મિત્રો, ગયા બુધવારે આપણે કવિ વિજયભાઈ રાજ્યગુરુની વરસાદમાં પલળી જવા નાયિકાને ઇજન આપતી ગીતરચના માણી. આ રચના વિષે વાત કરતી વખતે વિજયભાઇએ પોતાના કાવ્ય સર્જન વિશે ઘણી વાતો કરી. એ વખતે સરતાનપર નામના ગામમાં શૈક્ષણિક મુલાકાતે ગયા ત્યારે દરિયો જોઈને લખાયેલા ગીતની વાત પણ થઈ. એક જ સર્જક બે અલગ છતાં સમાંતરે વહેતી લાગણીઓને કેવી તટસ્થતાથી કાવ્યમાં ઢાળી શકે એ જોવાનો અહીં આનંદ માણવાનો છે.
આપણે ગયા અઠવાડિયે જે રચના માણી એ વરસાદમાં ભીંજાઇને તરબોળ થવા નાયક તરફથી નાયિકાને અપાતાં ઇજનની કવિતા હતી. જ્યારે અહીં દરિયો જોઈને કવિ ઇતિહાસમાં એક લટાર મારી આવે છે. પૌરાણિક સંદર્ભો મનને કબજે કરે છે, અને કવિતા પ્રગટ થાય છે.
આગળની વાત એમની પાસેથી જ સાંભળીએ..
દરિયાના સ્ખલનની ઘટના
(ગીત)
વિજય રાજ્યગુરુ
સરતાનપરના રસ્તે દરિયો મળી ગયો ‘તો!
મઘમઘતી મત્સ્યકન્યા દેખી લળી ગયો ‘તો!
કન્યા હતી ગુલાબી, મોજાંને ઠેસ વાગી,
દરિયાને રોમરોમે અણજાણ આગ જાગી!
છલકાતી છીપ લઈને, કૈં ફીણ ફીણ થઈને-
દરિયો ગળી ગયો ‘તો!
મઘમઘતી મત્સ્યકન્યા દેખી લળી ગયો ‘તો!
કાંઠાળ ભેખડો લ્યો, કો’ દોમદોમ ઊંઘે,
દરિયો સમીપ જઈને પગલાંની રેત સૂંઘે!
એ મત્સ્યકન્યકાની, પાની સમીપ આવી-
દરિયો ઢળી ગયો ‘તો!
મઘમઘતી મત્સ્યકન્યા દેખી લળી ગયો ‘તો!
કન્યા કશુંક બોલી, ઘુઘવાટ કૈંક જાગ્યો,
સરતાનપરના રસ્તે દરિયો ફટાક ભાગ્યો!
સણસણતી વાત ખૂલી, પળવાર ભાન ભૂલી-
દરિયો ચળી ગયો ‘તો!
મઘમઘતી મત્સ્યકન્યા દેખી લળી ગયો ‘તો!
આ પણ મારી એક યશદા કૃતિ છે. કવિ સંમેલનમાં આ ગીતની ફરમાઈશ થાય છે અને વધાવાય છે પણ ખરી. ઈ.સ.2000ની સાલમાં પ્રકાશિત મારા ‘ચાલ, પલળીએ!’ ગીતસંગ્રહમાં સમાવેશ પામેલ આ ગીત 1981 ના ઉતરાર્ધમાં લખાયાનું સ્મરણ છે. બન્યું એવું કે જ્યાં હું શિક્ષક તરીકે નોકરી કરતો હતો તે તળાજાની દોશી હાઈસ્કૂલમાંથી વિજ્ઞાનમેળામાં ઝીંઘા ઉછેરનો પોજેક્ટ કરવાનું નક્કી થયું. નજીકમાં આવેલ શેત્રુંજીના મુખ પર આવેલ સરતાનપર બંદરે એને લગતી માહીતિ માટે અમે અજીતસિંહજીની જીપમાં ગયા. કોઈ સ્થાનિકના મોઢેથી સંભળાયેલું વાક્ય ‘દરિયો સામે મળશે’ ચિત્તમાં ચોંટી ગયું.
