રાજ્યના વિવિધ શહેરો-જિલ્લાઓમાં કેટલીક લે-ભાગુ કંપનીઓ દ્વારા લોભામણી જાહેરાતો આપી રોકાણકારોના નાણાં પચાવી પાડવામાં આવે છે. આવા રોકાણકારોના નાણાં સત્વરે પાછા મળે તે માટે આવી કંપનીઓની મિલકતો ટાંચમાં લઇ આ મિલકતોની હરાજી કરી રોકાણકારોને નાણાં પાછા અપાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ માટે સી.આઇ.ડી. ક્રાઇમની નોડલ એજન્સી તરીકે પણ નિમણૂંક કરી દીધી છે. – તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, આ લે-ભાગું કંપનીઓ રીઝર્વ બેંકની મંજુરી લીધા વગર ટુંકા ગાળામાં નાણાં ડબલ કરી આપવાના પ્રલોભનો આપીને નાગરિકોની માતબર રકમ પચાવી પાડી છેતરપીંડી કરતી હોય છે. આ માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, જેના કારણે રોકાણકારોના નાણાં સત્વરે પરત મળશે.
મંત્રી કહ્યું કે, રાજ્યમાં જી.પી.આઇ.ડી. એક્ટ અન્વયે નાયબ કલેક્ટરના હોદ્દાથી નીચે ન હોય તેવા અધિકારીઓની સક્ષમ સત્તાધિકારી તરીકે નિમણૂંક કરાઇ છે. કાયદામાં ડેઝીગ્નેટેડ કોર્ટની નિમણૂંક કરવાની જોગવાઇ છે. જે મુજબ સમગ્ર રાજય માટે અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટ ખાતે ડેઝીગ્નેટેડ કોર્ટોની રચના પણ કરી દેવાઇ છે. સી.આઇ.ડી. ક્રાઇમની નોડલ એજન્સી તરીકે નિમણૂંક કરી તપાસનું અસરકારક સુપરવિઝન થઇ શકશે અને એકંદરે રોકાણકારોને ફાયદો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સી.આઇ.ડી.ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગેરકાયદેસર બનાવટી લે-ભાગુ કંપનીઓ વિરૂધ્ધ વર્ષ-૨૦૧૬થી મે-૨૦૧૮ સુધી ૨૮ ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરાઇ છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં ૪,૬૨,૬૮૭ રોકાણકારોના અંદાજે રૂા.૭૧૩ કરોડના નાણાં છેતરપીંડી કરીને લે-ભાગુ કંપનીઓએ ઉઘરાવી લીધા છે. અને પરત કર્યા નથી. આવી કંપનીઓ, પેઢીઓ અને વ્યક્તિઓની તપાસ કરીને ૧૧૪ જેટલી મિલકતો ટાંચમાં લેવા ૧૧ દરખાસ્ત કરાઇ છે. જે સંબંધે રાજ્ય સરકારે મિલકતો ટાંચમાં લેવાના હુકમો કરી ડેઝીગ્નેટેડ કોર્ટમાં એફીડેવિટ પણ કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.