ગુજરાતમાં ગુરૂવારથી જાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેટ્રોના બિઝનેસ સપોર્ટ સેન્ટરનો પ્રારંભ થશે. જાપાન ર૦૦૩થી વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે. જાપાનના ૮૦ જેટલા ઉદ્યોગો ગુજરાતમાં કાર્યરત છે. હવે આ બિઝનેસ સેન્ટર શરૂ થતાં જાપાનીઝ ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણો અને ઉદ્યોગ સંસ્થાપન માટે સરળ સહુલિયત મળતી થશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જેટ્રોના ચેરમેન અને સી.ઇ.ઓ. હિરોયુકિ ઇશીગે અને મુંબઇ સ્થિત જાપાનના કોન્સ્યુલ જનરલની ઉપસ્થિતિમાં આ બિઝનેસ સેન્ટરનો શુભારંભ કરાવશે. ગુરૂવારે સવારે ૧૦-૩૦ કલાકે આ સેન્ટરના પ્રારંભનો સમારોહ અમદાવાદ ખાતે યોજાવાનો છે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, સપ્ટેમ્બર ર૦૧૭માં જાપાનીઝ પ્રધાનમંત્રી શીંઝો એબેની ગુજરાત મુલાકાત વેળાએ આ સેન્ટર ગુજરાતમાં શરૂ કરવા માટેના એગ્રીમેન્ટ થયા હતા. અમદાવાદમાં કાર્યરત થનારૂં આ બિઝનેસ સપોર્ટ સેન્ટર ભારતનું સૌથી મોટું બિઝનેસ સપોર્ટ સેન્ટર બની રહેશે.