અને અચાનક પંક્તિ આવી…”સરતાનપરના રસ્તે દરિયો મળી ગયો ‘તો”. પછી તો પરાશર અને મત્સ્યગંધાનું મિથક યાદ આવ્યું. ગાધીજીના બ્રહ્મચર્યના પ્રયોગોનો કોઈનો લેખ એ સમયે ચર્ચાપ્રદ બન્યો હતો એ પણ મગજમાં હતો એટલે આ પંક્તિની આસપાસ પીંડ બંધાતો ગયો.
મદમસ્ત માછીમારકન્યાને જોઈને કોઈનું આકર્ષાવું, એ સંત કે મહાપુરુષ પર અતિ વિશ્વાસ રાખીને ઊંઘતો સમાજ, લપટતી જાતને સંભાળી લેનારના માનસિક સ્ખલનની વાત જાહેર થવી. આ બધું કોઈક રીતે ઘુંટાયું અને શંકર-ભીલડીનું ચિત્ર પણ એની સાથે જોડાયું અને પછી સૌન્દર્ય અને તેના ખેંચાણની તથા ક્ષણવારના સ્ખલનની વાત પછી તો આ રીતે ગીતમાં ગુંથાઈને આવી. વિજય રાજ્યગુરુ / ભાવનગર
ગીત દ્વિખંડી છંદમાં લખાયેલું છે એ તો ધ્રુવપંક્તિ વાંચતા જ દેખાઈ આવે છે. પહેલી પંક્તિ-
સરતાનપરના રસ્તે દરિયો મળી ગયો ‘તો!
વાંચીએ ત્યારે કોઈ ગામના નામથી શરૂ થતી કવિતા થોડું આશ્ચર્ય પમાડે. એનું અનુસંધાન કવિતામાં આગળ જતાં જે અદ્ભુત રીતે કર્યું છે એ જોઈએ ત્યારે ‘વાહ કવિ’ કહ્યા વિના ચાલે નહીં.
રસ્તે ચાલતા જતા હોઇએ અને દરિયો આમ ભેરૂની જેમ મળી જવાની વાત જ સશક્ત કવિતામાંથી પસાર થવા મળશે એવો આડકતરો ખ્યાલ બાંધી દે છે.
કોઇ બીજા કામે ગયા હોઇએ અને જેના મળવાની કોઈ કલ્પના જ ન હોય એવું પ્રિય પાત્ર અચાનક આપણી સામે આવી જાય ત્યારે સાનંદ આશ્ચર્ય તો થાય જ, પણ સાથે એ પાત્ર સાથે સંકળાયેલી કેટલી બધી વાતો આપણી નજર સમક્ષ આવવા માંડે. બસ, આવી જ કંઈક લાગણી કવિ દરિયાને જોઇને અનુભવે છે… દરિયો એમને ઇતિહાસ રચી જનારા દરિયા જેવા મહામાનવોનું સ્મરણ કરાવે છે. આ વિચારધારા આગળ વધે છે, અને એ મહર્ષિઓનાં જીવનની નબળી ક્ષણે સ્વરૂપવાન કન્યાને જોઇને થયેલું સ્ખલન યાદ આવતાં બીજી પંક્તિ લખાય છે કે
મઘમઘતી મત્સ્યકન્યા દેખી લળી ગયો ‘તો!
કન્યા હતી ગુલાબી, મોજાંને ઠેસ વાગી,
દરિયાને રોમરોમે અણજાણ આગ જાગી!
છલકાતી છીપ લઈને, કૈં ફીણ ફીણ થઈને-
દરિયો ગળી ગયો તો!
મઘમઘતી મત્સ્યકન્યા દેખી લળી ગયો ‘તો!
