* સફળતાનું સ્પીડ બ્રેકર– બહાનાબાજી *
ઉચ્ચકક્ષાની વિચારધારા ધરાવતા લોકો સફળતાને વરે છે એવું આપણે અનુભવી શકીએ છીએ, કારણ કે ઉચ્ચ વિચારો આપણને મહાન બનાવે છે તમારી વિચાર શક્તિ તમને યોગ્ય પરિસ્થિતીમાં મૂકી શકે છે, આજે તમે જે પણ છો તે તમારી વિચારધારાને આધારે છો . જીવનમાં સકારાત્મક વિચાર ખૂબ ઊંચે લઈ જઇ શકે છે, સફળતા મેળવવા તેનો વિચાર મગજ સુધી પહોંચવો ખૂબ જરૂરી છે, કારણ કે વિચારોએ સફળતાનો કાચો માલ છે, કંપનીમાં કાચા માલ વગર તૈયાર માલ શકય નથી તેમ આપણા મગજમાં જ્યાં સુધી સફળતાનો વિચાર બીજ રોપય નહીં ત્યાં સુધી સફળતાના ફળ આપણે ચાખી શકતા નથી.
સફળતા મેળવતા લોકોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતાં આપ જોશો કે તેઓ એ સફળતા માટે કેટલાક નિયમો બનાવ્યા હોય છે અને તેઓ આ નિયમોને વળગી રહેતા હોય છે. કહેવાય છે કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, જીવનમાં વારંવાર મળતી નિષ્ફળતાથી વ્યક્તિ વધુ ને વધુ શિખતો જાય છે. સમજદાર લોકો પોતાની ભૂલો માંથી શિખતા હોય છે, પણ બહુ સમજદાર લોકો બીજાની ભૂલોમાંથી પણ શિખતા હોય છે. સફળતા મેળવવા માટે કેટલીક નિષ્ફળતા આપણને મળે જ છે, પણ કેટલિક નિષ્ફળતામાં એક સફળતા છુપાયેલી હોય છે.
એક સેલ્સમેન ઘરે-ઘરે જઇને માલ વેચે ત્યારે જરૂરી નથી કે દરેક ઘરેથી તેને સારો એવો આવકાર મળે, દરેક ઘરનો સભ્ય માલ ખરીદે, પણ છતાય તે પોતાના પ્રયત્નો ચાલુ રાખે છે, જે ઘરે પોતાની વસ્તુ વેચવા જતા તેને ‘NO’ સાંભળવા મળે છે, ત્યારે તે તેને ‘New Opportunity’ના અર્થ માં સ્વીકારે છે.
આગળ જણાવ્યું તેમ તમારા વિચારો જ તમને મહાન બનાવે છે, પરંતુ કેટલાક સફળ લોકોનો અભ્યાસ કરતાં તેઓએ અપનાવેલા નિયમો જ્યારે આપણે અપનાવવાના થાય ત્યારે તેમાંથી બહાનાબાજીનો જન્મ થાય છે, ટૂંકમાં, નિરાશાવાદી અભિગમના મૂળમાં બહાનાબાજી છુપોયેલી હોય છે,સમાજના કેટલાક નિષ્ફળ વ્યક્તિઓનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે તેઓ નકારાત્મક વિચારસરણીથી ઘેરાયેલા હોય છે અને તેઓની પાસે કામ ન કરવાના અસંખ્ય બહાના હાથવગા હોય છે, બહાનાબાજી એક રોગ છે. અને આ રોગના કેટલાક લક્ષણો અહીં રજૂ કરેલા છે.
(૧) નસીબની બલિહારી:-
ફલાણો વ્યક્તિ સફળ એટલા માટે છે કે કારણ કે તે ભગવાનના ઘરેથી નસીબ લઇને આવ્યો છે. મિત્રો, આપની નિષ્ફળતાનો ટોપલો ઢોળવા માટે આપણે નસિબ નામનો શબ્દ પેદા કર્યો છે.
મારૂ નસીબ ખરાબ છે, મને મારૂ નસીબ સાથ નથી આપતું , ફલાણાના નશીબ જોર કરે છે, મારૂ નસીબ બે ડગલાં પાછળ છે, વગેર વગેરે .. આ બધીજ મનઘડત વાર્તાઓ આપણે આપની કામ ચોરી પર પડદો પાડવા બનાવી છે, હકીકત તો એ છે કે આપણે આપની ભૂલોમાંથી શીખવું જોઈએ, આપણે આપની નિષ્ફળતાનું અવલોકન કરવું જોઈએ અને તેમાંથી કામ કેવી રીતે સુધારી શકાય તેનો વિચાર કરવો જોઈએ, તેને બદલે આપણે નસીબનો ડંકો વગાડતા રહીએ છીએ, એક નિષ્ફળતા થી આપણે તમામ દોષ નસીબ ને આપી દઈએ છીએ. ભૂતકાળ ને ફંફોળતા એવું પણ્ જાણવા મળે કે આજે જે વ્યક્તિ સફળ છે તેવી તક તમને પણ મળી હતી પરંતુ તે તક તમે ગુમાવી દીધી અને દોષનો ટોપલો ઓઢાડી દીધો નસીબ પર..
‘મત યકીન કર હાથો કી લકીરો પર,
તકદીર તો ઉનકી ભી હોતી હે જીન કે હાથ નહીં હોતે’
જીવનમાં તરક્કી, નફો, આઝાદી, પ્રમોશન આ બધી જ બાબતો માટે નસીબ પર આધાર રાખવાને બદલે કઠોર પરિશ્રમ ઝડપથી સફળતા અપાવે છે. નસીબની બહાનાબાજીથી કદાચ તમે લોકોને છેતરી શકો છો પરંતુ તમે તમારી જાત સાથે અંચાઇ કરતાં હોવ તેમ નથી લાગતું??!!
(ક્રમશઃ)
- નિરવ શાહ