ટેલિકોમ વિભાગે ગઇકાલે લાઇસન્સની શરતોમાં સુધારો કરી સેલ્યુલર મોબાઇલ અને ઇન્ટરનેટ ટેલિફોની સર્વિસ એમ બંને માટે એક મોબાઇલ નંબર ફાળવવા મંજૂરી આપી છે. આના કારણે ટેલિકોમ કંપનીઓ નજીકના ભવિષ્યમાં સેલ્યુલર સિગ્નલ ન હોય તો પણ વાઇ-ફાઇ સર્વિસ પરથી વોઇસ કોલની સુવિધા પૂરી પાડી શકશે. આ સેવાને કારમે મોબાઇલ યુઝર નજીકના પબ્લિક વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરીને સામે છેડાના મોબાઇલ કે લ્નેડલાઇન પર ઇન્ટરનેટ કોલ કરી શકશે.
ડોટે એક નોટિસમાં જણાવ્યું છે કે ઇન્ટરનેટ ટેલિફોનની સેવા માટે લાઇસન્સધારકે સમયાંતરે સુધારવામાં આવનારા લાઇસન્સ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેણે તમામ ઇન્ટરસેપ્શન અને મોનિટરિંગ સંબંધિત જરૂરિયાતોનું પાલન કરવાનું રહેશે. ગ્રાહક વાઇ-ફાઇ પરથી વોઇસકોલ કરે ત્યારે ટેલીકોમ કંપનીઓને એકબીજાના ડેટા નેટવર્કનો ઉપયોગ કરવાની પણ ડોટે મંજૂરી આપી છે.
થર્ડ પાર્ટી કંપનીઓને પણ લાઇસન્સ મેળવીને સર્વિસ પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી છે. ગ્રાહક અને ઓપરેટરે તેની અસર વ્યક્તિગત રીતે મૂલવવાની રહેશે. જેમ કે, ગ્રાહક પાસે વોઇસ પ્લાન હોય તો તેને લાભ થશે કારણ કે તેને નીચા ખર્ચ પ્લાનનો લાભ થશે પણ જે ગ્રાહક ડેટા પ્લાનનો ઉપયોગ કરતો હયો તેને આ વિકલ્પથી કોઇ ફેર નહીં પડે.