ગમતાનો કરીએ ગુલાલ
” સાવ નાનું ઘર હશે તો ચાલશે,
મોકળું ભીતર હશે તો ચાલશે. “
– શ્રી હેમાંગ જોશી
કવિએ જણાવ્યું છે કે નાનું ઘર એમને ગમશે, એ ઘરની સંકાડાશને ચલાવી લેવા એ તૈયાર છે પણ એ ઘરની ભીતર એમને મોકળું વાતાવરણ મળી રહે એ તેમની શરત છે. ખરેખર આ નાનકડી બે પંક્તિઓ આપણને એક અમૂલ્ય બોધ આપી જાય છે. નાનું ઘર હોય એટલે ભૌતિક રીતે તો એમાં મોકળાશ ન મળે પરંતુ એ ઘરમાં રહેનારા માણસો જો મોટા દિલનાં હોય , મોકળું મન ધરાવતા હોય તો જ એ ઘરમાં જવાનું આપણને ગમશે.
મોટો બંગલો હોય પણ એમાં વસનારનાં મન – વિચારો એટલા બધા સંકુચિત હોય તો એ બંગલામાં કોઇનો પગ પડતો નથી. આ પંક્તિઓનો એક અર્થ અન્યનાં નાનાં ઘર અને તેમના મોકળાં મન બાબતનો છે તો બીજો અર્થ અથવા તો બીજુ સૂચન પણ આપણને મળે છે કે ભલે ને આપણે નાના ઘરમાં રહેતા હોઇએ પણ આપણા મનના ઓરડા સદાયને માટે મોકળા હોવા જોઇએ. આજે મોકળા મનના અને ખુલ્લા દિલના માણસો ઓછા થતા જાય છે.
આપણું મન મોકળું રાખીને આપણા ઘરે જે કોઇ આવશે તેનું મીઠું સ્વાગત કરીશું તો એ તેમને ખૂબ જ ગમશે. પછી ભલે ને આપણે એમને ઉંચી કક્ષાનું ભોજન ન પીરસી શક્યા હોઇએ.. ઘરમાં વડીલનું મન મોકળું હોય તો નવી અને જૂની પેઢીના વિવાદો ઉગતા જ ડામી દેવાય છે. ઘરની સંકડાશ ચલાવી લેવા દરેક વ્યક્તિ તૈયાર હોય છે, જો તેમાં રહેનારા વસનારા લોકોનાં દિલ મોકળાં હોય. ચાલો, આપણે પણ મનને મોકળું કરી લઇએ અને હળી મળીને જીવવાની મઝા માણીએ.