આજથી લાંબા સમયના વેકેશન બાદ બાળકોની શાળા ઉઘડી રહી છે. જેમાં બાળકો અભ્યાસક્રમના જ્યારે વાલીઓ ખર્ચના નવા બોજ હેઠળ દબાઇ જશે. નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ રીક્ષાના ભાડામાં રૂપિયા ૫૦નો અને સ્કૂલ વાનના ભાડામાં રૂપિયા ૧૦૦નો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬ બાદ પ્રથમવાર સ્કૂલ રીક્ષા-સ્કૂલવાનના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ વર્ષ ૨૦૧૬ સુધી સ્કૂલ રીક્ષામાં ઓછામાં ઓછું ભાડું રૂ. ૩૫૦ હતું.
૨૦૧૬ના શૈક્ષણિક સત્રમાં ઓછામાં ઓછું ભાડું રૂ. ૫૦૦ અને હવે રૂ. ૫૫૦ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં સરેરાશ સાડા ત્રણ લાખ બાળકો સ્કૂલ રીક્ષા-સ્કૂલવાન દ્વારા સ્કૂલ જતા હોય છે. આ અંગે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ‘પેટ્રોલ, સી.એન.જી.,મોંઘવારી કૂદકેને ભૂસકે જે રીતે વધી રહી છે તેના કારણે અમારે નાછૂટકે ભાડામાં વધારો કરવો પડયો છે. મોંઘવારીને કારણે અમારા ડ્રાઇવરો પણ પગાર વધારો માગે છે.
આ ઉપરાંત સરકારે સ્પિડ ગવર્નર ફિટ કરવાનું ફરજીયાત કર્યું છે અને તેના માટે અમારે રૂ. ૪ હજાર ખર્ચવા પડે છે. વીમાનું પ્રીમિયમ પણ વધ્યું છે. અમારા પરના આ તમામ ખર્ચનો બોજો આખરે વાલીઓ પર જ પડવાનો છે.’
ઉલ્લેખનીય છે કે આરટીઓના નિયમ અનુસાર સ્કૂલ રીક્ષામાં વધુમાં વધુ ૬ અને સ્કૂલવાનમાં ૧૪ બાળકોને બેસાડી શકાય છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશને એક યાદીમાં જણાવ્યું છે કે, ‘નક્કી કરવામાં આવેલી ફી જૂનથી મે મહિના સુધીમાં વાલીઓએ બારે માસ આપવાની રહેશે. જે વાલીઓના વેકેશનના નાણા ચૂકવવાના બાકી હશે તેવા વાલીઓને સ્કૂલ રીક્ષા તેમજ સ્કૂલવાનની નવી સર્વિસ પૂરી પાડવામાં નહીં આવે.