મારું નસીબ જ ખરાબ છે…..
મનોરમા તેના પતિ સુરેશની મનોસ્થિતિ હવે સારી રીતે ઓળખતી થઇ ગઇ હતી. લગ્નનો એક દસકો પતિ પત્નીને પરસ્પરને ઓળખી શકવા માટે કદાચ પૂરતો સમય ગણાય… બે નાના બાળકો હતા, સુરેશને નોકરી પણ સરસ હતી. બંને શહેરમાં રહેતાં હતાં. સુરેશના પપ્પા પણ સુખી સંપન્ન હતા. સહજ રીતે વિચારીએ તો સુરેશ અને મનોરમાને કશી કમી હતી જ નહિ. પરંતુ તે છતાં સુરેશ અઠવાડિયે દસ દહાડે એકદમ નિરાશ થઇ જતો. એના ચહેરા પર ભાર ભાર વરતાવા લાગતો.
એને જોઇને કોઇને પણ એમ જ લાગે કે આ ભાઇને કશુંક ટેન્શન છે જ.. જ્યારે આવું થાય ત્યારે સુરેશ પાછો એના મનની ફરિયાદો એની પત્ની મનોરમાને તો સંભળાવે જ … આમ બધી રીતે સારું હતું, દેખીતી રીતે ફરિયાદનું કોઇ કારણ જણાતું ન હતું તે છતાં સુરેશ તેને જીવનમાં જે કરવું હતું કે મેળવવું હતું તે એ ના કરી શક્યો કે ના મેળવી શક્યો એનો વસવસો એના મગજમાં વારંવાર પ્રગટ્યા કરતો.
“મારે બી. કોમ. થયા પછી ચાર્ટડ એકાઉન્ટન્ટ થવું હતું પણ કોઇનો સહકાર જ ન મળ્યો..!!!! .”
“મારે આઇએએસ કે આઇપીએસ અધિકારી બનવાની ઇચ્છા હતી પણ ભગવાને એ પણ પૂરી ન કરી…”
“મારે જે કાંઇ કરવું કે મેળવવું હતું તે સાલુ મને મળ્યુ જ નહિ.. હું કોઇપણ કામે જાઉં તો ત્યાં મારો વારો આવે ને સમય પૂરો થઇ જાય, લાઇટબિલ ભરવા જાઉં, ટેલિફોન બિલ ભરવું હોય, મારે ઘણી ઉતાવળ હોય પણ જ્યાં જાઉં ત્યાં મારે માટે કોઇ કાળજી લેનારું કોઇ હોય જ નહિ ,કુદરત પણ મારા વિરુધ્ધ હોય તેમ મારો વારો આવે ને બારી બંધ થાય કે કોમ્પ્યુટર ખોટકાઇ જાય !!!! “
“શી ખબર મારા ગ્રહો જ કઇ જાતના છે કે મારું કામ થાય છે ખરું પણ ટટળાવી ટટળાવીને થાય !!!!! ખૂબ સંઘર્ષ કર્યા પછી જ એ થયું હોય !! એટલે પછી એની કંઇ મઝા રહે નહિ.. “
“મનોરમા, તું મારા હાથની રેખાઓ તો જો,કેટલી બધી ચોકડીઓ છે એમાં ? એ શું બતાવે છે ? સતત સંઘર્ષ … બસ સંઘર્ષ જ કર્યા કરવાનો મારે ?? “
“અરે જોવાની ખૂબી તો એ છે કે મારે જેની અરજન્ટ જરુર હોય એને ફોન કરું તો એનો ફોન પણ વ્યસ્ત આવે કે સ્વીચ ઓફ આવે!! આ તે સાલું કંઇ જીવન છે ? મારું નસીબ જ ખરાબ છે…”
સુરેશ આવા બળાપા તેની પત્ની મનોરમા સમક્ષ કાઢે ત્યારે મનોરમા આ બધું શાંતિથી સાંભળે, પણ પછી એ બીજી સ્ત્રીઓની જેમ ખીજાય નહિ, પતિની નિરાશામાં સૂર ન પૂરાવે કે મોઢું ફેરવીને સૂઇ પણ ન જાય, પરંતુ પતિ તરફ એને સહાનુભૂતિ જાગે.. એ ધીમેથી એને કહે,
“હવે તમારે વધારે કશું ન બોલવું હોય તો હું કશું ક કહું ? “
“હા,બોલને તું તો હવે એમ જ કહી શકે આ બધાં રોદણાં રોવાનું છોડી દો.. ને જે છે એમાં રાજી રહો એ જ ને ? “
“હા એમ જ તો, ને એમાં ખોટુંય શું છે ? ને તમે જો જાણો જ છો કે આ બધાં રોદણાં છે તો પછી શું કામ એના વિચારે ચઢીને તમારો વર્તમાન સમય બગાડો છો ? હું તો તમને એવું કહી શકે તમે જે નથી મળ્યું કે મળવાનું જ નથી એની ચિંતા કરીને નિરાશ થાઓ છો એના બદલે જે મળ્યું છે એના તરફ કેમ જોતા નથી ?
“જો તમને આ બેંકની નોકરી ના મળી હોત તો ?“
“આ બે નાના ટાબરિયાં ય ના હોત તો ?”
“મને તમને કે મમ્મી પપ્પા પૈકી કોઇનેમોટી બિમારી આવી ચઢે તો “ ?
હું તો એમ જ કહીશ કે જે મળ્યું છે એને માણતાં શીખો, જે નથી મળ્યું એના માટે હવે જો તે શક્ય હોય તો મેળવવનો પ્રયત્ન ચાલુ રાખો; આનાથી બીજું વધારે તમે હવે શું કરી શકો એમ છો ? ને તમે માનશો? હું તો તમને પરણીને મારી જાતને બહુ જ ભાગ્યશાળી માનું છું … મારાં મમ્મી પપ્પા પણ કેટલાં રાજી છે ? તમારા થકી અમને કે આપણા પરિવારને જે સુખ મળે છે એની તમે કલ્પના કરી છે ખરી ? “
મનોરમા વધુ બોલત પણ સુરેશે તેને અટકાવી,
“ બસ, બસ હવે વધારે ન બોલ, તારી વાત બિલકુલ સાચી છે મારે જ મારા સ્વભાવને બદલવો પડશે, મને જે નથી મળ્યું એની ચિંતામાં જે મળેલું છે એની કિંમત તો મને સમજાઇ જ નથી. મારે જીવન પ્રત્યેનો મારો એપ્રોચ જ બદલવો પડશે…યુ આર રાઇટમંજી ”
બસ તે રાત પછી સુરેશ અને મનોરમા સદા સદાને માટે પ્રસ્ન્ન દાંપત્ય માણતાં જ રહ્યાં છે…..
અનંત પટેલ