બેંગકોક : એક પછી એક બે ભૂકંપ નોંધાતા થાઈલેન્ડની રાજધાની બેંગકોંક અને મ્યાનમારમાં ઈમારતો ધરાશાયી થઈ છે. રિએક્ટર પર ભૂકંપની તીવ્રતા 7.7ની રહી છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારનું સગાઇન્ગ રહ્યું છે. મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર લોકપ્રિય એવા બ્રિજ પણ તૂટી ગયો છે.
બચાવ કર્મી દ્વારા જણાવવામાં આવેલા આંકડા અનુસાર, ભૂકંપના કારણે અત્યારસુધીમાં મ્યાનમારના માંડલેયમાં 20 અને ટૌગુમાં 5 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે થાઈલેન્ડમાં ડઝનથી વધુ લોકો ઘવાયા છે અને 43 લોકો ગુમ છે.
થાઈલેન્ડના વડાપ્રધાને ભૂકંપ બાદ બેંગકોંકમાં ઈમરજન્સી લાદી છે. થાઈલેન્ડ અને મ્યાનમારમાં અફરાતરફરીનો માહોલ સર્જાયો છે. અનેક ઈમારતો આંખના પલકારે જમીનદોસ્ત થઈ છે. અનેક લોકો ગુમ છે. હજારો લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મેઘાલયના ગારો હિલ્સમાં પણ 4.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ભૂકંપના અનેક વીડિયો વાઈરલ થયા છે. જેમાં ઊંચી ઊંચી ઈમારતો ભૂકંપના ઝાટકાથી પળભરમાં ધરાશાયી થઈ છે.
ભૂકંપના આંચકા બપોરે અનુભવાતાં જ બેંગકોકના મધ્ય વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું. ગીચ વસ્તીવાળા આ શહેરમાં ઊંચી ઇમારતો, હોટેલો અને ઓફિસોમાંથી ગભરાયેલા લોકો સીડીઓ દ્વારા બહાર દોડી આવ્યા. લગભગ એક મિનિટ સુધી જમીન ધ્રુજતી રહી, જેના કારણે કેટલીક ઊંચી ઇમારતોના સ્વિમિંગ પૂલમાંથી પાણી બહાર વહેવા લાગ્યું. બહાર નીકળેલા લોકોને તડકાનો સામનો કરવો પડ્યો, અને તેઓ છાંયડો શોધવા માટે શેરીઓમાં દોડાદોડ કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા એક વીડિયોમાં થાઈલેન્ડના ઓડિટર જનરલની નિર્માણાધીન ઇમારત ધ્વસ્ત થતી દેખાઈ, જે આ ભૂકંપની ભયાનકતાને દર્શાવે છે.