આજે દિવસ દરમિયાન ૧૧ તાલુકાઓમાં બે થી સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજ્યમાં વરસી રહેલા વરસાદે આજે દિવસ દરમિયાન ૧૧ તાલુકાઓમાં બે થી સાત ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો છે. જેના પરિણામે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ૨૪ ગામો વીજપુરવઠાથી પ્રભાવિત થયા છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૧૩  જુલાઇને સાંજે ૪ કલાક સુધીમાં જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકામાં ૧૭૫ મી.મી. એટલે કે સાત ઇંચ જેટલો, સૂત્રાપાડા તાલુકામાં ૧૬૨ મી.મી., કોડીનારમાં ૧૪૫ મી.મી. મળી કુલ બે તાલુકામાં ૬ ઇંચ, જામકંડોરણામાં ૯૮ મી.મી. એટલે કે ચાર ઇંચ, વીસાવદરમાં ૯૬ મી.મી., ભેસાણમાં ૮૬ મી.મી. તાલાળામાં ૮૫ મી.મી., વેરાવળમાં ૭૫ મી.મી. મળી કુલ પાંચ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ અને માંગરોળ તાલુકામાં ૬૫ મી.મી. એટલે કે બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો  છે.

રાજ્યમાં થયેલ વરસાદને કારણે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ હેઠળના રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાના ૨૪ ગામડાઓમાં વીજ પુરવઠાને અસર થઇ છે જે સત્વરે પુર્વવત કરવામાં આવશે.

Share This Article