ગમતાનો કરીએ ગુલાલ
” એ ભલે મારાથી અળગા થઇ ગયા,
મોકળા બંનેના રસ્તા થઇ ગયા. “
-શ્રી નૂર પોરબંદરી
આ શેર સાંભળતાં જ “વાહ” બોલી જવાય છે. જીવનમાં કોઇ પ્રિય પાત્ર અથવા તો સ્નેહીજન જો આપણો સંગાથ સામેથી જ છોડી જાય છે તો સામાન્ય રીતે આપણને તેનો ખૂબ મોટો આઘાત લાગતો હોય છે. પરંતુ અહીં કવિ તેને ખેલદિલીથી સ્વીકારી લે છે અને પાછું એવું પણ સ્પષ્ટ કરે છે કે જે થયું તે સારું થયું કેમકે તેમ થવાથી અમારા બંને જણ ના રસ્તા મોકળા થઇ ગયા છે, હવે અમે બન્ને પોત પોતાની રીતે જીવવા માટે સ્વતંત્ર બની ગયાં છીએ. તમે જ્યાં સુધી કોઇની સાથે પ્રેમના તાંતણે બંધાયેલા હોવ છો ત્યાં સુધી તમારે તમારા દરેક કાર્ય કે નિર્ણય વખતે તે વ્યક્તિની લાગણીનો ખ્યાલ અવશ્ય રાખવો જ પડે છે. તમે એને લીધે ક્યારેક મૂઝવણ પણ અનુભવતા હોવ છો તે છતાં દિલ દિયા સો દિયા એમ કહીને તમે એની પૂરી કાળજી લેવાનુ ચૂકતા નથી. પણ જો આવી વ્યક્તિ સામે ચાલીને જ જો તમને છોડી જાય તો તેને કવિ આવકારવાનું કહે છે અને મળેલી મુક્તિને માણવાનું પણ આડકતરુ સૂચન છે. સાથે સાથે ઇશ્વરી સંકેત અનુસાર પણ કોઇ આપણો સાથ છોડી દે તેવું પણ બની શકે છે તો આપણે તેનાથી વ્યગ્ર થયા વિના તેને ખુશી ખુશી સ્વીકારી લઇએ એ જ ઉત્તમ ગણાશે. વળી ભગવાન જે કંઇ કરે છે તે સારા માટે જ થાય છે તે બાબત જો આપણે કાયમને માટે સ્વીકારીને જીવવાની ટેવ પાડીએ તો ક્યારેય કશી વાતનું આપણને દુ:ખ થશે નહિ.
અનંત પટેલ