સુરત: સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત સુરતની પ્રતિષ્ઠિત અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં આગવું નામ ધરાવતી એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના સો વર્ષ પૂર્ણતાના અવસરે ‘‘શતાબ્દી મહોત્સવ’’માં પધારેલા રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ નવી પેઢીને શિક્ષિત અને સુસંસ્કૃત બનાવી નવા ભારતના નિર્માણ માટે યોગદાન આપવા હાકલ કરી હતી.
રાજ્યપાલ ઓ.પી.કોહલીએ સુરત ખાતે ઇ.સ.૧૯૧૮ થી શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્રનિર્માણના મહાયજ્ઞ માટે કાર્યરત એવી એમ.ટી.બી. આર્ટ્સ કોલેજની ‘સૈકાની સફર’ સફળતાપૂર્વક પૂર્ણ થતા ‘શતાબ્દી સમારોહ’ની ઉજવણીનો દિપ પ્રગટાવી શુભારંભ કરાવ્યો હતો.
રાજયપાલએ એમ.ટી.કોલેજના શતાબ્દી સમારોહના અવસરે ૧૦૦ વર્ષની શિક્ષણયાત્રામાં યોગદાન આપનારા શિક્ષણવિદ્દો, દાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સશક્ત અને સંસ્કારી બનાવવાની ફરજ શિક્ષણ સંસ્થાઓ અને શિક્ષકોની છે. સરકાર અને સમાજ બન્ને સાથે મળીને શિક્ષણની ચિંતા કરે છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં નવી પેઢીને શિક્ષિત કરી સંસ્કારી બનાવી ‘નયા ભારત’ના નિર્માણ માટે કટિબદ્ધ બનવા સૌને અનુરોધ કર્યો હતો. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આધુનિકતા અને પ્રાચીન પરંપરા વચ્ચે કડીરૂપ બની શકે છે, ત્યારે એમ.ટી.બી. કોલેજે ૧૦૦ વર્ષની ગૌરવપૂર્ણ શિક્ષણસફર પૂર્ણ કરી બદલાતા યુગની સાથે કદમતાલ મિલાવી સાચા અર્થમાં સમાજનિર્માણ અને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બની હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.
રાજ્યપાલએ ઉપસ્થિત યુવા વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાન-કૌશલ્યથી રાષ્ટ્રને નવી ઊંચાઇઓ સર કરવાની પહેલ કરવા આહ્વાન કરીને કહ્યું કે નવું ભારત એવું વિકસિત ભારત હશે જેમાં છાત્રશક્તિની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની નોંધપાત્ર ભૂમિકા રહેલી છે.
શતાબ્દી વર્ષની યાદગીરીરૂપે સોસાયટીની સ્કેટ-આર્કિટેકચર કોલેજ ખાતે તૈયાર કરવામાં આવેલા સ્મારકને રીમોટ કંટ્રોલ દ્વારા રાજ્યપાલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.