કાંકરિયા લેકફ્રન્ટના ફુડ સ્ટોલને દેશના સર્વપ્રથમ ‘ક્લીન સ્ટ્રીટ ફુડ હબ’ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારની આ જાહેરાતને પગલે અમદાવાદ શહેરનું ગૌરવ ફરી એકવાર વધ્યું છે. અગાઉ જુલાઇ-ર૦૧૭માં યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સર્વપ્રથમ હેરિટેજ સિટી જાહેર કરાયું હતું.
મુંબઇ, દિલ્હી જેવાં દેશના આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદને દેશનું સર્વપ્રથમ હેરિટેજ સિટી જાહેર કરાતાં સ્વાભાવિક અમદાવાદ ઉપરાંત ગુજરાતે તેનું ગૌરવ અનુભવ્યું હતું. હવે કેન્દ્ર સરકાર દ્વારા દેશની સર્વપ્રથમ ખાઉ ગલીનું ગૌરવ કાંકરિયા લેકફ્રન્ટના ફૂડસ્ટોલને અપાયુ છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા ફૂડસ્ટોલના સંદર્ભે વિવિધ પ્રકારની ચકાસણી હાથ ધરાઇ હતી. ત્યારબાદ જે જે ખામી જણાઇ આવી હતી તેમાં સુધારો કર્યા બાદ ત્રણેક દિવસ પહેલાં કેન્દ્ર દ્વારા આ પ્રકારની જાહેરાત કરાઇ છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કલીન સ્ટ્રીટ ફુડ હબ તરીકેનું સન્માન એક વર્ષ માટે આ અંગેના પ્રમાણપત્ર સાથે અમલમાં રહેશે ત્યારબાદ નવેસરથી ‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’નું પ્રમાણપત્ર લેવાનું રહેશે. કાંકરિયા લેકફ્રન્ટનાં નિર્માણ દરમ્યાન ૪પ અસરગ્રસ્તોને બાલવાટિકા અને ઝૂ પાસે ફૂડસ્ટોલ અપાયા હતા. હાલમાં ઝૂ પાસે ૩૦, બાલાવાટિકા પાસે ર૮, ફિશ એકવેરિયમ ખાતે પાંચ, બલૂન સફારી પાસે ત્રણ મળીને કુલ ૬૬ ફૂડસ્ટોલ કાર્યરત છે.
આ ફૂડસ્ટોલના માલિકો પાસેથી અમ્યુકો દ્વારા રૂ.૩૩૦૦થી રૂ.૧ર૦૦૦ સુધીનું ભાડું લેવાય છે. જા કે, કલીન સ્ટ્રીટ ફુડ હબની રેસમાં અમદાવાદ શહેરએ દેશના અન્ય શહેરોને પછાડી સ્વચ્છતાનું સર્વોપરી બિરૂદ મેળવવામાં સફળતા હાંસલ કરી હતી, જેને લઇ અમદાવાદ શહેરનું ગૌરવ ફરી એકવાર વધ્યું છે.