મજેવડી ગામે દેવતણખીદાદાનો મેળોઃ નવધાભક્તિ અને આશરાધર્મનાં મહિમાવંત પર્વ
અષાઢીબીજનાં પાવન દિવસે સાધુ-સંતો અને સમરસ સમાજ સાથે આતિથ્યભાવે ભોજન ભજનની સરવાણી
ભુખ્યાને ભોજન આપતા રે. . . , કરતા સંતોની સેવા રે . . .
લોહ ધડ્યા ઘુંટી પર રે. . ., આંખોથી સીધી કરી ત્રાકુ રે. . .,
મજેવડીમાં શોભતા દેવતણખી પાય પડે નરને નાર રે. . .
જૂનાગઢ: સોરઠ ધરા એટલે વિશ્વની આધ્યાત્મની પ્રયોગશાળા ગણાય, અહીં આદી-અનાદી કાળથી ધર્મ માટે સાધુ સંતો, મહંતો અને ગેબી મહાપુરૂષોએ સતનાં માર્ગ ભુલેલા મનુષ્યને સદમાર્ગ તરફ વાળ્યા છે. કચ્છ-સૈારાષ્ટ્ર એ તો ઈશ્વરે સર્જેલ પૃથ્વી પરનાં સ્વર્ગ છે. ભારતવર્ષમાં મહામાનવોએ ગિરીવર ગીરનારજીનાં સાનિધ્યે હિમાલયની કંદરા મુકીને તપ સાધનાં માટે આવવુ ઉચિત માન્યુ છે. આવી જ સદીઓ જુની કેટકેટલીય વાતો, વાર્તાઓ કે કીવદંતીઓ વણલખી રીતે આજેય આપણાં સંસ્કારી વારસાને લોકજીહ્વાએ ઉજાગર થતી સાંભળતા આવ્યા છીએ.
ભુખ્યાને ભોજન, નિરાધારને આશરો, સંતોની સેવા એ પ્રત્યેક ગુજરાતીનાં જનમાનસે હમેંશા સ્વીકારેલ છે. તેની પ્રતિતીનો આજથી છ શતાબ્દી પુર્વે આ જ પરગણાએ દાદા-મેકરણ, જેસલ-તોરલ, સતદેવીદાસ-અમરમાં, રૂપાદે-માલદે, લીલમ-કુંભોરોય, દેવાયત પંડિત સંત ભોજાભગત- ભક્ત જલારામ, સુફી આપાગીગા, માં શ્રીબાઇ કે માં મોણીયાવાળી જેવા તે અનેકા અનેક મહામાનવોએ નિજીયાધર્મની જ્યોત જલતી રાખી હતી. અને સમાજને સત્યનાં માર્ગેથી ચલીત ન થવા પોતાની જાતથી સદ્રષ્ટ્રાંત સત્સંગ સહ જાગૃતિ કેળવી હતી.
પ્રતિ વર્ષ અષાઢ માસની શુક્લ પક્ષની બીજે સોરઠ પંથક બે મહામાનવોનાં જીવનલીલાનાં પથપ્રસાદને ગ્રહણ કરવા ઉત્સવ ઉજવણી પરંપરાગત રીતે ઉજવે છે. પ્રાંતે પ્રાંતમાંથી ભાવુક ભક્તો અને સંસ્કૃતિનાં ઉપાસકો પોતાની આસ્થા ટેકવવા પરબધામ અને દેવતણખી દાદાની જગ્યા મજેવડી ખાતે પધારે છે. કોઇ પણ ગરીબ તવંગર, ઊંચ-નીચનાં ભેદભાવ વગર સૈા સાથે મળી દાદા દેવતણખી, માતા મીણલદે અને લીરબાઇ માતાનાં સત્કર્મોની વાતોને જીવનમંત્ર બનાવી સમુહભોજનથી સંત સત્સંગ દ્વારા સંસ્કાર વારસા સાથે સોરઠધરાનાં ગામે ગામ આ સુવાસ લઇને પ્રસરી જાય છે.
જૂનાગઢ તાબાનાં મજેવડી ગામે લુહાર કુટુંબે પરંપરાગત વ્યવસાય સાથે નવધાભક્તિથી દાદા દેવતણખી અને માતા મિણલદેએ સેવા પરાયણતા અને ભજન ભોજન અને સત્સંગની સુવાસની આજે સૈકાઓ બાદ પણ ઉજવણી થતી હોય તો તે આપણે ગૈારવભેર જાણવા,સહભાગી બની સંસ્કાર વારસાની જ્યોતને ઉજાગર કરવા દેવતણખી દાદાનાં દર્શને ઓણ અષાઢી બીજે જવુ જ જોઇએ.