ગુલાબી શબ્દ સાંભળતા જ મનમાં સૌંદર્ય અને કુમાશભર્યાં વાતાવરણનો ખયાલ આપોઆપ બંધાઈ જાય. કવિએ આ એક જ શબ્દ દ્વારા કન્યા રૂપ, રંગ અને મોહકતાની ચરમસીમાએ હોય એ દ્રષ્ય ખડું કરી દીધું છે. આવી લાવણ્યમયીને જોઈને કોઇપણ પુરૂષનું પૌરૂષત્વ ન જાગે તો જ નવાઈ. પ્રેમની આ જ્વાળા ફક્ત હ્યદયમાં જ નહીં પણ રોમેરોમ જાગી છે. દરિયાનાં પેટાળમાં મોતીભરી છીપ હોય. અહીં હ્યદયમાં પ્રેમ, આવેગ, અને આવેશનાં મોતીડાંથી છલકાતું મન છે. પણ આ ક્ષણે દરિયાને એની ‘દરીયાઇ’ આડે આવે છે.. ખુદ ફીણફીણ થાય છે, પણ આ મોતીભરી છીપને જાતે ગળી જઇ પોતાની ગરવાઈ જાળવી રાખવામાં સફળ થાય છે.
કાંઠાળ ભેખડો લ્યો, કો’ દોમદોમ ઊંઘે,
દરિયો સમીપ જઈને પગલાંની રેત સૂંઘે!
એ મત્સ્યકન્યકાની, પાની સમીપ આવી-
દરિયો ઢળી ગયો ‘તો!
મઘમઘતી મત્સ્યકન્યા દેખી લળી ગયો ‘તો!
વર્તમાન સ્થિતિનો આ અંતરામા ચોખ્ખો ચિતાર આપતા કવિ લખે છે કે કિનારા પરની મજબૂત ભેખડોનું કામ દરિયો તોફાને ચડીને તારાજી કરે એ અટકાવવાનું છે. ગુલાબી મત્સ્યકન્યાને જોઈને દરિયામાં થતો ફેરફાર સ્પષ્ટપણે જોઇ શકાય એવો છે. છતાં સમાજમાં આવી ઘટના બને ત્યારે એ ભેખડો જેવા લોકો ઊંઘતા હોય એમ બેદરકાર રહે છે. અહીં દોમદોમ શબ્દપ્રયોગ કરીને કવિ આ બેદરકારીને નીંભરતાની કક્ષાએ લઈ જાય છે. એ ભેખડોની હાજરીમાં જ દરિયો મત્સ્યકન્યાએ પાડેલાં પગલાંની રેતી સૂંઘે છે. ગીતમાં અહિ લંપટ પુરૂષોની શ્વાનવૃત્તિનો સહેજ અણસાર પણ વણાયો છે.
અંતે મત્સ્યકન્યાનાં પગલાં સૂંઘતા સૂંઘતા છેક પાની સુધી પહોંચી ગયેલો દરિયો અંતે ઢળી પડે છે.. માનો કે પોતાનો દોષ સ્વીકાર કરી લે છે..
અહીં કોઈ દેખીતી ઘટના ઘટતી નથી. પણ માનસિક સ્ખલન થયું છે એ સત્ય તો છે જ. સંત સમાજને દોરવણી આપવાનું કામ કરતા હોય, નવા સમાજનું ઘડતર કરતા હોય ત્યારે એમનું આ પ્રકારેય વિચલિત થવું એ મોટી સામાજિક હાનિ છે.
કન્યા કશુંક બોલી, ઘુઘવાટ કૈંક જાગ્યો,
સરતાનપરના રસ્તે દરિયો ફટાક ભાગ્યો!
સણસણતી વાત ખૂલી, પળવાર ભાન ભૂલી-
દરિયો ચળી ગયો ‘તો!
મઘમઘતી મત્સ્યકન્યા દેખી લળી ગયો ‘તો!
કવિતાની ચરમસીમા હવે આવે છે.
