અમદાવાદ: વડોદરામાં પાણીપૂરી માટે ગંદા પાણી અને સડેલા બટાકાના ઉપયોગના પર્દાફાશ તેમ જ રોગચાળો ફાટી નીકળ્યા બાદ સમગ્ર વડોદરા શહેરમાં પાણીપૂરીની લારીઓ બંધ કરાવી દેવાતાં રાજયભરમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો અને હવે સમગ્ર ગુજરાતમાં પાણીપૂરી પર પ્રતિબંધ આવી શકે છે તેવી અટકળો વહેતી થઇ હતી.
આ તમામ અફવા અને અટકળોને નકારતા આજે ખુદ રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, રાજયમાં પાણીપૂરી કે પછી કોઈપણ ફુડ પર પ્રતિબંધ મૂકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. રાજયમાં પાણીપૂરી પર કોઇ પ્રતિબંધ નહી મૂકાય.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કાયદાકીય રીતે કોઈ ફુડ આઈટમ પર પ્રતિબંધ મૂકવો શક્ય જ નથી. વળી, સ્ટ્રીટ ફુડથી લાખો લોકોને રોજગારી મળતી હોવાથી સરકાર તેના પર પ્રતિબંધ મૂકવાનું વિચારી પણ ન શકે. જો કે, તેમણે એમ ચોક્કસ જણાવ્યું હતું કે, ફુડ આઈટમ્સને બનાવવા કે વેચાણ કરવામાં હાઈજીન મેઈન્ટેન ન કરનારા વેપારીઓ કે ફેરિયા સામે સખત કાર્યવાહી ચાલુ રહેશે. અલબત્ત, અખાદ્ય ફુડ આઇટમ્સનું વેચાણ રોકવા સરકાર કટિબધ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ તંત્ર દ્વારા પાણીપૂરીની લારીઓ બંધ કરાવી દેવાઈ છે અને સ્ટ્રીટ ફુડ તેમજ દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. વડોદરા ઉપરાંત, ગુજરાતના અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં પણ ફુડ આઈટમ્સનું વેચાણ કરતા ફેરિયા અને દુકાનદારો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવી રહ્યો છે. ચોમાસામાં આમ પણ રોગચાળો માથું ઉંચકતો હોય છે, ત્યારે ફુડ આઈટમ્સ વેચવામાં ચોખ્ખાઈ ન રખાતી હોવાથી તેમજ તેને બનાવવામાં પણ હાઈજીન મેઈન્ટેન ન થતું હોવાથી કમળો, કોલેરા તેમજ ઝાડા-ઉલ્ટી જેવો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા અનેકગણી વધી જાય છે. વડોદરા જેવું બીજા કોઈ શહેરોમાં ન થાય તે માટે સરકાર અત્યારથી જ ચેતી ગઈ છે.
ફુડ આઈટમ્સનું વેચાણ કરવા માટે હેલ્થ વિભાગ પાસેથી લાઈસન્સ લેવું પડે છે, પરંતુ અમદાવાદ જેવા શહેરોમાં હજારો ખૂમચાઓ પર પાણીપૂરીનું બેરોકટોક વેચાણ થાય છે. આ પાણીપૂરીની પૂરી ચાલી-ઝૂંપપટ્ટી જેવા ગંદા વિસ્તારોમાં બનતી હોય છે અને એકના એક તેલમાં પૂરીઓ તળવામાં આવે છે, તેના મસાલામાં પણ સડેલા બટાકા, ચણા તેમજ ગંદા પાણી અને કેમિકલ્સનો પણ ઉપયોગ થાય છે. જેને ખાવાથી શરીરને ગંભીર નુક્સાન થઈ શકે છે.
નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં લઇને જ સરકારના સત્તાવાળાઓ દ્વારા દરોડા અને અખાદ્ય-બગડેલી ફુડ આઇટમ્સના નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ તમામ કાર્યવાહી વચ્ચે આજે નાયબ મુખ્યમંત્રીએ ખાસ કરીને પાણીપૂરીના પ્રતિબંધના વાતને રદિયો આપી સમગ્ર બાબત સ્પષ્ટ કરી દેતાં મચેલો ઉહાપોહ શાંત પડયો છે.