ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ કે.એસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં એડમિશન પ્રક્રિયામાં છબરડા કરીને ૭ વિદ્યાર્થીઓને મેરીટ વિના એડમિશન આપ્યા હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે. એનએસયુઆઈ એ ૭ એડમિશન રદ કરવા પણ માંગણી કરી છે. જોકે કે.એસ.સ્કૂલ સ્કૂલના ડાયરેક્ટર તરફથી ખોટા એડમિશન નહીં થયા હોવાનું જણાવ્યું હતું.
એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને ફરિયાદ કરી છે કે, કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં ઓફલાઇન એડમિશન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન કોલેજના પ્રોફેસર અને સ્ટાફના કર્મચારીઓએ ભલામણથી ૭ વિદ્યાર્થીઓને મેરીટ વિના એમએસસી.આઈટી માં સીધા એડમિશન ફાળવી દીધા છે. કે.એસ.સ્કૂલમાં ૮૫ ટકાથી વધુ પરિણામ હોય તેને જ એડમિશન મળતું હોય છે. ખોટી રીતે એડમિશન આપતા અન્ય વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. અમે કુલપતિને ફરિયાદ કરી છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે ૭ એડમિશન રદ જ કરવામાં આવે.એડમિશન રદ નહીં થાય તો અમે કોલેજમાં ઉગ્ર વિરોધ કરીશું. કે.એસ.સ્કૂલના ડાયરેકટર ડૉ. અગ્રવાલે જણાવ્યું હતું કે કોઈ જ ખોટા એડમિશન થયા નથી. મેરીટ મુજબ જ એડમિશન આપ્યા છે.