ચેન્નાઇ : તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન કરૂણાનિધીને શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્થકો ઉમટી પડ્યા છે. લોકોની ભીડ વચ્ચે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણઁ ચેન્નાઇ પહોંચ્યા હતા. ચેન્નાઇ વિમાનીમથકે પહોંચ્યા બાદ મોદી સીધા કરૂણાનિધીને અંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તેમના પાર્થિવ શરીરને હાલમાં ચેન્નાઇના રાજાજી હોલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે જનસેલાબ છે. બીજી બાજુ તેમના અંતિમસંસ્કારના સ્થળને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી છે. કારણકે મરીન બીચ પર કરૂણાનિધીની સમાધી બનાવવા માટે જમીન આપવાનો ઇન્કાર કરવાના મામલે તમિળનાડુની સરકારે કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી દીધી છે. આ મામલે સુનાવણી હાથ ધરાઇ છે.
તમિળનાડુના પાંચ વખતના મુખ્યમંત્રી રહેલા અને કલાઈનારના નામથી લોકપ્રિય ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ કરૂણાનિધિનું ગઇકાલે સાંજે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થતાં તેમના લાખો સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. દ્રવિડ આંદોલનના પરિણામ સ્વરુપે કરૂણાનિધિ રાજકીયરીતે ઉભરી આવ્યા હતા. આશરે છ દશક સુધી રાજકીય કેરિયરમાં મોટાભાગે તેઓ તમિળનાડુના રાજનીતિમાં મુખ્ય ધ્રુવ તરીકે રહ્યા હતા. ૫૦ વર્ષ સુધી પોતાની પાર્ટીના પ્રમુખ તરીકે રહ્યા હતા. સોમવારના દિવસથી જ તેમની તબિયત સતત ખરાબ થઇ રહી હતી.
શનિવારથી જ તેમની તબિયત વધારે લથડી ગઈ હતી. બહુમુખી પ્રતિભા તરીકે પણ તેમને ગણવામાં આવતા હતા. અગાઉ ૧૯મી જુલાઈના દિવસે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેજ દિવસે તેમને રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં તેમની તબિયત ગંભીર બની ત્યારે સમર્થકો મેદાનમાં જમા થયા હતા અને તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા.કરૂણાનિધિ તમિળ ભાષા ઉપર ખુબ સારી પકડ ધરાવતા હતા. અનેક પુસ્તકો, ઉપન્યાસો, નાટકો, તમિળ ફિલ્મો માટે સંવાદ લખ્યા હતા. તમિળ સિનેમાથી રાજનીતિમાં એન્ટ્રી કરનાર કરૂણાનિધિ છ દશક સુધી રાજકીય જીવનમાં એક પણ ચૂંટણી હાર્યા ન હતા. કરૂણાનિધિના સમર્થક તેમને પ્રેમથી કલાઈનાર તરીકે બોલાવતા હતા. કરૂણાનિધિ સ્વસ્થ જીવનશૈલી ધરાવતા હતા. સવારે જલ્દી ઉઠી જતા હતા. યોગ કરતા હતા. ખુબ ચાલતા હતા. સામાન્ય ભોજન કરતા હતા. ૨૦૧૬ બાદથી તેમને અનેક વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીઠ અને પગમાં પીડાના કારણે વર્ષ ૨૦૦૯માં સર્જરી પણ કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૬માં શ્વાસની તકલીફ થયા બાદ શ્વાસનળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમની લાઇફસ્ટાઇલને લઇને હંમેશા લોકો બોધપાઠ લેતા હતા.
૨૦૦૬માં રાજ્યના સૌથી મોટી વયના મુખ્યમંત્રી તરીકે મુખ્યમંત્રી બન્યા હતા કરૂણાનિધિએ ઘણા વિવાદ પણ જગાવ્યા હતા. રામ કોણ હતા, તેમના થવાના સબૂત ક્યા છે. કરૂણાનિધિના આ નિવેદનના કારણે દેશભરમાં નારાજગીનું મોજુ ફરી વળ્યુ હતું. ૩૩ વર્ષની વયમાં કરૂણાનિધિ વર્ષ ૧૯૫૭માં પ્રથમ વખત કુલીખલાઈ સીટ પરથી જીતી તમિળનાડુ વિધાનસભામાં પહોંચ્યા હતા. વર્ષ ૧૯૬૯માં અન્નાદુરાઈના અવસાન બાદ પ્રથમ વખત તમિળનાડુના મુખ્યમંત્રી બન્યા હતા.