અમદાવાદ: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે હવે જુદા જુદા વિસ્તારમાં દવાના છંટકાવની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. વરસાદી માહોલ હોવાના કારણે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે, છતાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો અવિરતપણે સપાટી પર આવી રહ્યા છે.
પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનામાં ૨૮ દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૯૬૭, કમળાના ૫૫૮, ટાઈફોઈડના ૪૨૩ અને કોલેરાના ૨૮ કેસ સપાટી પર આવ્યા છે. આવી જ રીતે મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો જુલાઈ મહિનામાં ૨૮ દિવસના ગાળામાં સાદા મેલેરીયાના ૪૬૧, ઝેરી મેલેરીયાના ૮, ડેન્ગ્યુના ૩૫ અને ચિકનગુનિયાના ૬ કેસ નોંધાયા છે.
જુલાઈ-૨૦૧૭ દરમિયાન લોહીના લેવામાં આવેલા ૧૦૪૮૬૬ નમૂનાની સામે ૨૮મી જુલાઈ ૨૦૧૮ સુધીમાં ૮૫૫૭૨ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે જુલાઈ ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૨૮૬૧ સિરમ સેમ્પલ સામે ૨૮મી જુલાઈ ૨૦૧૮માં હજુ સુધી ૧૬૪૩ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જુલાઈ ૨૦૧૮માં રામોલ-૬, ગોમતીપુર, બોડકદેવ-૨, સરખેજ, ઠક્કરનગર-૨, ઇન્ડિયા કોલોની, સૈજપુર, સરસપુર, નરોડા, વટવા-૪, બહેરામપુરા, વાસણા-૫, નારણપુરા-૨ વોર્ડમાં કુલ ૨૮ કોલેરાના કેસ નોંધાયા છે.
પાણીજન્ય રોગો જે જગ્યાએ વધારે જોવા મળી રહ્યા છે તેવા વિસ્તારમાં દરેક ઝોન દ્વારા મોબાઇલ મેડિકલ વાન મુકીને પ્રાથમિક સારવાર તથા આરોગ્ય પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તથા વટવા વોર્ડમાં સવિતાનગર, ઓમશાંતિનગર, આશાપુરી સોસાયટી, ઇડબલ્યુએસ ક્વાર્ટર, રખિયાલ વોર્ડમાં સંજયનગરના છાપરા, સૈજપુર ગાયત્રી સોસાયટી, નરોડા રોડ-અશોકમિલની જુની ચાલી, વાસણા ભાઠા ગામ, રાણીપ-ઠાકોરવાસ, ચાંદલોડિયા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ વિસ્તારમાં મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવી રહ્યા છે. હજુ સુધી કુલ ૩૩ જેટલા આઉટરિચ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગના પગલા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.
ક્લોરિન ટેસ્ટ – ૩૪૫૯૯
બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના – ૩૪૦૦
બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ – ૧૦૪૧૯
ક્લોરીન ગોળીઓનું વિતરણ – ૯૫૯૧૨૦
જંતુનાશક દવાનો છંટકાવ – ૫૩૬૩૭૫
નોટિસ અપાઈ – ૧૯૩૯
નિકાલ કરેલ ફરિયાદ – ૪૧૦૬
મોબાઇલ કોર્ટ દ્વારા દંડ – ૨૦૬૭૫૦
વહીવટી ચાર્જ – ૨૮૧૧૫૧૧