મુળ પોરબંદર પરગણાનાં બોખીરા ગામે લુહાર ભક્તરાજ આંબાજી અને મુળીબાઇ રહે, ધર્મપારાયણ નર-નારી ગુહસ્થાશ્રમ બાંધી નવધા ભક્તી કરતા અને અતિથી દેવો ભવઃ જીવનમંત્ર સાથે નિજીયા માર્ગે ધર્મ પાલન અને સાધુ સંતોની સેવા કરે, ભુખ્યાને આદર ભાવે ભોજન પીરસે, અને દરરોજ પાઠ, પુજા અને ભજન-કિર્તન સાથે જીવન પસાર કરતા એક દિવસ મહામુની શાંતિનાથનાં આશિર્વાદથી આ પરીવારને ત્યાં વીરોજી નામે કુળદિપક અવતરે છે. યુવાવસ્થાએ મીણલદે સાથે ગૃહસ્થાશ્રમ શરૂ કરી મિત્ર જોધાજીની વિદાય સાથે બોખીરાથી ગિરનારજી તરફ વાટ પકડે છે. ગિરનાર તિર્થક્ષેત્રનાં યોગીરાજ શોભાજીનાં આશિષતળે જૂનાગઢનાં બાજુનાં મજેવડી ગામે કુળપરંપરા મુજબ લુહારી કામની કોઢ શરૂ કરી ભક્તિ સાથે કર્મયોગથી સદાચાર અને ધર્મધ્વજાની આહલેક જગાવે છે. સંતોનાં આશીર્વાદ અને અલખધણીનાં ચરણોનાં આશરાભાવથી આ ભક્ત દંપતિને ત્યાં લીરલદે નામે તેજોબળી ધર્મરક્ષક કન્યારત્ન જન્મ ધારણ કરે છે. વાત ખુબ લાંબી અને જીવનપ્રેરક છે. (પણ અહીં વિસ્તૃત રીતે પ્રસ્તુત કરી નથી)
આજ વિસ્તારરનાં વંથલી પરગણાનાં આહિર સમાજનાં બ્રાહ્મણ પુરોહીતને ઘરે અવતરેલ દેવાયત પંડિતને વિદ્યાજ્ઞાનનું અભિમાન લાધતા તેનો મજેવડી ગામે દેવતણખી દાદા કે જે દેવાયત પંડીતનાં ગુરૂભાઇ હતા તેણે પોતાનાં પગની ઘુંટીએ ધગધગતા ઘણનો પ્રહાર ઝીલીને રથનો ધરો સાંધીને સતનાં સાક્ષાતકારથી અહંમને ઓગાળી દેતા બે ગુરુભાઇઓનાં જ્ઞાનનું અનુપમ એકાકાર થયો હતો. આ વાત તો ઘણી લંબાણવાળી છે. પણ સતનાં માર્ગનાં બે હમસફરી દેવતણખી દાદા અને દેવાયત પંડિતની સેવા પરાયણતા અને ધર્મરક્ષાની જ્યોત પ્રતિવર્ષ મજેવડી ગામે લુહાર સમાજ અને સમગ્ર મજેવડી ગામ અને આસપાસનાં ગામડા સહીત દેશ દેશાવરનાં ભાવુકો સાથે ઉત્સાહભેર ઉત્સવ ઉજવાય છે. આ વર્ષ કુદરતે સારા વરસાદથી કૃષિકારોનાં હૈયે સંતોષની વાવણીનાં રોપણાં કર્યા છે. ત્યારે અષાઢીબીજે દાદા દેવતણખીનું ધામ ભાતીગળ મેળાની નવી ભાત પાડશે. આવો આપણે પણ નવધાભક્તિનાં સંસ્કારનાં વારસાનાં સાથે મળી ઉપાસક બની રહીએ.
પશ્વિમી અનુસરણભરી જીવનશૈલી જીવતા આજનાં ભૈાતીકતાવાદી જનસમાજને આપણાં સૈકાઓ પુર્વે સંતોનાં જીવન કવન સભર આવા ઉત્સવો હમેંશા પ્રેરણાદાયી બની રહેશે. આપણે સંકલ્પબધ્ધ બનીએ કે આપણી લોકવારસાની વિસરાતી અસ્મિતાને ઉજાગર કરવા હમેંશા કટીબધ્ધ રહીશુ.
