અમદાવાદ: સિંગતેલના ભાવોમાં દરરોજ આંચકાજનક ભાવ વધારો થઈ રહ્યો છે, જેને લઇને લોકો ત્રસ્ત બન્યા છે. ખાસ કરીને મહિલાઓમાં તેલના ભાવોમાં ભડકાને લઇ ભારે નારાજગી ફેલાઇ છે. કારણ કે, તહેવારો પૂર્વે જ તેલના ડબાએ રોજ રૂ. ૧૦નો ભાવ વધારો નોંધતાં માત્ર દસ જ દિવસમાં તેલના ડબાનો ભાવ વધીને ૧૬૦૦એ પહોંચ્યો છે. તેલના ભાવોને લઇ આગામી શ્રાવણ માસ, રક્ષાબંધન સહિતના તહેવારો પહેલાં જ લોકોની ચિંતા વધી છે અને સરકારને તાત્કાલિક ભાવવધારો કાબૂમાં લેવા અનુરોધ કરાયો છે. બીજીબાજુ, રાજય સરકાર દ્વારા તેલના ભાવોમાં નોંધાયેલા ઉછાળાને લઇ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ રાજયના ઓઇલ મિલરોની તાકીદની બેઠક બોલાવી આ અંગે ચર્ચા વિચારણા શરૂ કરી છે. સામાન્ય રીતે, નાફેડ દ્વારા ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવતી હોય છે. આ મગફળી નાફેડ સમયાંતરે બજારમાં વેચાણ કરે છે. પરંતુ હાલના સંજોગોમાં અત્યાર સુધી ભાવ પક્કડના કારણે સીધું ચાલતું મગફળીનું બજાર ભડકા છાપ તેજીમાં ફેરવાવાનો અંદાજ છે. જેના કારણે લોકોએ મજબૂરીથી સિંગતેલ મોંઘા ભાવે ખાવું પડે તેવી પરિÂસ્થતિનું નિર્માણ થયું છે. નાફેડે તેના મગફળીના વેચાણ ભાવમાં ૨૦ કિલોએ રૂ.૧૦૦થી ૧ર૦ સુધીનો વધારો કરી દીધો છે. જેની સીધી અસર બજાર અને તેલના ભાવો પર પણ પડી છે. દરમ્યાન આ અંગે અન્ન અને પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે અધિકારીઓને સૂચના આપી છે કે તેલનો પુરવઠો સંગ્રહ કરીને કાળાં બજાર કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવે. કોઈ વેપારીને ત્યાં જરૂરથી વધુ તેલનો જથ્થો એકઠો કરવા દેવાશે નહીં. તહેવારો દરમિયાન ગરીબોને વાજબીભાવે તેલ આપવામાં આવશે.
સિંગતેલના ડબાનો ભાવ જે તા.૩૦ જૂને ૧૫ કિલો પ્રમાણે ૧૪૩૦ હતો અને ૧૫ લિટરનો ભાવ રૂ. ૧૩૨૦ હતો એ જ તેલનો ભાવ તા.૩૧ જુલાઈએ ૧૫ કિલો ડબાનો ૧૫૭૦ થી૧૫૮૦ થયો અને ૧૫ લિટરનો ભાવ રૂ.૧૪૫૦ થી ૧૪૭૦ થયો. જેમાં રૂ ૧૨૦નો વધારો માત્ર એક મહિનામાં થયો. જે હવે રૂ ૧૬૦૦એ પહોંચતાં અને હજુ વધવાની આશંકાઓ પ્રવર્તતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે.