વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત ઈન્સ્યોરન્સ યોજના થોડાક દિવસમાં જ લોન્ચ થનાર છે. લોન્ચથી પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબંધિત અધિકારીઓને યોજનાને સફળ બનાવવા અને કોઈપણ પ્રકારની ભુલ ન થાય તેનું ધ્યાન રાખવા માટે તાકીદ કરી દીધી છે. ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં લઈને વડાપ્રધાન કોઈપણ પ્રકારની ભુલ થાય તેમ ઈચ્છતા નથી કારણ કે ચૂંટણીમાં આને સૌથી મોટો મુદ્દો બનાવવામાં આવનાર છે.
આયુષ્યમાન ભારત નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમને સામાન્ય રીતે મોદી કેર નામથી ઓળખવામાં આવી રહી છે. આનો પહેલો તબક્કો ૧૫મી ઓગસ્ટના દિવસે લોન્ચ થશે. જેની અંતિમ તારીખ બીજી ઓકટોબરના દિવસે રાખવામાં આવી છે. પહેલા તબક્કામાં ૧૨ રાજ્યોમાં આ યોજના લોન્ચ કરવામાં આવનાર છે. યોજનાની તૈયારી સાથે સંબંધિત એક ઉચ્ચસ્તરીય બેઠક મોદીએ હાલમાં જ અધિકારીઓ સાથે યોજી હતી. જેમાં કોઈપણ પ્રકારના ફ્રોડ અથવા તો અયોગ્ય લોકો સુધી સ્કીમ પહોંચાડવાથી રોકવા માટે ખાસ સાવધાની રાખવા તમામને કહેવામાં આવ્યું છે. વડાપ્રધાન એમ પણ કહ્યું છે કે ટૂંક સમયમાં જ ચૂંટણી યોજનાર છે. જેથી નાની નાની ભુલ પણ મુદ્દાઓ બની શકે છે. જેથી વધારે સાવધાની રાખવાની જરૂર છે. વડાપ્રધાને સ્કીમ સાથે સંબંધિત લોકોને લઈને કેટલીક ખાસ સૂચનાઓ પણ આપી દીધી છે.
એમ માનવામાં આવે છે કે આ સપ્તાહમાં જ લોગો પણ જારી કરી દેવામાં આવશે. મોદીએ આરોગ્ય મંત્રાલયને હોસ્પિટલોમાં સાફ સફાઈ માટે પણ સૂચના આપી દીધી છે. જે હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત હેઠળ દર્દીઓની સારવાર થશે તેમાં સાફ સફાઈને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી છે. મોદી લાલ કિલ્લાથી સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રને સંબોધન કરશે ત્યારે આની જાહેરાત કરી શકે છે. રિવ્યૂ મિટીંગમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં નીતિ આયોગ, આરોગ્ય મંત્રાલય, પીએમઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોદી કેરનો ઉદ્દેશ્ય ૫૦ કરોડ લોકોને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.
સામાજિક-આર્થિક સ્થિતિ અને જાતિય આંકડાના આધાર ઉપર તેમાંથી ૧૦.૭૪ કરોડ વંચિત લોકોના છે. મોદી કેર હેઠળ આવા તમામ પરિવારોને વાર્ષિક પાંચ લાખ સુધી આરોગ્ય છત્ર આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં છત્તીસગઢ, આસામ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને મોટા ભાગના કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે.