નવીદિલ્હી: વર્તમાન નાણાંકીય વર્ષમાં ફુગાવો ૪.૭ ટકા સુધી પહોંચી શકે છે છતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગામી મહિનાઓમાં ચાવીરુપ વ્યાજદર ટાઇટ રાખે તેવી શક્યતા દેખાઈ રહી છે. ડીબીએસના રિપોર્ટમાં આ મુજબની વાત કરવામાં આવી છે.
ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસના કહેવા મુજબ એગ્રિકલ્ચર ગ્રોથમાં વધારો થઇ રહ્યો છે, પરંતુ કેટલીક બાબતો પ્રતિકુળ અસર કરી રહી છે. તેલ કિંમતો જેવા અન્ય પરિબળો દેખાઈ રહ્યા છે. અમેરિકી ડોલર સામે રૂપિયામાં ઘટાડો થઇ રહ્યો છે. ભારતમાં દક્ષિણ પશ્ચિમ મોનસુનમાં છેલ્લા સપ્તાહ રિકવરી જોવા મળી રહી છે. સરોવરોમાં પાણીની સપાટી મોનસુન દરમિયાન વધી ગયા બાદ પાકમાં વાવણી પ્રવૃત્તિ વધુ તીવ્ર બની છે. હેડલાઇન ફુગાવા પર સારા મોનસુનની સીધી અસર જોવા મળી શકે છે.
મુખ્ય અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ આ નાણાંકીય વર્ષમાં ફુગાવો ૪.૭ ટકાની આસપાસ રહી શકે છે. તેલ કિંમતો, રૂપિયામાં ઘટાડો જેવા પરિબળો જોવા મળી રહ્યા છે. આરબીઆઈના પોલિસી વલણના સંદર્ભમાં જણાવવામાં આવ્યું છે કે, કોર ફુગાવો અને ફાઈનાન્સિયલ સ્ટેબિલીટી જાળવવાની જરૂરિયાત દેખાઈ રહી છે જેથી આરબીઆઈ ખુબ સાવધાની પૂર્વક આગળ વધી શકે છે.
આરબીઆઈની પોલિસી મોનિટરીની મિટિંગ ૩૦મી જુલાઈથી શરૂ થઇ રહી છે અને પરિણામ પહેલી ઓગસ્ટના દિવસે જાહેર કરવામાં આવનાર છે. ૦.૨૫ ટકાનો વધારો કરવા માટે છેલ્લી સમીક્ષામાં સર્વસંમતિ પ્રવર્તી હતી. જૂન મહિનામાં આરબીઆઈની છેલ્લી પોલિસી બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હવે પોલીસ સમીક્ષા ઉપર તમામનું ધ્યાન કેન્દ્રીત થઇ ગયું છે. ક્રૂડની વધતી કિંમતથી દબાણ વધી રહ્યું છે.