દેશભરમાં વર્ષ-૨૦૨૦ સુધીમાં ઓરી નિવારણ માટે ઓરી-રૂબેલા (એમ.આર.) અભિયાન હાથ ધરાયું છે. રાજ્યમાં ૧૬મી જુલાઇથી શરૂ થયેલ આ અભિયાન અંતર્ગત માત્ર બે દિવસમાં ૧૭ લાખથી વધુ બાળકોને સફળતાપૂર્વક રસી આપવામાં આવી છે. જે પૈકી એક પણ બાળકને મોટી ગંભીર આડ અસર થઇ નથી. જેથી વાલી-વારસોએ ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાઇને ગભરાવાની જરૂર નથી. આપના બાળકને અગાઉ રસી અપાવી હોય તો પણ પુન:રસી અપાવવામાં કોઇ જ વાંધો નથી, એમ નેશનલ હેલ્થ મિશન, ગુજરાતના મિશન ડાયરેકટર ડૉ. ગૌરવ દહિયા દ્વારા જણાવાયું છે.
ડૉ. દહિયાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા એમ.એમ.આર. (મીઝલ્સ, મમ્સ, રૂબેલા) નહીં પણ એમ.આર. (મીઝલ્સ, રૂબેલા) રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં વપરાતી વેકસીન આપણા દેશમાં જ બનાવવામાં આવે છે. જે રસી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના સુરક્ષાના તમામ માપદંડો પર ખરી ઉતરી છે. સમગ્ર વિશ્વમાં ૧૪૯ દેશોમાં આ રસી છેલ્લા ૪૦ વર્ષોથી આપવામાં આવે છે. આપણા દેશમાં પણ ખાનગી ડૉકટર્સ દ્વારા આ રસી ઘણા સમયથી અપાઇ રહી છે. આ રસી ખૂબ જ સુરક્ષિત છે તે પ્રમાણિત થાય છે.
આ અભિયાન દેશભરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ડબલ્યુ.એચ.ઓ. તેમજ યુનિસેફ જેવા પાર્ટનરના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. જે હેઠળ અત્યાર સુધીમાં ત્રણ તબક્કાઓ હેઠળ ૨૦ રાજ્યોના ૯.૨ કરોડથી પણ વધારે બાળકોને સુરક્ષિત રસીકરણ કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનિસેફ, યુ.એન.ડી.પી. જેવી સંસ્થાઓનું પણ માર્ગદર્શન મળ્યું છે. બાળ રોગ નિષ્ણાંતની સંસ્થા એ.ઓ.પી. અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ આ અભિયાનને સમર્થન અપાયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.