ગોવાના બાગા બીચ પર જોવા મળ્યો આ દરિયાઇ જીવઃ સાવચેત રહેવા સલાહ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પણજીઃ દ્રષ્ટિ મરીન લાઇફગાર્ડઝને ૩ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ બાગા બીચ ખાતે જેલી જેવો સમુદ્ર જીવ અને સામાન્ય રીતે બ્લ્યુબોટલ કે ઘાતકી આતંકી તરીકે ઓળખાતા પોર્ટુગીઝ-મેન-ઓફ-વોરનું એક સમૂહ જોવા મળ્યું હતું. જે ધોવાઇને સમુદ્ર કિનારે આવ્યું હતું. બ્લ્યુબોટલ જેલી જેવા આ દરિયાઇ સજીવનું કદ એક ઇંચ કરતા પણ ઓછું હતું. દ્રષ્ટિ મરીન દ્વારા આ બાબતે પ્રવાસન મંત્રાલયને સચેત કરવામાં આવ્યું છે.

દરિયાઇ પ્રાણી જેલી ફિશ બે પ્રકારની હોય છે ઝેરી અને બિન ઝેરી. મોટાભાગની જેલી ફિશના ડંખ માનવને હાનિ પહોંચાડે છે અને કેટલીક માત્ર હળવી બળતરા પેદા કરે છે. બ્લ્યુબોટલ જેવી પ્રજાતિઓ ઝેરી હોય છે અને તેના સંપર્કમાં આવતા તે હાનિ પહોંચાડી શકે છે. કિનારે ઘસડાઇને આવેલી મૃત બ્લ્યુબોટલ પણ ડંખ મારી શકે છે.

દ્રષ્ટિ મરીન બ્લ્યુબોટલ જેલિ ફિશના સંપર્કમાં આવી જવાના કિસ્સામાં કેવા પ્રકારની તુરંત પ્રાથમિક સારવારની સાવચેતી લેવી જોઇએ તે અંગે સલાહ આપે છેઃ

  • ડંખ માર્યો હોય તે જગ્યાને ગરમ પાણીથી ધોઇ નાખો (જેટલું ગરમ તમે સહન કરી શકાય તેટલું), કારણ કે ગરમી ઝેરને તોડી નાખે છે.
  • ડંખ મારેલ જગ્યા પર સરકો (વિનેગર)નો છંટકાવ કરો.
  • ડંખ મારેલ જગ્યા પર આઇસ પેક રાખો, જે દુખાવામાં રાહત આપે છે.
  • છાતીના દુખાવા અને શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તુરંત ડોક્ટર્સની મુલાકાત લો.

રાજ્ય સરકાર દ્વારા નિમણુંક કરાયેલી વ્યાવસાયિક લાઇફકાર્ડ એજન્સી દ્રષ્ટિ મરીન દ્વારા સ્થાનિકોની સાથે સાથે ટુરિસ્ટોને પણ બાગા બીચ પર ન જવાની સલાહ આપી રહ્યું છે, કારણ કે બ્લ્યુબોટલની પાણીમાં કે દરિયા કિનારે હાજરી હોઇ શકે છે. આ ઉપરાંત, ચોમાસાના મહીનાઓમાં હવામાન અનુકૂળ ન હોવાથી સ્વિમીંગ ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે.

Share This Article