અમદાવાદ: રાજકોટના જેતપુરના પેઢલા ખાતેના મગફળીમાં માટીની ભેળસેળના ચકચારભર્યા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી એવા સૌરાષ્ટ્ર વેરહાઉસ કોર્પોરેશના મેનેજર મગન ઝાલાવાડિયાએ આ કેસમાં કોઇ ફરિયાદ ન થાય તે માટે કરેલા પ્રયાસોની ત્રણ ઓડિયો કલીપ વાયરલ થતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે.
ઓડિયોકલીપમાં મગન ઝાલાવાડિયા એવું બોલતા સંભળાય છે કે, રાજેશભાઇને કહીને મોદીને ફોન કરાવી દો કે ગુનો દાખલ નથી કરવાનો. આમ, ઓડિયો કલીપમાં વડાપ્રધાન મોદીનું દબાણ લાવી કેસની પતાવટ કરવાના કારસાનો પર્દાફાશ થતાં ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ છે.
વિપક્ષ કોંગ્રેસે પણ આ ઓડિયોકલીપને લઇ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જેતપુરના પેઢલા મગફળી કૌભાંડમાં પોલીસે બે દિવસ પહેલાં જ નાફેડના ચેરમેનના ભત્રીજા રોહિત બોડા સહિત ૨૨ આરોપીઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાંથી તેઓના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં મુખ્ય સૂત્રધાર આરોપી અને સૌરાષ્ટ્ર્ વેરહાઉસ કોર્પોરેશનના મેનેજર મગન ઝાલાવાડિયાની બહુ ગંભીર ભૂમિકા સામે આવી હતી.
દરમ્યાન આજે આરોપી મગન ઝાલાવાડિયાની આ કેસમાં ફરિયાદ ના થાય અને સમગ્ર કેસ રફેદફે થઇ જાય તે હેતુથી કરાયેલા પ્રયાસોની ત્રણ જેટલી ઓડિયોકલીપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ જતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઓડિયોકલીપના કેટલાક અંશોમાં મગનભાઇ જૂનાગઢ તાલુકા પંચાયતના સભ્ય માનસિંગભાઇ સાથે વાત કરતાં કહે છે કે, સરકારમાંથી પ્રેશર બહુ છે. એફઆઇઆર કોણ કરે હું તો અહીં બેઠો છું. ચિંતા નથી કંઇ. તમારે સમાધાનનો મૂડ હોય તો મારી પાસે બપોર સુધીનો જ સમય છે. વધુ સમય મારી પાસે નથી. મને ગુજકોટમાંથી ફરિયાદ દાખલ કરવાનો ફોન હતો. મેં કહી દીધું કે, મને ઝાડા-ઉલ્ટી છે. તબિયત બરોબર નથી. બે દિવસ આપો, રસ્તો કરી લેશું. ત્રીજી ઓડિયોકલીપમાં મગનભાઇ કહે છે કે, ફરિયાદ દાખલ કરવા જેતપુર જાવ છું. કલેકટર રાહુલ ગુપ્તાનો ફોન મૂકયો હજુ, ગમે તેમ કરીને કલેકટરનો રોકો અને રોકાય એમ હોય તો મને જાણ કરો. મગનભાઇ અને માનસિંગભાઇ વચ્ચેની વાતચીતના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે.
મગનભાઇઃ માનસિંગભાઇ હવે જો સમાધાનમાં જો કંઇ ગણિત હોય તો મેં નાફેડમાં વાત કરી લીધી છે પણ મીનીસ્ટ્રી ગુનો દાખલ કરવાનું કહે છે, તમે મીનીસ્ટ્રીમાં તમે કહેવડાવી દો કે પોલીસમાં તમે ટાઢું પાડી દો. કિરીટ પટેલને અને આપણા સાંસદ રાજેશભાઇને કહી ફોન કરાવી કહો કે પ્રેશર કરો મા, અમે પૂરું કરી નાંખશું. ઉપરથી ટાઢું પાડો એટલે, બે દિવસમાં રસ્તો નીકળી જશે.
માનસિંગભાઇઃ નાફેડમાં મેં ફોન કર્યો ત્યારે મને એવું કહ્યં કે, અમને કંઇ ખબર જ નથી.
મગનભાઇઃ આ રોહિત અહીં ફોન પર ફોન કરી ઠેકડા મારે છે. એને બધાને ન ખબર હોય તેના બોસને જ ખબર હોય ને..પેલા તો તમે મંડળીવાળા મુળુભાઇ સાથે વાત કરી લ્યો અને તેને પૂછો કે જો તમે સમાધાન માટે તૈયાર હો તો હું બધો રસ્તો કાઢી લાવ.
માનસિંગભાઇઃ એની સાથે વાત થઇ કાલે વિકાસ કમિશનરનમાં મારે તારીખ છે એ પતાવીને અમે બંને તમારી પાસે આવીશું.
મગનભાઇઃ મારી પાસે આવવા કરતાં પેલા તમે ઉપરથી પ્રેશર બંધ કરાવી દો. હું બે દિવસ ગોડાઉન ખોલીશ જ નહી. કેમ કે, જીએસડબ્લ્યુવાળાને પણ મેં કહી દીધું છે કે, ગમે તેની ડિલીવરી હોય તમે ગોડાઉન ખોલતા નહી. બાકી પ્રેસ મીડિયા અને પોલીસવાળા પહોંચી જશે. મને પણ પ્રેસવાળાનો ફોન આવે તો હું એમ જ કહું છું કે, એક બે બોરી કોઇએ એવી મૂકી દીધી હોય તો કેમ નક્કી થાય. આ અમારું કામ છે, અમે જોઇ લેશું
માનસિંગભાઇઃ મુળુભાઇને કહી દવ કે કાલે ફળદુ સાહેબ પાસે આવી જાય
મગનભાઇઃ હા અને કહો ફળદુ સાહેબને કહી દે આ ખરાબ મગફળી મારી એટલે કંઇ ના થાય.