અષાઢી બીજના મંગલ પ્રભાતે અડાલજ ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરે યોજાયેલા ઉત્સવોમાં ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીએ ભક્તિભાવપૂર્વક જોડાઈને ભગવાન જગન્નાથજીની ‘‘છેરા પહનરા’’ વિધિ સંપન્ન કરી હતી.
ગાંધીનગર નજીકના અડાલજ ખાતે શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા સંસ્થાના સ્થાપના દિનની ઉજવણી સાથે અહીં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં અષાઢી બીજના પાવન પ્રસંગે વિવિધ ઉત્સવો અને મહાઆરતીનું આયોજન કરાયું છે. રથયાત્રાના આ પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજીની ‘‘છેરા પહનરા’’ વિધિમાં ભક્તિભાવપૂર્વક જોડાઈને રાજયપાલએ ભાવના વ્યક્ત કરી હતી કે, આ ‘‘છેરા પહનરા’’ વિધિ શ્રમની ગરિમાનું પ્રતિક છે. આ વિધિ ભગવાન સમક્ષ રાજા અને રંક એક સમાન છે એવો ભાવ દર્શાવે છે એમ પણ રાજયપાલએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજયપાલ ભગવાન જગન્નાથજીની મહાઆરતીમાં પણ જોડાયા હતા. તેમણે સો ભક્તજનોને અષાઢી બીજના પાવન પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી, સાથે સાથે રાજયપાલએ કચ્છી નૂતન વર્ષના આ શુભ અવસરે કચ્છી માડુને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.
આ પાવન પ્રસંગે રાજયપાલએ વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે મંદિરના સંકુલમાં સુવર્ણ ચંપાનો છોડ વાવ્યો હતો.