ડોક્ટરને ભગવાનનો અવતાર માનવામાં આવે છે. કોઇપણ ગંભીર તબીબી સમસ્યામાંથી આપણને ઉગારવા માટે ડોક્ટર હંમેશા તૈયાર રહે છે. સમગ્ર દેશમાં ૧લી જુલાઇના રોજ ‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૧થી કેન્દ્ર કરકાર દ્વારા સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં ૧લી જુલાઇને રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.
પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયનો જન્મ ૧ જુલાઇ, ૧૮૮૨ના રોજ થયો હતો. કલકત્તામાંથી તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડો. રોયે લંડનમાંથી એમ.આર.સી.પી. અને એફ.આર.સી.એસની ડિગ્રી મેળવી હતી. ૧૯૧૧માં તેઓ ભારત પાછા ફર્યા અને ફિઝીશીયન તરીકે ભારતમાં જ તેમની પ્રેકટીસ ળરૂ કરી, ત્યારબાદ તેઓ કોલકત્તા મેડિકલ કોલેજ અને કેમ્પેબલ મેડિકલ સ્કૂલમાં જોડાયા. તેઓ ખૂબ જ જાણીતા ફિઝીશીયન અને શિક્ષણવિદ્ હતા. મહાત્મા ગાંધીની સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા. ડો. રોય ઇન્ડિયન નેશનલ ક્રોંગ્રેસનું નેતાપદ પણ શોભાવ્યું હતું. ડોક્ટર તરીકે તેમણે દેશના નાગરિકોની નિઃસ્વાર્થ સેવા કરી અભૂતપૂર્વ લોકચાહના મેળવી હતી. ૧ જુલાઇ ૧૯૬૨માં ડો. રોયના દુઃખદ નિધન બાદ તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારતની મહદ અંશની વસ્તી ડોક્ટરની કુશળતા અને જવાબદારી પર અવલંબિત હોય ત્યારે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી એ ભારતનું મહત્વનું જાગૃતિ અભિયાન છે, વિવિધતાભર્યા ભારતીય સમાજમાં ડોક્ટરોની ભૂમિકા અગત્યની અને જવાબદારીભરી છે, ત્યારે દર્દીઓનું જીવન બચાવતા આ ઉમદા વ્યવસાય સાથે જોડાઇ ગયેલી કેટલીક બદીયો દૂર કરવા તથા તેની સામે લાલ બત્તી ધરવા આ દિવસની ઉજવણી અનિવાર્ય છે. જરૂરિયાતવાળા દર્દીઓને બિન-જરૂરી શારીરિક પરીક્ષણો કરાવી વધારાનો ખર્ચ અને માનસિક હેરાનગતિ કરાવી તબીબી વ્યવસાય માટે લાંછનરૂપ બનેલા તબીબો સામે કાર્યવાહી કરવાનો પણ આ દિવસ છે.
ડોક્ટર્સનું આપણા જીવનમાં અમૂલ્ય પ્રદાન છે. તેમની નિઃસ્વાર્થ સેવાનું ઋણ ચૂકવીએ અને તેમને તેમની સામાજિક જવાબદારીઓનું ભાન કરાવએ તે જ આ દિવસની ઉજવણી સાર્થક બનશે. આપણને આપણા જીવનની અમૂલ્ય ક્ષણો સાથે મેળાપ કરાવનાર ડોક્ટર્સને શુભેચ્છાપત્રો, ફૂલો, સમ્તિચિહ્નો વગેરે આપી તેમનો ઋણસ્વીકાર કરવો જોઇએ.