ये कोई मायने नहीं रखता है की आप किसे प्यार करते हो, कंहा प्यार करते हो, क्यों प्यार करते हो, कब प्यार करते हो और कैसे प्यार करते हो, किस लिए प्यार करते हो, मायने केवल यही रखता है की आप केवल प्यार करते हो. – ओशो
આ દુનિયામાં જીવવા માટે જેમ અન્ન, પાણી ને આવાસ જરૂરી છે એટલો જ પ્રેમ જરૂરી છે. આ પૃથ્વી પર ટકી રહેવા માટે જેટલુ ગુરુત્વાકર્ષણ જરૂરી છે, એટલુ જ પ્રેમ તત્વ જરૂરી છે. વિકિપીડિયામાં પ્રેમની વ્યાખ્યા એવી આપી છે કે પ્રેમ એ માત્ર એક લાગણી નથી,બે ત્રણ લાગણીઓનો સમૂહ છે કે જે માણસને જીવતો રહેવા માટે જરૂરી છે. પ્રેમ એ પરમત્ત્વને પામવા માટે પણ જરૂરી છે. રામ ચરીતમાનસમાં ગોસ્વામી તુલસીદાસ એવુ લખે છે કે
हरि व्यापक सर्वत्र समाना, प्रेम ते प्रगट हो ही में जाना
આ દુનિયામાં ઈશ્વર તો સર્વ જગ્યાએ સમાન રીતે વ્યાપેલા છે, પણ એ ઈશ્વરને માત્ર પ્રેમ થકી જ પ્રગટ કરી શકાય છે. અને આવો પ્રેમ કર્યો નરસિંહ મહેતાએ તો એની હૂંડી સ્વીકારી, આવો પ્રેમ કર્યો મીરાંબાઈએ તો એના ઝેરના અમૃત થયા.
પણ આપણને સવાલ થાય કે પ્રેમ એટલે શું..!? કારણકે આજે યુવાનોનો સળગતો પ્રશ્ન સમો પ્રશ્ન છે કે પ્રેમ એટલે શુ..!? સાચો પ્રેમ શું એક જ વાર થાય..!? શુ કોઈ એક વ્યક્તિને જ પ્રેમ થઈ શકે..!?! આવા કેટલાય પ્રશ્નો વચ્ચે આજનું કુમળું યુવામાનસ પીસાય છે, અને કમનસીબીની વાત એ છે કે આપણા કોઈ એજ્યુકેશન સીસ્ટમ કે આપણા કોઈ એવા જવાબદાર વ્યક્તિઓ પણ પ્રેમ વિશે વાત કરતા સંકોચ પામે છે કારણકે આપણે માત્ર પ્રેમનો અર્થ એક છોકરા અને એક છોકરી વચ્ચે જ સીમિત કરી દીધો છે. આપણે એક અમાપ લાગણીને આપણી ફૂટપટ્ટી વડે માપવા નીકળ્યા છીએ. અને એટલે જ આ બધી માથાકૂટ છે કે છાશવારે આપણે છાપાઓમાં એવા સમાચાર વાંચીએ છીએ કે કોઈ વ્યક્તિએ એક તરફી પ્રેમમાં સામેની વ્યક્તિ પર જાન લેવા હુમલો કર્યો કે પછી એના પર એસિડ ફેંક્યું.! અને ત્યારે આપણને ખરેખર એમ થાય કે આ લોકો પ્રેમને સમજ્યા જ નથી કે શું…!?!
તો ખરેખર પ્રેમ એટલે શું..!?
ત્યારે આ પ્રશ્નના જવાબમાં મને એક ગીતની પંક્તિ યાદ આવે કે
પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો…
હા, પ્રેમ એટલે ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. હવે આપણી જેવા ભણેલા-ગણેલા સોફિસ્ટિકેટેડ લોકોને સવાલ થાય કે એમ કાંઈ ખુલ્લી આંખે કોઈ વ્યક્તિ કોઈને મળવાનો વાયદો કઈ રીતે કરી શકે..!?!
પણ મિત્રો હું અને તમે માત્ર શબ્દો સુધી પહોંચી શકીએ, એનો ભાવ જાણવા માટે તો એ ગીતનો આસ્વાદ્ય માણવા કરતાં એ ગીતને અનુભવવું પડે, એ ગીતને જીવવું પડે. ખુલ્લી આંખો એ મુક્તિનો, છૂટના સંદર્ભમાં લેવાયેલો શબ્દ છે. પ્રેમ થાય એ માણસ કોઈ દિવસ સામે વાળા પાત્રને બાંધી ના રાખે, એને છૂટો મૂકી દે, જે વ્યક્તિ બાંધે છે એ પ્રેમના કરી શકે, કારણકે બંધન છે ત્યાં માલિકીનો ભાવ છે. બંધન છે ત્યાં બે નો ભાવ છે. જ્યારે પ્રેમ એ તો એક નો વિષય છે. માટે જ કબીર લખે ને કે,
प्रेम गली अति सांकरी,वहाँ दोनों नही समाय,
પ્રેમની ગલી એટલી સાંકડી છે કે એમાં બે વ્યક્તિના જઇ શકે એના માટે તો એક થવું પડે. જે વ્યક્તિ પોતાના અહમને ઓગળીને બીજામાં ઘોળાઈ શકે એ જ પ્રેમ કરી શકે અને એ જ પ્રેમ પામી શકે.!
હવે, તમને બધાને એમ થશે કે આ કેમ આજ અચાનક પ્રેમ વિષય પર ચર્ચા થવા લાગી..!?! તો એનું કારણ એ છે કે પ્રેમ એ તો ઝાડને ફુંટતી કૂંપળ જેવો છે, જેમ આપણને કૂંપલને ફૂટતી જોઈ નથી શકતા પણ એ કૂંપળને જોઈને એની લીલાશને, એની ભીનાશને અમુભવી શકીએ છીએ. એવી જ રીતે મેં પણ ઘણા સમય પહેલા એક સરસ મજાના ગુજરાતી ફિલ્મ લવની ભવાઈનું એક ગીત સાંભળેલુ. લાગી રે.! લાગી રે..! તારી ધૂન લાગી..! આમ તો ઘણા સમયથી એ ગીત પર એક યુગપત્રી લખવી હતી પણ પેલું અંજળ જ નહોતા આવતા.. પણ હવે એમ ફાયનલી એ અંજળ આવી ગયા… તો હવે ની યુગપત્રીથી આપણે માણીશું… ફિલ્મ લવની ભવાઈનું નિરેન એચ ભટ્ટ દ્વારા લિખિત, સચિન-જીગર દ્વારા કંપોઝ કરેલ અને સિદ્ધાર્થ અમિત ભાવસાર દ્વારા ગવાયેલ એક સરસ મજાનું દિલમાં ઉતરી જાય એવું ગીત .. ધૂન લાગી રે…!
અને હા જો તમે લોકો એ આ ગીત હજી ના સાંભળ્યું હોય તો જલ્દી જલ્દી youtube માં સર્ચ કરીને સાંભળી લ્યો… પછી પાછા મળીએ આપણે આવતા શુક્રવારે…. આ ગીત લઈને….
કોલમિસ્ટ :- યુગ અગ્રવાત