ખરી પડોશણ
સુબોધભાઇની દીકરી અમિતાની બેંકમાં નોકરી કરતા એક છોકરા સાથે સગાઈ થઈ ગઈ. પણ અમિતાના પપ્પા સુબોધભાઇ અને મમ્મી વત્સલાબેનને તેમના વેવાઈએ સુબોધભાઇની પડોશમાં રહેતા બચુભાઇ સાથે તેમણે અગાઉ સુરત ખાતે નોકરી પણ કરેલી તેવી વાત કરી ત્યારે તો સુબોધભાઈ અને વત્સલાબેન એકદમ ડઘાઈ જ ગયાં છતાં તેમણે તેમના મનોભાવને ચહેરા ઉપર ન આવવા દીધા. કેમ કે સુબોધભાઇને તેમનાપડોશી બચુભાઈ અને તેમનાં પત્ની સાથે સારા સંબંધો ન હતા તે બાબત વેવાઈ ના ધ્યાન પર ન આવે એનું પણ તેમણે ધ્યાન રાખવાનું હતું. બચુભાઈનાં પત્ની ઝઘડાળુ સ્વભાવનાં હોવાથી વત્સલાબેનને તેમની સાથે બહુ બનતું નહિ. પરંતુ હવે વેવાઈએ તો બચુભાઈ સાથે નોકરી કરેલી હતી એટલે સુબોધભાઈની ચિંતા એ રીતે વધી ગઈ કે બચુભાઇ કે તેમનાં પત્ની તેમના વેવાઈ વેવાણને ને અમિતા વિશે ખરી ખોટી વાતો કરીને કદાચ સગાઈ ફોક કરાવી દે એવી શક્યતા પણ નકારી શકાય નહિ…
સુબોધભાઈ ભારે ટેંશનમાં આવી ગયા, એ તો સારુ થયું કે વેવાઈ અને વેવાણે જ્યારે સગાઈ નક્કી કરી ત્યારે બચુભાઇ અને તેમનાં પત્ની દક્ષિણ ભારતની યાત્રાએ ગયેલાં હતાં એટલે એમની મુલાકાત થઈ ન હતી. પણ વેવાઈએ અડોશ પડોશમાં કોણ રહે છે તેવું પૂછતાં સુબોધભાઈએ બચુભાઈની માહિતિ આપવી પડેલી..
ખેર, જે થાય તે ખરું તેમ મન મનાવીને સુબોધભાઇ અને વત્સલાબેન બને તેટલું ઝડપથી અમિતાનું લગ્ન લઈ લેવા માગતાં હતાં જેથી એકવાર મગ ચોખા ભળી જાય પછી બચુભાઈ કે એમનાં પત્ની શું કરી શકવાનાં હતા? આમ બેઉં જણ ટેંશનમાં દિવસો વીતાવતાં હતાં ત્યાં તો એક દિવસ વેવાઈ અને વેવાણ લગ્નનું નક્કી કરવા આવી પહોંચ્યાં. આ જાણી સુબોધભાઈ અને વત્સલાબેન તો રાજી રાજી થઈ ગયાં. વેવાઈએ લગ્નની વાતો કરતાં કરતાં વચ્ચે જ બચુભાઇનો ઉલ્લેખ કરીને કહ્યું…
” વેવાઈ એક વાત કરવાની તો રહી જ ગઈ કે તમારા પડોશી બચુભાઈને મેં ફોન કરેલો તો તેમનાં પત્નીએ તો તમારી અમિતાનાં ને વેવાણ તમારાં ય ખૂબ જ વખાણ કરેલ, ને એ તો કહેતાં પણ હતા કે આવી છોકરી ને આવું ઘર બીજું મળે જ નહિ……”
સુબોધભાઈ અને વત્સલાબેન તો વેવાઈના આ શબ્દો સાંભળી જ રહ્યા…. તેમના મનમાં બચુભાઇ અને તેમનાં પત્ની વિશેના ખોટા ખ્યાલો બદલ ભારોભાર પસ્તાવો થયો. કહેવાની જરૂર નથી કે સુબોધભાઇએ અમિતાના લગ્નની કંકોતરી આપવાની શુભ શરૂઆત બચુભાઇના ઘેરથી જ કરી.. પડોશી સાથે કદાચ બોલવાનું થાય પણ આવા મહત્વના પ્રસંગે જે મદદ કરે તે જ ખરા પડોશી કે ખરી પડોશણ કહેવાય…
અનંત પટેલ