કન્યા કશુંક બોલી… આ ‘કશુંક’ શબ્દ કેટલા બધી શક્યતાઓ ખોલી આપે છે! શું એ કન્યાએ પાછા વળી ગયેલા દરિયાને એનાં પૌરુષત્વ બાબત ટોણો માર્યો હશે ? કદાચ પોતાને એકલી ભાળી હૂમલો કરવા જતા રાની પશુ સાથે સરખાવ્યો હશે ? કે એના સંતત્વ પ્રત્યે જાગૃત કર્યો હશે ? અહીં રત્નાવલીએ તુલસીદાસને એક જ વાક્યથી પરમજાગૃતિની અવસ્થાએ પહોંચાડ્યા એ સંદર્ભ પણ ચસોચસ બંધ બેસે છે. સ્ત્રીનાં શબ્દની એ તાકાત છે કે માર્ગભૂલ્યા સાધકને ફરી યોગ્ય દીશાભાન કરાવી દે!
આ ‘કશુંક’ એવું બોલાયું છે કે દરિયાની ભીતરે કૈંક નવો જ ઘૂઘવાટ જાગ્યો છે. મનોમંથન શરુ થયું છે, ને આંતરચેતના સળવળી છે. પગની પાની સુધી જઈ ચડેલો દરિયો મત્સ્યકન્યાનાં ‘કશુંક’ બોલવાથી ફટાક કરતો પાછો વળે છે, અને પોતાના પૂર્વવત્ સ્થાને પહોંચે છે. સરતાનપરનાં રસ્તે મળેલો દરિયો ફરી સરતાનપરના રસ્તે જ ભાગે છે. કાવ્યની પ્રથમ પંક્તિના પ્રથમ શબ્દનું અહીં કેવું સુંદર સંધાન થાય છે! આ કવિની કલમની કમાલ છે.
જો કાદવ ભરેલ ખાબોચિયાએ મત્સ્યકન્યાને રોમેરોમ છેડી હોત તો ? આપણે એકસૂરે કહીએ કે કન્યાએ સંભાળીને ચાલવું જોઇએ. પણ અહિ દરિયાનાં વિચલિત થવાની વાત છે. સ્ખલન ભલે માનસિક થયું છે, પણ એ વ્યક્તિની સમાજ પર મોટી અસર છે. એથી એની જવાબદારી વધે છે. આ વાત જાહેરચર્ચાનો વિષય બની જાય એમાં કોઇ નવાઈ નથી.
એક વાત એ પણ ધ્યાન ખેંચે છે કે દરિયો મત્સ્યકન્યાને જોઈને ભાન ભૂલ્યો છે. આ કન્યા તો સંપૂર્ણપણે દરિયા પર અવલંબિત છે. એ કાંઠા પર આવશે, પણ અમુક સમય પૂરતી જ ! દરિયો ગમે એવો નઠારો બને, પણ જીવન ટકાવી રાખવા મત્સ્યકન્યાએ એને આશરે ગયા વિના છૂટકો જ નથી. શરણાગત પર કરેલો હૂમલો કોઈ પણ રીતે માફીને પાત્ર નથી. આ સંદર્ભે પણ અંતિમ અંતરામા વપરાયેલો શબ્દ ‘સણસણતી વાત’ સર્વથા યોગ્ય છે.. આવી વાત ચર્ચાનો વિષય બને એમાં શી નવાઇ ?
મિત્રો, શરૂઆતમાં મેં કહ્યું એમ સતત એક વિષય પર એક જ કવિની બે રચના લેવાનો મારો આશય એ જ કે ધરખમ કવિ પોતાના કાવ્યને કેટલું પ્રમાણીને ન્યાય આપી શકે એ હતો. બેઉ રચનામાં સ્ત્રી તરફ પુરૂષના ક્ષણવાર માટે આકર્ષાઈ જવાનો સંદર્ભ જ કવિતા બનીને આવ્યો છે. છતાં પ્રકૃતિદત્ત આ સમાન લાગણીમાં એક સામાન્ય છોકરો તણાય, અને કોઇ સંત તણાય.. કેવો મોટો ફરક પડે છે એ વાત અહીં ખૂબ જ સરસ રીતે જોઇ શકાય છે.
એકધારા બે ગીત આપવા માટે ખૂબખૂબ આભાર વિજયભાઈ.
મિત્રો, કાવ્યપત્રી બાબતે આપનાં અભિપ્રાયની મને રાહ રહેશે.
ફરી મળીશું… આવતા બુધવારે…
- નેહા પુરોહિત