કેન્દ્ર સરકારના ‘One Challan, One Nation’ ના ઉદ્દેશને સિદ્ધ કરવાના હેતુથી મોટર વાહન-વ્યવહાર ખાતા દ્વારા ૧૧ જુલાઇ ૨૦૧૭થી ઇ-ચલણની કામગીરી સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં રાજ્યની આર.ટી.ઓ. દ્વારા ૩૫,૦૦૦ મેમા ઇ-ચલણથી સ્વીકારવામાં આવ્યા છે. જેમાં અંદાજે રૂા.૧.૫૦ કરોડ કરતાં વધારેની રકમ ઇ-ચલણ અંતર્ગત વસુલવામાં આવી છે.
આ કામગીરીને વધુ પારદર્શક બનાવવાના હેતુથી યુનિક ચલણ નંબર દ્વારા કોઇપણ વ્યક્તિ વાહનનો મેમો, મેમાની ચૂકવણું, મેમો રસીદ નંબર, મેમો રીલીઝ ઓર્ડર વગેરે સમગ્ર દેશમાં વેરીફાય કરી શકશે. ગુજરાતમાં હાલ પડતર તમામ મેમાને ડીઝીટાઇઝ સ્વરૂપે અપડેટ કરવાની સૂચના આપવામાં આવી છે. આ કામગીરી આગામી ૧૦ જુલાઇ ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ઇ-ચલણ મેમોમાં ઓનલાઇન પેમેન્ટનો પણ વિકલ્પ છે. એકવાર આ કામગીરી સ્થિર થયા બાદ ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત ઇ-ચલણના સોફ્ટવેર દ્વારા મેમો સંબંધિત તમામ કામગીરી ટૂંક સમયમાં ડીજીટાઇઝ કરાશે.
અગાઉ મેમો બનાવવાની પદ્ધતિ મેન્યુઅલ પ્રક્રિયાથી થતી હોવાથી વિલંબ થતો હતો. જ્યારે હવે ઇ-ચલણના યુગમાં આ કામગીરી વધુ ઝડપી અને પારદર્શી બની છે. હવેથી આ તમામ કામગીરી ટેબ્લેટ અને કોમ્પ્યુટર ઉપર થશે તેમજ ગુન્હા પ્રમાણે સમગ્ર દેશના તમામ આર.ટી.ઓ. અને પોલીસના વાહન ૪.૦ અને સારથી ૪.૦ના ડેટામાં તરત જ અપડેટ થઇ જશે. જેની જાણ ગુન્હો કરનારને તાત્કાલિક થશે. જે વાહનમાં ગુન્હો વાહન ૪.૦ અને સારથી ૪.૦ માં અપડેટ થશે તેની માલિકી તબદીલી, ટેક્ષ ભરવાની, ફીટનેશ સહિતની તમામ કામગીરી જ્યાં સુધી મેમો નહીં ભરે ત્યાં સુધી સીસ્ટમમાં આગળ વધશે નહીં. આ મેમો કોઇપણ રાજ્યની આરટીઓમાં ચકાસી શકાશે.
ઇ-ચલણ મેમા દ્વારા પારદર્શક્તા, કામગીરીમાં ઝડપ અને દસ્તાવેજોની જાળવણીમાં પણ મદદ થશે. ભવિષ્યમાં વાહન સંબંધિત ગુન્હા કરનાર કોઇપણ વ્યક્તિ ઇ-ચલણથી છટકી શકશે નહીં અને સાથેસાથે રાજ્યની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે એટલે કેન્દ્ર સરકારનો ‘One Challan, One Nation’ નો ઉદ્દેશ સિદ્ધ થશે, તેમ પણ યાદીમાં જણાવાયું છે.