોટરી ક્લબ ઓફ કાંકરિયા-અમદાવાદ દ્વારા આયોજિત ‘એક કદમ’ નામના અભિયાનમાં લાઇવ બેન્ડ સાથે શહેરના એકસાથે ત્રણ બ્રીજ – સુભાષ બ્રીજ, નેહરૂ બ્રીજ અને સરદાર બ્રીજ પર સવારના ૮-૦૦થી ૯-૦૦ વાગ્યા સુધી ધ્વજવંદન કરવામાં આવશે. ત્રણેય બ્રીજના બંને છેડેથી એકસાથે આર્મીના જવાનો, પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ અને નેવી-કોસ્ટગાર્ડના જવાનો અને આમજનતા એક સાથે એક જ સમયે માર્ચ કરતાં કરતાં બ્રીજના છેડેથી પુલની મધ્ય સુધી આવશે અને બ્રીજની વચ્ચે એક જ સમયે ધ્વજવંદનનો અનોખો કાર્યક્રમ યોજી દેશભકિતને સલામી આપશે. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્કુલના વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો, વિકલાંગ બાળકો, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિતના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
રોટરી કલબ ઓફ કાંકરિયા, અમદાવાદના પ્રમુખ વીણાબહેન પરીખ અને જાણીતા ધારાશાસ્ત્રી સોનલબહેન જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, ધ્વજવંદનની સાથે સાથે ઉપસ્થિત જનસમુદાયને દેશભકિત અને રાષ્ટ્રભાવના પ્રબળ બને તે માટે ભારતીયતા, મિત્રતા, સુરક્ષા, સ્વતંત્રતા અને સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા-સંક્લ્પ પણ લેવડાવવામાં આવશે. સ્વતંત્રતા દિવસની આ અનોખી ઉજવણી દ્વારા અમે અમદાવાદ શહેરની જનતા અને દેશવાસીઓને ભારતીયતા, મિત્રતા, સુરક્ષા, સ્વતંત્રતા અને સ્વચ્છતા સંબંધી હૃદયસ્પર્શી સંદેશો આપવા માંગીએ છીએ અને આ તમામ વિષયોમાં દેશના એક જાગૃત નાગરિક તરીકે તેમાં સહભાગી બની રાષ્ટ્રીય ભાવનાને પ્રબળ-અસરકારકતા સાથે પ્રજ્જવલિત રાખવા અનુરોધ કરવા માંગીએ છીએ. ‘એક કદમ’ એ સામાજિક વિકાસમાં રોટરી ક્લબ ઓફ કાંકરિયાની એક નાનકડી પહેલ છે, આગામી વર્ષથી આ પહેલ મોટાપાયે લોકોમાં ચરિતાર્થ થાય તે પ્રકારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.
આ પ્રસંગે રોટરી કલબના સેક્રેટરી દિપા ગોસાઇ, અવીશા મેનેજમેન્ટના ડાયરેકટર વિજયકુમાર, ડો.સમીર બાબરીયા (આસી.ગવર્નર) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માટે પોલીસ તંત્ર, આર્મી, નેવી-કોસ્ટગાર્ડ અને અમ્યુકો તંત્રનો નોંધનીય સહયોગ પ્રાપ્ત થયો છે.