અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં પાંજરાપોળ પાસે આવેલી પોલીટેકનીક કોલેજમાં તાજેતરમાં જ હેકર્સ વિષય પર આયોજિત લેકચરમાં બહારથી બોલાવાયેલા નિષ્ણાત વકતા પ્રોફેસર દ્વારા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને મહિલા પ્રાધ્યાપકોની હાજરીમાં બિભત્સ વાર્તાલાપ અને સનીલિયોનીથી માંડી સવિતાભાભીના ઉદાહરણો આપી દેતાં શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે.
એકબાજુ પોલીટેકનીક સત્તાવાળાઓ આ સમગ્ર બનાવને લઇ બચાવની ભૂમિકામાં આવી ગયા છે, બીજીબાજુ, હવે વિવાદ ઉગ્ર બનતાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇએ પણ મામલામાં ઝંપલાવ્યું છે અને આ સમગ્ર વિવાદમાં જરૂરી દરમ્યાનગીરી તાકીદે શિક્ષાત્મક પગલાં લેવા રાજયના શિક્ષણમંત્રી અને સંબંધિત સત્તાવાળાઓને પત્ર પાઠવી ઉગ્ર માંગણી કરી છે.
આ સમગ્ર મામલા અંગે એનએસયુઆઇના પ્રવકતા સુધીર રાવલે જણાવ્યું હતું કે, આંબાવાડી પોલીટેકનીક ખાતે ૧૯-૭-૧૮ ના રોજ હેકિંગ અંગેના સેમીનારમાં પોલીટેકનીકના ઈ.સી. વિભાગના પ્રોફેસર ટી.પી.ચાંદપુરાના સબંધી પ્રો. સની વાઘેલા દ્વારા તેમના વકતવ્ય દરમ્યાન બિભત્સ દ્વિઅર્થી શબ્દો અને ઉદાહરણનો મારો ચલાવ્યો હતો. આઘાતજનક વાત તો એ હતી કે, આ સેમીનારમાં વિદ્યાર્થીઓ ઉપરાંત વિદ્યાર્થીનીઓ અને મહિલા પ્રાધ્યાપકો પણ હાજર હતી અને તેમ છતાં સની વાઘેલા દ્વારા આ પ્રકારે અપશબ્દો અને વાંધાજનક ઉચ્ચારણોને લઇ ખાસ કરીને મહિલાસમાજ ક્ષોભજનક અને શરમજનક સ્થિતિમાં મૂકાયો હતો.
આ સમગ્ર વિવાદમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પોલીટેકનીકના પ્રિન્સીપાલને જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી હતી, પરંતુ આ મામલામાં ભીનુ સંકેલવાના પ્રયાસો થઇ રહ્યા છે. કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સંસ્થાના સ્ટાફની બીકથી લેખિતમાં ફરિયાદ આપતાં ડરતા હતા ત્યારે એનએસયુઆઇએ વિદ્યાર્થીઓની લાગણીને વાચા આપવા ચિત્રમાં આવી છે અને આ સમગ્ર પ્રકરણમાં કસૂરવારો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવાની માંગણી સાથે એનએસયુઆઇ તરફથી રાજય સરકારના શિક્ષણમંત્રી સહિતના સંબંધિત સત્તાવાળાઓને પત્ર પાઠવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
જો આ અંગે સરકાર દ્વારા કોઇ કાર્યવાહી નહી થાય તો વિદ્યાર્થીઓના ન્યાય માટે એનએસયુઆઇ ઉગ્ર આંદોલન છેડતા પણ અચકાશે નહી એમ એનએસયુઆઇના પ્રવકતા સુધીર રાવલે ઉમેર્યું હતું.