હું માનું છું કે ઈશ્વર જ્યારે દીકરીને ઘડતા હશે ત્યારે સહુથી પહેલો પિંડ માતૃત્વનો લઇ એના ઉપર જુદીજુદી પરત ચડાવતા હશે. એનાં દેહમાં ગર્ભાશય રચતી વેળા ખુદ મા બનવાની પ્રતિતિ કરતા હશે ! પોતાનાં પાંગરી રહેલા અંશમાં પોતાના જ અંશને પાંગરવાની સગવડતા કરતી વેળા એમને શી અનુભૂતિ થતી હશે એની આપણે તો કલ્પના જ કરવી રહી.
આદ્દલ આવી જ અનુભૂતિ લઈને આ વખતે કાવ્યપત્રીમાં આવ્યા છે કવયિત્રી પારુલ બારોટ. પોતાની દીકરી માતૃત્વ ધારણ કરે ત્યારે પ્રત્યેક માની લાગણીઓનો ઉછાળ આસમાને પહોંચે.. અહીં માતૃત્વ સાથે કવિત્વ પણ ભળ્યું છે.. આને કારણે પારુલ બારોટની ખુશી પોતીકી ન બની રહેતા સહુની વચ્ચે એ વહેંચી શક્યા છે. પધારો પારુલ બહેન….
સપનાની દુનિયા જ્યારે હકીકતમાં ફેરવાય ત્યારે અલૌકિક લાગણીનું પુર ધસમસતું આવી રગરગમાં રોમાંચ ભરી દે છે… કંઈક એવું જ મારા જીવનમાં પણ બન્યું…
ઈશ્વરની અસીમ કૃપા અમારા પર થઈ અને હજી તો કાલ સુધી મારા ખોળામાં, આંગણામાં રમતી ચુલબુલી ક્વિનજલને સાસરે વળાવે બે વરસ થયા હતાં.. નટખટ, ડાહી, હોશિયાર અને ખૂબ જ લાગણીશીલ એવી મારી લાડકવાઈએ ધીરેથી મારા પડખામાં ભરાઈ લજામણીના છોડની માફક સંકોચ અને શરમ સાથે હુંફાળા અવાજે એક વાત મારા કાનમાં કહી અને મારા રોમરોમમાં સિતારના તાર રણઝણી ઉઠ્યાં.. હું ગાંડીઘેલી બની એને બાથમાં ભરી વ્હાલથી ચુંબનોનો વરસાદ કરતી રહી અને એનું ભાલ, ગાલ અને હાથને ભીંજવી નાખ્યાં… મારે ઘરે પ્રભુ બાળ સ્વરૂપે પધારવાનાં છે એના વધામણાં એણે મને આપ્યાં પછી તો નખશીખ રોમાંચની રેલમછેલ થાય જ ને? મારો દિકરો શ્રેય એકવીસ વર્ષનો થયો.. આજે એકવીસ વર્ષે ફરી ઘરમાં નાનું બાળક આવશે એની ખુશીથી ઘરના તમામ સભ્યો ખૂબ જ આતુર હતા આ વધામણાંને બાળક સ્વરૂપે વધાવવા…..
દીકરીની નવ મહિના સુધી એક એક પળ સાર, સંભાળ, ચાલી.. એની પસંદ – નાપસંદથી માંડી… એની પીડા અને ખુશી બેઉની કાળજી લેવાતી રહી.. કલાકો,અઠવાડિયા, મહિના વીતતા ગયા આખરે એ ઘડી આવી પહોંચી જેની વરસાદની માફક રાહ જોવાતી હતી…
આજે ખુશીએ મારા ઘરે તોરણ બાંધ્યા અને ઓરતાએ સાથિયા પૂર્યા.. જે હોસ્પિટલમાં દીકરીને દાખલ કરી હતી ત્યાં એની બાજુમાં જ મંદિર હતું… આખી રાતની પ્રાર્થના અને પીડાના પ્રસાદ સ્વરૂપે સવારે સાતને પાંચ મિનિટે આરતીની ઝાલર અને ઘંટારવ સાથે બાળ ગોપાલ સ્વરૂપે શિશુકમલ અવતર્યું..
