રાજ્ય સરકારના સાહસ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા ર૦૧પ-૧૬ના વર્ષના ડિવીડન્ડ પેટે રાજ્ય સરકારના ફાળાનો રૂ. ૮૦ લાખ ૮ર હજારનો ચેક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કરવામાં આવ્યો હતો.
રાજયના કૃષિ કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજયપ્રસાદ અને કોર્પોરેશનના મેનેજિંગ ડિરેકટર મહમદ શાહીદે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને આ ચેક અર્પણ કર્યો હતો. આ કોર્પોરેશનની શેરમૂડી ૮ કરોડ ૮ લાખ રૂપિયાની છે તેની ૧૦ ટકા ડિવીડન્ડ પેટે ગુજરાત સરકારને આ ડિવીડન્ડ ચેક અર્પણ કરાયો હતો.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને રાજ્યના ધરતીપુત્રોને ખાતરની અછતના સમયે પણ સરળતાએ યુરિયા અને ડી.એ.પી. ખાતર ઉપલબ્ધ કરાવવા આ વર્ષે રૂ. ૮૫ કરોડની કિંમતે ૯૦ હજાર મેટ્રિક ટન ખાતર ખરીદીને સ્ટોરેજ કર્યુ છે.
એટલું જ નહિ, દૂર-દરાજ અંતિરયાળ વિસ્તારો સહિત રાજ્યમાં ૧૦૦૦ જેટલા એગ્રો બિઝનેસ સેન્ટર્સના માધ્યમથી આ કોર્પોરેશન ખેડૂતોને ગુણવત્તાયુકત ખાતર અને જંતુનાશક દવાઓ વાજબી ભાવે પૂરૂં પાડે છે.
ગુજરાતના નાગરિકો સમાજવર્ગોને કાર્બાઇડ ફ્રી કેસર કેરી ઉપલબ્ધ થાય તે હેતુથી એક નવિન અભિગમ રૂપે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ‘કેસર મેંગો ફેસ્ટીવલ’નું સફળતાપૂર્વક આયોજન કરે છે. આ વર્ષે અંદાજે રૂ.૮ કરોડની ૧૦૦૦ મેટ્રિક ટન કાર્બાઇડ ફ્રી કેસર કેરી તથા ગત વર્ષ આવી ૭પ૦ મેટ્રિક ટન કેસર કેરીનું નિગમ દ્વારા ગુજરાતમાં વેચાણ થયું છે.