રાજ્યના કલા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા કલાકારોને પ્રોત્સાહન મળે તે આશયથી ગત વર્ષે રાજ્યમાં યોજાયેલા પ્રથમ કલા મહાકુંભની સફળતા બાદ આ વર્ષે પણ કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગર દ્વારા આગામી ૧૬ જુલાઈથી તબક્કાવાર કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે કલા મહાકુંભમાં સમુહ લગ્ન ગીત, ફટાણા, કુચિપુડી, સરોદ, સારંગી, જોડીયા પાવા, રાવણ હથ્થો, ભવાઈનો પણ નવી કળાઓમાં સમાવેશ કરાયો છે. વળી, આ વર્ષે કલા મહાકુંભમાં વિવિધ વય જુથના કલાકારો માટે ૨૨ જેટલી સ્પર્ધાઓનું આયોજન તાલુકા, જિલ્લા, રિજનલ અને રાજ્ય કક્ષાએ કરવામાં આવ્યું છે.
આ વર્ષે સરકાર દ્વારા કલાકારોને સુવિધા માટે ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા રાખવામાં આવી છે. ગત વર્ષે કલા મહાકુંભમાં ત્રણ વય જૂથ સામેલ હતા, જેમાં ફેરફાર કરી આ વર્ષે ૬ થી ૧૪, ૧૫ થી ૨૦, ૨૧ થી ૫૯ અને ૬૦ વર્ષથી ઉપરની વય જૂથ એમ ચાર કેટેગરી રાખવામાં આવી છે.
મહત્વની વાત એ છે ૬૦ વર્ષથી ઉપરના વયજૂથની સ્પર્ધા માત્ર રાજ્યકક્ષાએ રાખવામાં આવી છે, જેમાં ફકત વ્યક્તિગત કૃતિઓનો સમાવેશ કરવામાં આવશે. ગત વર્ષે સ્પર્ધાઓમાં આ વર્ષે વધુ ૭ કઓ ઉમેરવામાં આવી છે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે ૧ થી ૧૫ જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. ૧૬ થી ૨૨ જુલાઈ તાલુકા કક્ષાની ઈવેન્ટ તથા ૧૭ જુલાઈથી ૫ ઓગસ્ટ જિલ્લાકક્ષાની ઈવેન્ટ તેમજ ૮ થી ૧૯ ઓગસ્ટ પ્રદેશકક્ષાની ઈવેન્ટ અને ૪ થી ૧૦ સપ્ટેમ્બર રાજ્યકક્ષાની ઈવેન્ટ યોજાશે.