ડોક્ટરે જેવું આ નવજાત “શિશુ કમલ”મારા હાથમાં આપ્યું અને જાણે મારા ટેરવે આકાશ ખીલ્યું હોય એમ આંખમાં હરખના આંસુ, હૃદયમાં વ્હાલનું મોજું ફરી વળ્યું. સાંગોપાંગ કૂણી કૂણી લાગણી સળવળી અને એની સાથે આપોઆપ પંક્તિ અવતરી….
“પધાર્યુ હૂંફાળું કિરણ મુજ દ્વારે હળું હળું…”
એ દિવસ ખૂબ જ પવિત્ર દિવસ હતો… કારતક વદ તેરસ એટલે શિવરાત્રીનો દિવસ..અમારા લડ્ડુ ગોપાલની ફોઈએ નામ પાડ્યું..”ત્ર્યક્ષ”… એનો મતલબ ત્રિનેત્ર સ્વરૂપે શિવ… મને તો મારું બાળપણ પાછું મળ્યાંનો અનહદ આનંદ છે જેને હું એક ક્ષણ પણ ચુક્યા વગર ભરપૂર માણી રહી છું……
પારુલ બારોટ…
સોનેટ…શિશુકમલ…. શિખરિણી છંદ…
પધાર્યુ હુંફાળું કિરણ મુજ દ્વારે હળું હળું,
પ્રગાઢો કોરીને ઋજુ હૃદયમાં વ્હાલ ભરતું,
ઋતુઓ ઘેલી થૈ મઘમઘ થતા પુષ્પ હરખે,
વહે રોમે રોમે સલીલ સરખી શીત લહરો,
જરા થંભી જાને ધડક ધડ થાતું હૃદય આ,
ફૂટ્યું છે ચારે પા કલરવ સમુ એક ઝરણું,
કનૈયાના રૂપે અવતરણ તારું થઈ ગયું,
સૂરોના સામ્રાજયે સરગમ અહીં આજ નિખરી,
મહેકાવી મારી જીવનપથની વાટ સઘળી,
ઘણાં વર્ષોનું આ વિરલ સુખ મોંઘુ મળી ગયું,
ઝીલાયા મીઠેરા અઢળક અહીં ઉર શમણાં,
પથારીમાં પોઢયું શિશુકમલને જોઈ હરખું,
અનુકંપા તારી હરિવર થતી મુજ શિર પર,
નમું ઝૂકી ઝૂકી નયન છલકે સ્નેહ નિતરે….
– પારુલ બારોટ
પધાર્યુ હુંફાળું કિરણ મુજ દ્વારે હળું હળું.
પ્રગાઢો કોરીને ઋજુ હૃદયમાં વ્હાલ ભરતું.
ઋતુઓ ઘેલી થૈ મઘમઘ થતા પુષ્પ હરખે.
વહે રોમે રોમે સલીલ સરખી શીત લહરો.
સોનૅટની શરૂઆત જ કેવી નાજૂક થઈ છે! એક કિરણ દ્વાર પર હળવેકથી આવ્યું છે! ઘરનાં દ્વારે પણ અને જીવનનાં દ્વારે પણ! વર્ષોથી ઘરમાં નવજાતનું આગમન ન થયું હોય ત્યારે અમુક સંવેદનો શીતનિદ્રામાં સરી જતાં હોય.. આગંતૂક કિરણ હવે પોતાની હૂંફથી એ પોઢેલાં સંવેદનોને જગાડવાનું છે. એ સંવેદનો ભર્યાં હ્યદય પર સમયની જે ગાઢી પરત ચડી ગઇ છે એ કોરીને આ ઋજુ કિરણ વહાલ ભરવાનું છે. ઈશ્વરનાં આ ફરિશ્તાને વધાવવા જાણે ઋતુઓ ઘેલી થઈ છે, અને પુષ્પો હરખથી મઘમઘી રહ્યાં છે. પરમ પવિત્ર શિશુ આવતાં જ ઘરની ઉર્જામાં મોટો બદલાવ આવે છે, જાણે રોમેરોમ શીતલહર દોડી રહી છે.
