થોડા સમય પહેલા એક મૂવી આવી હતી…હિન્દી મીડિયમ. તેમાં એક ડાયલોગ હતો કે આપણાં દેશમાં ઈંગ્લીંશ ભાષા નથી પરંતુ ક્લાસ છે…ખરેખર…તમે પણ એવુ જ માનો છો કે કોઈ પણ વ્યક્તિનો કલાસ તેની ભાષા પરથી નક્કી થાય છે? ચાલો જોઈએ મહિલાઓ, ઈંગ્લીંશ અને હેઝીટેશન વિશે…
જ્હાન્વી પર તેનાં ઘરની તમામ જવાબદારી છે. ઘરનાં તમામ નાના મોટા કામ તે જ કરે છે. બેંકનાં કામ, બિલ ભરવાના, ઈનસ્ટોલમેન્ટ વગેરે વગેરે…પરંતુ તેના ઘરનાં સભ્યોનાં કહેવા અનુસાર તે જમાના પ્રમાણે પાછી પડે છે, કારણ કે તેને ઈંગ્લીશ નથી આવડતુ. બાજુમાં રહેતી વનિતા ઈંગ્લીશ મીડિયમમાં ભણી છે અને વાતે વાતે કડકડાટ ઈંગ્લીશ બોલે છે. શાકવાળા અને કામવાળાને પણ ઈંગ્લીશમાં ધમકાવે છે. હા, તે ઘરકામ સિવાયનાં અન્ય કોઈ કામ નથી કરી શકતી. તેને વ્હિકલ નથી આવડતુ પણ ઈંગ્લીશ કડકડાટ બોલે છે. આમાથી કોને તમે ક્લાસમાં ગણશો…! અહીં કોઈની કમ્પેરિઝન કરવાનો હેતુ નથી પરંતુ, કહેવાની વાત એ છે કે આપણી આસપાસ એવી ઘણી મહિલાઓ હશે જે કામકાજમાં પરફેક્ટ હશે, પરંતુ માત્ર તેને ઈંગ્લીશ નહીં આવડતુ હોવાથી તે નવા કામ કરતા અથવા તો નવી જગ્યાએ જતાં ખચકાતા હશે.
જો તમારી પાસે નોલેજ હોય અને જો તમારી પાસે કોન્ફીડન્સ હોય તો ભાષા કઈ આવડે છે તેનો ફરક નથી પડતો. તમે એરપોર્ટ પર ઘણાં એવા આધેડવયનાં લોકોને જોશો જેને ઈંગ્લીશ નથી આવડતુ, પરંતુ કોઈ એજન્ટ વગર પોતાના દમ પર વિદેશ જઈ શકે છે. ઘણી સ્ત્રીઓ ઈંગ્લીશ ન આવડતુ હોવા છતાં મોટિવેશનથી બાળકોને ભણાવીને ડોક્ટર એન્જિનિયર બનાવે છે. ઘણી સ્ત્રીઓને તો ઈંગ્લીશ લખતા આવડતુ હોય પણ બોલવામાં ખચકાટ હોવાથી તે ક્યાંય આગળ આવીને કામ નથી કરી શકતી. ઘણાં લોકો ખૂબ વિદ્વાન હોય, પરંતુ ઈંગ્લીશ ફિયરને લીધે સ્ટેજ પર બોલી નથી શકતા. ઘણાં લોકોને મનમાં ડર હોય છે કે હું ઈંગ્લીશ બોલીશ અને ખોટુ પડશે તો લોકો હાંસી ઉડાવશે. આવા બધા હેઝિટેશનનાં લીધે લોકોમાં ઈંગ્લીશ ફોબીયા હોય છે જેનાં કારણે તેઓ ટેલેન્ટેડ હોવા છતાં આગળ વધી નથી શકતા.
યાદ રાખો કે જ્યારે કોઈ નાનું બાળક બોલતા શીખે છે, ત્યારે તેને કોઈ ગ્રામર આવડતુ નથી. તેને કોઈ માતા પિતા સિમ્પલ પાસ ટેન્સ શું હોય તે સમજાવતા નથી, પરંતુ તે તૂટક તૂટક બોલવાનું શરૂ કરે છે અને થોડા પ્રયાસ પછી તે સ્પષ્ટ અને સારુ બોલી શકે છે. ઈંગ્લીશ પણ એવુ જ છે, બસ, સંકોચ છોડી બોલવાનું શરૂ કરો તો કોઈ પણ શીખી શકે છે.
-પ્રકૃતિ ઠાકર