વડોદરાઃ આજે વડોદરા ખાતે અનોખા ‘સીડ બોલ થ્રોઇંગ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં પ્રકૃતિ પ્રેમીઓની લોકભાગીદારી જોવામાં મળી હતી. આ કાર્યક્રમનું આયોજન નેચર વોક ગ્રુપ તથા કોમ્યુનિટી સાયન્સ સેંટર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ‘સીડ બોલ થ્રોઇંગ’ કાર્યક્રમ અંતર્ગત વિશ્વામિત્રી નદીના કિનારાઓ પર સીડ બોલને થ્રો કરવામાં આવ્યા હતા. જેમાં પ્રકૃતિપ્રેમીઓ દ્વારા જાતે જ સીડ બોલ બનાવી તેને વિશ્વામિત્રી નદીના કિનારાઓ પર ફેંકવામાં આવ્યા હતા. આ અનોખા પ્રયોગ પાછળ ભાવિ પેઢીને સુંદર અને રમણીય વિશ્વામિત્રી નદીની ભેટ આપવાનો હેતુ રહેલો છે. જેમાં પ્રકૃતિ પ્રેમીઓએ ખૂબ જ હૃદયથી પોતાનો ફાળો આપ્યો હતો.
જાણો શું છે સીડ બોલઃ
સીડ બોલ થ્રોઇંગ એક એવો પ્રયોગ છે, જે થકી આપણે આપણી પૃથ્વીને હરિયાળી બનાવી શકીયે છીએ. સીડ બોલ એટલે કે એક એવો દડો કે જેમાં બીજ રહેલા હોય છે. આ પ્રકારના બોલ બનાવવા માટે ભીની માટીમાં એક કે તેથી વધુ માત્રામાં બીજોનું મિશ્રણ કરવામાં આવે છે. તેને બરાબર મિશ્રણ કરી તેને બોલ અટલે કે દડાનું સ્વરૂપ આપવામાં આવે છે. આ મિશ્રણમાં જરૂર પડે દેશી ખાતરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આમ સીડ બોલ તૈયાર થઇ જાય પછી તેને સૂકવવામાં આવે છે, સૂકાઇ ગયા બાદ તે ઉપયોગ માટે તૈયાર થઇ જાય છે.
આપણે એવા ઘણા સ્થળોથી પરીચિત હોઇએ છીએ કે જ્યાં વૃક્ષો વાવી શકાય છે, પણ તે સ્થળ પર જવા માટે સક્ષમ હોતા નથી, તેવા સ્થળો પર આ સીડ બોલ ફેંકી આપણે તે સ્થળ કે જગ્યાને હરિયાળી બનાવી શકીયે છે. આ પ્રકારે આયોજિત થતાં કાર્યક્રમો આપણે આપણી ભાવિ પેઢીને હરિયાળી પૃથ્વીની ભેટ આપી શકીયે છીએ.
માહિતી સ્ત્રોતઃ પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
જુઓ વિડિયોઃ