જરા થંભી જાને ધડક ધડ થાતું હૃદય આ,
ફૂટ્યું છે ચારે પા કલરવ સમુ એક ઝરણું,
કનૈયાના રૂપે અવતરણ તારું થઈ ગયું,
સૂરોના સામ્રાજયે સરગમ અહીં આજ નિખરી,
એ બાળકનું રૂદન અને ખુશીના ઘૂઘવાટાનું ઝરણું ચોપાસ ફૂટી રહ્યું છે. એ નાદ સાંભળવામાં આજે ખુદનાં હ્યદયની ધડક પણ અંતરાય બનતી હોય એવું લાગે છે. કવયિત્રી હ્યદયને વીનવે છે કે સહેજ જો થંભી જાય તો પોતે ચોપાસ વહી રહેલા કલરવને નિર્વિઘ્ને માણી શકે.
આ કાવ્ય નાનીમાએ લખેલું છે. આપણી પરંપરા પ્રમાણે દોહિત્રને લાડ લડાવી શકો, પણ એ એનાં કુટુંબનો વંશ જ કહેવાય.. હવેની પંક્તિમાં બાળને કનૈયાનું રૂપ ધરીને આવેલ છે એમ કહીને કવયિત્રી પોતે યશોદા સમી લાગણી ધરાવશે એ સંદર્ભ પણ પ્રયોજાય છે. બાળકનું રડવું અને ખીલખીલ હસવું.. બન્નેમાં જાણે સપ્તસૂરો વધુ નિખરી જતાં હોય એવું અનુભવાય છે.
મહેકાવી મારી જીવનપથની વાટ સઘળી,
ઘણાં વર્ષોનું આ વિરલ સુખ મોંઘુ મળી ગયું,
ઝીલાયા મીઠેરા અઢળક અહીં ઉર શમણાં,
પથારીમાં પોઢયું શિશુકમલને જોઈ હરખું,
દીકરીનો જન્મ થયો હશે ત્યારે ય આ જ અનુભૂતિ થઈ હશે.. એ પછી આટલાં વર્ષો પછી ફરી એક શિશુ ઘરમાં ઘૂઘવાટા કરશે . અત્યાર સુધી તો દીકરીના બાળપણની યાદીઓ ફરીફરી વાગોળવાનો આનંદ હતો.. હવે એ જ ઘટનાઓ બનશે, પણ એ માણવાનું સુખ સવાયું હશે. હજી તો શિશુનું આગમન જ થયું છે. છતાં વીતેલો અને આવનારો- બન્ને સમયની મધ્યે કવયિત્રી બેવડા આનંદનો અનુભવ કરી રહ્યા છે. હ્યદયમાં અઢળક શમણાઓ ઝીલાયા છે. કમળ સમાન નાનકડો ફરિશ્તો ઊંઘી રહ્યો છે, અને કવયિત્રીના હરખનો પાર નથી.
અનુકંપા તારી હરિર થતી મુજ શિર પર,
નમું ઝૂકી ઝૂકી નયન છલકે સ્નેહ નિતરે….
આ સદ્ભાગ્યને હરિવરની અનુકંપા માનીને કવયિત્રી પોતાની ધન્યતા વ્યક્ત કરે છે. આનંદના આવેશની આ ક્ષણોએ આંખમાંથી અશ્રુની ધાર થાય છે… વારંવાર ઝૂકીઝૂકીને વંદન કરવા મન લલચાય છે.
મિત્રો, પારૂલબહેને પોતાની સાવ અંગત લાગણી આપણી સાથે વહેંચી એ બદલ આભાર વ્યક્ત કરું છું.. આવતા બુધવારે ફરી મળીએ…
– નેહા પુરોહિત