અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાઓની હડતાળનો આજે બીજો દિવસ છે ત્યારે મોટાભાગના કર્મચારીઓએ હડતાળ રાખી મુંડન કરાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આજની હડતાળ દરમ્યાન સફાઇ કામદારોએ મર્યાદા ઓળંગીને શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ગંદો કચરો અને ઉકરડો ઠાલવી જાહેર ગંદકી ફેલાવવાનો ગંભીર અપરાધ કર્યો હતો, જેને લઇ અમ્યુકો સત્તાવાળાઓ ભારે રોષે ભરાયા હતા. ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સફાઇ કામદારોની આવી ગંદી હરકતથી ખિન્ન થયા હતા અને તેમણે અધિકારીઓને જવાબદાર સફાઇ કામદારો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવાના તાત્કાલિક આદેશો જારી કર્યા હતા.
જેને પગલે શહેરના વટવા, રામોલ, ખોખરા સહિતના પોલીસ સ્ટેશનમાં કસૂરવાર સફાઇ કામદારો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ સફાઇ કામદારોની હડતાળને લઇ આકરું વલણ અપનાવ્યું છે અને તેઓને સહેજ પણ દાદ આપવાના મુડમાં નથી. તેમના મતે, સફાઇ કામદારો સમય પર હાજર નથી રહેતા છતાં હાજરી પુરાવા માટે હડતાળ પર ઉતર્યા છે.
તો સામે સફાઈ કામદારોનું કહેવું છે કે કાયમી હોવા છતાં અમને લાભોથી વંચિત રખાય છે. ગઇકાલે સવારથી નવા પશ્ચિમ ઝોન સિવાયના ૧૩ હજારથી વધુ સફાઈ કામદારો હડતાળ પર ઉતરી જતાં સફાઈ વ્યવસ્થા ખોરંભે પડી હતી. કોર્પોરેશને કરેલી વૈકલ્પિક વ્યવસ્થા પણ ખોરવવાનો કામદારોએ દિવસભર પ્રયાસ કર્યો હતો.આ હડતાળને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ગેરકાયદે ગણાવી હતી. તેમણે કહ્યું કે, કોઈપણ સંજોગોમાં આ હડતાળને ચલાવી શકાય તેમ નહીં. સફાઈ કામદારો હાજરી પૂરતા ન હતા. દૈનિક ૨૫થી ૩૦ ટકા કામદારો બપોર પછી અને ૫૦ ટકા કામદારો ગેરહાજર હોય છે. હડતાળને પગલે કમિશનરે આકરું વલણ અપનાવતા અમદાવાદ મ્યુનિસિપલ સર્વન્ટ્સ એસોસિએશનના હોદ્દેદાર ઈશ્વરભાઈએ મિડીયા સમક્ષ જણાવ્યું કે, જો કમિશનર ગેરકાયદે પગલાં ભરશે, છૂટા કરશે, તો અમે એટ્રોસિટી કરીશું, તેમને જેલ ભેગા કરીશું. જોકે, પ્રમુખ દેવકરણ સાબરીયાએ કહ્યું કે, અમે વધુ રકઝક કરવા માંગતા નથી.
ચર્ચા-પરામર્શથી પ્રશ્નનો ઉકેલ આવે તેમાં વધુ રસ છે. અમે કમિશનરની શુભેચ્છા મુલાકાતે ગયા હતા તે સમયે અમારી પડતર માગણીઓ વિશે જાણ કરી હતી અને તે અન્વયે હડતાળ પર જવાની જાણ કરતું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ બધા ઘટનાક્રમ વચ્ચે આજે સફાઇ કામદારોએ વગર વિચાર્યે શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાર્ગો પર ગંદકી-કચરો ઠાલવી પોતે જ જાહેર ગંદકી અને ઉકરડાની બદી ફેલાવવા માટે જવાબદાર ઠર્યા હતા. અમ્યુકો સત્તાવાળા જ નહી ખુદ નાગરિકોએ સફાઇ કામદારોના આવા હલકા વલણ પરત્વે ભારોભાર આક્રોશ વ્યકત કર્યો હતો અને તેમના કૃત્યની નિંદા કરી હતી.