મુંબઈઃ રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે નિરાશાજનક સમાચાર છે કારણ કે આઈઆરસીટીસી ઉપરાંત અન્ય પોર્ટલથી રેલવે ટિકિટની બુકિંગ કરાવવાની બાબત ખૂબ જ ખર્ચાળ સાબિત થશે. આ પ્રકારની બુકિંગ માટે વધારે નાણા ચૂકવવા પડશે. મેક માય ટ્રીપ, યાત્રા, પેટીએમ અને ક્લિયર ટ્રીપ જેવા પોર્ટલ અને એપ્સ મારફતે રેલવે ટિકિટ કરાવવાની બાબત ખબ મોંઘી સાબિત થઈ શકે છે. આઈઆરસીટીસી દ્વારા હવે બીજા પોર્ટલ મારફતે ટિકિટ બુક કરાવવા ઉપર વધારાનો ચાર્જ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આઈઆરસીટીસીનું કહેવું છે કે તે હવે આ સાઈટ પરથી પ્રતિ ૧૨ રૂપિયાનો ચાર્જ એક ટિકિટ પર લાગુ કરશે. આના ઉપર ટેક્સ પણ અલગથી આપવાનો રહેશે. આઈઆરસીટીસી ભારતીય રેલવેની સહાયક કંપની તરીકે છે. આ કંપની કેટેરીંગ, ટ્યુરીઝમ અને ઓનલાઈન ટિકિટનું કામ સંભાળે છે.
આ પહેલા આઈઆરસીટીસી તરફથી આ વેબસાઈટને ફ્લેટ વાર્ષિક મેન્ટનન્સ ચાર્જ લાગુ કરવા કહ્યું હતું. આઈઆરસીટીસીના સચિત આઈપીઓથી પહેલા કંપનીનો આ નિર્ણય રેવન્યુ એકત્રિત કરવાના મોટા નિર્ણય તરીકે ગણવામાં આવે છે. સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ આઈઆરસીટીસીના આ નિર્ણયથી ખુશ નથી. એક સર્વિસ પ્રોવાઈડર કંપનીનું કહેવું છે કે રેલવે ટિકિટ બુકીંગ રેવેન્યુ નેગેટીવ અથવા તો રેવેન્યુ ન્યુટ્રલ છે તે અંગે માહિતી મળી રહી નથી. પેમેન્ટ ગેટ વે ઉપર અમને જે ફી ચૂકવવાની આવે છે તે કસ્ટમરો પાસે વસુલ કરવામાં આવતા ચાર્જ કરતા વધારે હોય છે. જો આ બોજ કસ્ટમર ઉપર મુકવામાં નહીં આવે તો ટિકિટ બુકીંગના કામથી અમને નુકસાન થશે. કંપનીઓનું કહેવું છે કે ફીમાં વધારો કરવાથી તેમને નુકશાન થશે અને આઈઆરસીટીસીની પોતાની વેબસાઈટની સરખામણીમાં તેઓ બિનપ્રતિસ્પર્ધી બની જશે.
આઈઆરસીટીસીના કોન્ટ્રાક્ટમાં બુક ટુ બુક રેશિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનો મતલબ એ છે કે ૭૦ ટકા રિકવરી પર ઓછામાં ઓછા એક ટિકિટ બુક થવી જાઈએ આઈઆરસીટીસીએ પોતાના સિસ્ટમને સર્વિસ પ્રોવાઈડર માટે ખોલી દેવાનો નિર્ણય કર્યો છે અને હવે તેઓ કસ્ટમરોને સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે. જેમકે પીએનઆર સ્ટેટસ સર્ચ અને અન્ય પૂછપરછ સેવાનો સમાવેશ થાય છે. આઈઆરસીટીસીના કોન્ટ્રાક્ટ નિયમ મુજબ જા ૭૦ ટકા ઈન્કવાયરી પર એક ટિકિટ પણ બુક નહીં થાય તો દરેક ઈન્કવાયરી પર ૨૫ પૈસા ચૂકવવાના રહેશે. એક સર્વિસ પ્રોવાઈડર કંપનીનું કહેવું છે કે એરલાઈન્સની સાથે આઈઆરસીટીસીના અલગ કરાર રહેલા છે. એરલાઈન્સને ટિકિટ બુકીંગ પર આઈઆરસીટીસીને કમિશન મળે છે.