નવીદિલ્હી: કેબિનેટે આજે દલિતોને કોઇપણ પ્રકારના અત્યાચારથી બચાવવા માટે જોગવાઈઓને મંજુરી આપતા બિલને રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. એસસી અને એસટી એક્ટમાં જોગવાઈઓ માટે આ સત્રમાં જ બિલ રજૂ કરવામાં આવશે.
સુત્રોએ કહ્યું છે કે, આ બિલને વર્તમાન સત્રમાં રજૂ કરવામાં આવનાર છે. દલિત સંગઠન અને સરકારની સાથી પાર્ટી એલજેપીના દબાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુત્રોની વાત માનવામાં આવે તો મોદીએ મંત્રીમંડળને આ જાગવાઈમાં કોઇપણ ફેરફાર ન કરવા માટે આદેશ કર્યા છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાયદા હેઠળ યોગ્ય તપાસ બાદ જ આરોપીઓની ધરપકડ કરવા માટે આદેશ આપ્યો હતો. ત્યારબાદ દલિતો હિતોની સુરક્ષાને લઇને ચર્ચા શરૂ થઇ હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં બીજી એપ્રિલના દિવસે દશભરમાં દલિત સંગઠનોએ વ્યાપક આંદોલન કર્યા હતા. આંદોલન એટલું ઉગ્ર બન્યું હતું કે, સરકારને આ મામલામાં વટહુકમ લાવવાની ફરજ પડી હતી.
દલિત સંગઠનોએ સરકારને ચેતવણી આપી હતી કે, તેમની માંગ માનવામાં નહીં આવે તો ૯મી ઓગસ્ટના દિવસે ફરી એકવાર આંદોલન માટે માર્ગો ઉપર ઉતારવામાં આવશે. ગયા સપ્તાહમાં જ સરકારના સાથી પક્ષ લોકજનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાને દલિતોની માંગને સ્વીકારવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ગોયેલને એનજીટીના ચેરમેનપદેથી દૂર કરવાની માંગ કરી હતી. જસ્ટિસ જજ એ બે જજો પૈકી એક છે જે જજે અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર રોકવા સાથે સંબંધિત આદેશ જારી કર્યો હતો.
એલજેપીએ પોતાના નેટવર્કને વધારવાના હેતુસર હાલમાં જ એસસી અને એસટી એક્ટને લઇને ભાજપને અલ્ટીમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે, ભાજપને સમર્થન મુદ્દા ઉપર આધારિત છે. પાર્ટીએ દલિતો ઉપર અત્યાચારના વિરુદ્ધ કાયદામાં કઠોર જોગવાઈ કરવા તથા ૯મી ઓગસ્ટ સુધી એનજીટીના અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા માટે કહ્યું હતુ.
જનતા દળ યુનાઇટેડ દ્વારા દલિત એક્ટને વધુ કઠોરરીતે અમલી કરવાને લઇને એલજેપીની માંગણીને સમર્થન આપ્યું હતું. ૧૩૧ સાંસદો અને ૧૦૦૦થી વધારે ધારાસભ્યોને પત્ર લખીને અનામત સીટોને લઇને રલજૂઆત કરવા માટે કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી અને એસટી એક્ટમાં કરવામાં આવેલા ફેરફારને ફગાવી દેવાના સંદર્ભમાં વટહુકમ લાવવાની માંગ કરવામાં આવી હતી.