અમદાવાદ: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ, જે ઉદ્યોગસાહસિકતા શિક્ષણ, સંશોધન, તાલીમ, સ્ટાર્ટઅપ્સ, નવીનતા અને સંસ્થાગત વિકાસના ક્ષેત્રે પ્રખ્યાત રાષ્ટ્રીય સ્તરીય સંસાધન સંસ્થા છે જ્યાં શૈક્ષણિક કાર્યક્રમ વર્ષ 2025 બેચમાં 74 વિદ્યાર્થીઓ શામેલ થયા છે જે દેશના વિવિધ 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશથી આવ્યા છે. આ શૈક્ષણિક કાર્યક્રમોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – એન્ટરપ્રેન્યોરશિપ (PGDM-E); પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ અને વેન્ચર ડેવલપમેન્ટ (PGDM-IEV) અને ફેલો પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (FPM)નો સમાવેશ થાય છે.
ઇન્ડક્શન સમારોહના મુખ્ય અતિથિ તરીકે સુશ્રી મર્સી એપાઓ, સંયુક્ત સચિવ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર તથા ઇડીઆઈઆઈ ગવર્નિંગ બોર્ડ મેમ્બર ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ડૉ. સુનીલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઇડીઆઈઆઈ, ડૉ. સત્યા રંજન આચાર્ય, પ્રોફેસર અને ડિરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ એજ્યુકેશન અને ડૉ. ઇતીન્દ્ર પાલ સિંહ, પ્રોફેસર-ઇડીઆઈઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવી બેચના વિદ્યાર્થીઓને સંબોધન કરતાં સુશ્રી મર્સી એપાઓએ જણાવ્યું હતું કે, “તમે એક એવા સમયમાં પ્રવેશી રહ્યા છો જ્યાં ઇનોવેશન, દૃષ્ટિકોણ અને પ્રતિબદ્ધતા તમારું ભવિષ્ય ઘડશે. હવે સરકાર ઉદ્યોગસાહસિકતા અને એમએસએમઇ ક્ષેત્રના વિકાસને મહત્વ આપી રહી છે, ત્યારે તમે એક યોગ્ય સ્થાન પર છો જ્યાંથી તમે રાષ્ટ્રીય વિકાસમાં તમારું યોગદાન આપી શકશો. ઇડીઆઈઆઈમાં જ્ઞાન, માર્ગદર્શન અને તકો મળશે તેનો પૂરો લાભ ઉઠાવો અને સ્વંયને ચેન્જમેકર્સ તરીકે સ્થાપિત કરો.”
ડૉ. સુનીલ શુક્લાએ વિદ્યાર્થીઓને કૅમ્પસમાં સ્થાપિત ઉદ્યોગસાહસિકતા આધારિત ઇકોસિસ્ટમ સાથે જોડાવવા માટે પ્રેરિત કર્યા. તેમણે કહ્યું કે, “મને આનંદ છે કે તમે ઉદ્યોગસાહસિકતાને પસંદ કર્યું. ઇડીઆઈઆઈનો અભ્યાસક્રમ બજાર આધારિત અને સમકાલીન છે, તેથી અત્યંત સંબંધિત અને અસરકારક છે. ઇડીઆઈઆઈએ ઘણી સફળતાની કહાનીઓ જોઈ છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે બધા જલ્દી જ તે સફળતાની શ્રેણીનો હિસ્સો બનશો.”
ડૉ. સત્યા રંજન આચાર્ય અને ડૉ. ઇતીન્દ્ર પાલ સિંહે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યક્રમોની રચના વિશે માહિતી આપી અને જણાવ્યું કે છેલ્લા 28 વર્ષોમાં PGDM-E અને સંબંધિત કાર્યક્રમોએ નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં સતત વધતી નોંધણી અને ઊંચી સફળતા દર જોવા મળ્યા છે.
ઇન્ડક્શન સમારોહ પછી, સુશ્રી મર્સી એપાઓએ ઇડીઆઈઆઈ સાથે સંકળાયેલ 200થી વધુ મહિલા કલાકારો અને ઉદ્યોગસાહસિકો સાથે સંવાદ કર્યો. તેમણે પરંપરાગત કલાના સંરક્ષણ અને ઉદ્યોગ દ્વારા ટકાઉ આજીવિકાના નિર્માણ માટે મહિલાઓની પ્રતિબદ્ધતાને બિરદાવી. તેમણે કહ્યું કે, “મહિલા ઉદ્યોગસાહસિકો સમાવેશી વિકાસ અને સમુદાયના વિકાસના કેન્દ્રમાં છે. એમએસએમઈ મંત્રાલય વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન સહાય દ્વારા આવા ઉદ્યોગોને સહયોગ અને વિસ્તરણ આપી રહ્યું છે. મને આનંદ છે કે ઇડીઆઈઆઈએ મહિલાઓને સશક્ત બનાવીને પ્રશંસનીય કાર્ય કર્યું છે.”
આ અવસરે, સુશ્રી મર્સી એપાઓએ એક પ્રદર્શનીનું પણ ઉદ્ઘાટન કર્યું જેમાં ઇડીઆઈઆઈ દ્વારા તાલીમ મેળવનાર મહિલાઓએ વિવિધ શિલ્પ અને ક્ષેત્રોથી સંબંધિત પોતાના ઉત્પાદનો રજૂ કર્યા.