વડોદરાઃ ૭૨મા સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ મંગળવાર ૧૪મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ આન, બાન અને શાન સાથે ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન જિલ્લા પ્રશાસન અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ વિભાગ, મ.સ.વિશ્વવિદ્યાલય તેમજ અન્ય વિભાગોના સહયોગથી કરવામાં આવ્યું છે. આ યાત્રા શહેરના વાતાવરણમાં દેશચાહનાની આબોહવાને પ્રબળ બનાવશે.
નિવાસી અધિક કલેકટર એમ.જે.દવેએ ત્રિરંગા યાત્રાના આયોજનની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, વડીવાડી અગ્નિશમન કેન્દ્રની સામે આવેલી ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝની પ્રતિમાથી સાંજના બરોબર ૫.૩૦ કલાકે ત્રિરંગા યાત્રા શરૂ કરાશે. જેના મોખરે પોલીસની ખુલ્લી જીપમાં વિશાળ રાષ્ટ્રધ્વજને રાખવામાં આવશે. તેની પાછળ વાહનમાં પોલીસ બેન્ડ અને તેની પછીતે ૧૪૪ પોલીસ જવાનો ૭૨ જેટલી મોટર સાયકલ્સ સાથે જોડાશે. શિક્ષણ વિભાગે ૫૦૦ જેટલાં શિક્ષકો બાઇક્સ સાથે યાત્રાની શાન વધારે એવું આયોજન કર્યું છે. યાદ રહે કે આ બાઇક સવારો અશોક ચક્ર વગરના કાપડના ત્રિરંગા ધ્વજો લઈને યાત્રામાં જોડાશે. આ યાત્રામાં પોલીસ સ્ટુડન્ટ કેડેટસ, એનસીસી, એનએસએસના સેવાકર્મીઓ જોડાશે. રાષ્ટ્રધ્વજ સાથે સુશોભિત જીપમાં ક્રાંતિવીરોની પ્રેરણાદાયક તસવીરો રાખવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં ૧૦ સ્થળો ખાતે યાત્રાના સ્વાગત માટેના પોઇન્ટસ નિર્ધારીત કર્યા છે. આ ઉપરાંત શાળા કોલેજીસ અને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સમગ્ર માર્ગ પર નાગરિકોની સાથે યાત્રાનું સ્વાગત કરશે.
યાત્રાનો માર્ગ : સુભાષચંદ્ર બોઝ પ્રતિમાથી શરૂ થયેલી યાત્રા યુનાઇટેડ વે સર્કલ- ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ- ટ્રાન્સપેક (ચકલી) સર્કલ– જેતલપુર રોડ- મેસોનીક હોલ ચાર રસ્તા-સ્વામી વિવેકાનંદ બ્રીજ-ભીમનાથ બ્રીજ-જેલ રોડ-બરોડા ઓટોમોબાઇલ્સ-પંચમુખી હનુમાનજી મંદિર-સયાજી હોસ્પિટલ ગેટ સામે-કોઠી ચાર રસ્તા-રાવપુરા રોડ- અમદાવાદી પોળ થઇને ગાંધીનગર ગૃહ ખાતે પહોંચશે.
આ સ્થળે રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ઇન્ડિયન ફ્લેગ કોડ પ્રમાણે સલામી આપીને ઉતારવામાં આવશે અને યાત્રાના સમાપનની વિધિ કરાશે. મહાનુભાવો મશાલ પ્રાગટ્ય કરશે અને તે પછી ગાંધીનગર ગૃહમાં યાદ કરો કુરબાનીનો દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ થશે જેને નાગરિકો માણી શકશે.
આ યાત્રામાં વડોદરા મહાનગરપાલિકાના મેયર, સાંસદ, ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પદાધિકારીઓ, નગરસેવકો, નગરના અગ્રણીઓ, વિવિધ શૈક્ષણિક-સામાજિક સંસ્થાઓના પદાધિકારીઓ જોડાશે. નાગરિકોને રાષ્ટ્રનિષ્ઠા અને સમર્પણનો સંકલ્પ લેવડાવવામાં આવશે. આ યાત્રામાં શહેરીજનોને મોટી સંખ્યામાં જોડાવા, ત્રિરંગા યાત્રાનું માર્ગમાં ઠેર ઠેર સ્વાગત કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.