નિર્ગુણ ભક્તિનાં બીજ ઋગવેદ અને યજુર્વેદની ઋચાઓમાં જોવા મળે છે. તેમાં સર્વવ્યાપક, સર્વશક્તિમાન પરમાત્માને અજર –અમર, નિત્ય નિરાકાર અને નિર્ગુણ કહ્યા છે. સુક્ત અને ઉપનિષદોમાં પણ ઈશ્વરને રૂપ અને ગુણથી રહીત કહ્યો છે. સિધ્ધો અને નાથયોગીઓ નિર્ગુણવાદી જ હતા. નિર્ગુણ ભક્તિનાં મુળમાં બુધ્ધનો શુન્યવાદ, શૈવનો અદ્વેત વાદ, ઈસ્લામનો એકેશ્વરવાદ, રામાનંદજીનો વિશીષ્ટાદ્વેતવાદ, વૈષ્ણવભક્તોનો પ્રપતિવાદ, નાથયોગીઓનો હઠયોગ તથા સુફીઓની પ્રેમ સાધનાં આ બધાની અસરમાંથી જન્મે છે, નિર્ગુણભક્તિ જે સૈારાષ્ટ્રની ધરતી પર સાંસારીક ભાવે પણ સ્વીકૃત બની છે.
પરમાત્મા અજર અમર છે. એ અલખધણી વિશે કશુ જ નિવેદન કરી ન શકે, કેમ કે તે કદી જાત વર્ણનાં સિમાડામાં સચવાયો નથી, તે ઘટોઘટમાં સમાયો છે. સ્થુળ અને સૂક્ષ્મ ભાવે ભલે સ્થુળદ્રષ્ટીમાં નજરે ન પડે, હીન્દુઓની ગીતાજી, મુસલમાનોનું કુર્આને શરીફ, શીખોની ગુરૂવાણી, પ્રણામીઓનું તારતમસાગર વગેરે ગ્રંથોમાં હ્રદયનાં દરવાજા ખોલી કુદરતનાં સમિપ જવા પથદર્શક બની રહે છે. ક્ષર-અક્ષર-અક્ષરાતિત કહો કે લા-ઈલ્લાહા-ઈલ્લલાહો કહો પરમ કૃપાળુ પરમાત્માને આરાધનાં કરવાનું પ્રત્યેક જીવ માને છે. વિભિન્ન ધર્માન્ત પુજાવીધી રીતરીવાજો,શિષ્ટાચાર ,સાધુસંતોનાં પરિવેશ વગેરે ભીન્ન હોય છે છતાં તે ધર્મોનાં યથાર્થ અને ગહન અધ્યયનથી જણાશે કે સંઘ ધર્મોમાં યોજાયેલો ધર્મ ભાવ તો એક જ સરખો છે. સર્વે ધર્મોનું સમજ પુર્વક અધ્યયન ,સમભાવ અને સદભાવનાથી માનવ માનવ વચ્ચે પ્રેમ અને આદરની ભાવનાં પેદા કરે છે.
તેથી જ તો ભાતૃભાવનું નિર્માણ થાય છે. વિશ્વબંધુતવની ભાવનાં પ્રગટે છે. અને વિશ્વકુટુમ્બકમનો ભાવ જન્મે છે. આવા જ ઉંચા આદર્શો અને પરોપકાર, પરદુઃખભંજનથી ઈશ્વર સાથે એકાકાર મહામાનવની યાદ સ્મૃતિને સોરઠીધરા પ્રતિવર્ષ મેળાનાં રૂપે સાથે મળી ઉજવે છે, સાથે જમે છે અને સાંસ્કૃતિક વારસાને, વહેવારને, રૂઢીઓને અને પરંપરાઓને વૈચારીકતાથી આપલે કરે છે. અને સદાચાર સદભાવનાં સાથે આત્મિયતાનાં ઓજસ પાથરી એક્યભાવનાં બળવત્તર બનાવે છે. સૈારાષ્ટ્રનાં સત્તાધાર, વિરપુર, ફતેપુર, પરબધામ, બગદાણા, મજેવડી, જેવા ધામોમાં આવા જ મહામુલા પ્રસંગોની ઉત્સવરૂપે ઉજવણી થાય છે. આવો આપણે સૈા ઓણસાલ અષાઢમાસની શુક્લપક્ષની બીજે પરબધામે દેવીદાસબાપુ અને અમરમાંનાં સાનિંધ્યે તથા મજેવડી ખાતે દાદા દેવતણખીનાં સથવારે પુણ્ય સ્મૃતિને સાથે મળી ઉલ્લાસભેર ઉજવીએ.
- અશ્વિન પટેલ