રાજકોટ મહાનગર પાલિકા અને રાજકોટ શહેર પોલિસના સંયુક્ત ઉપક્રમે ક્લિન રાજકોટની થીમ સાથે યોજાયેલી વિશાળ મેરેથોનને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ મેરેથોનને સમગ્ર રાજકોટવાસીઓની એક સાથે, એક દિશામાં વિકાસ માટેની દોડ ગણાવી હતી અને રાજકોટને અદ્યતન, સાંસ્કૃતિક, સંસ્કારી નગરી બનાવવાનો દૃઢ નિર્ધાર જાહેર કર્યો હતો.
ક્લિન રાજકોટ મેરેથોનના સ્ટાર્ટિંગ પોઇન્ટ એવા અત્રેના રેસકોર્સ મેદાન ખાતે પહોંચેલા મુખ્યમંત્રી રૂપાણીએ ઉક્ત સંદર્ભમાં કહ્યું કે, રાજકોટના મોજીલા લોકોની છાપ એવી છે કે મોડી રાત સુધી રેસકોર્સની પાળીએ બેસે અને આનંદની છોળો ઉડાવે, ધૂમ આઇસક્રિમ આરોગે અને બપોરે સુતા રહે. પણ, જ્યારે એકતાની વાત આવે ત્યારે સમગ્ર રાજકોટ સંગઠિત થઇ જાય છે. એટલે જ વહેલી સવારે મોટી સંખ્યામાં શહેરીજનો મેરેથોનમાં જોડાવવા માટે રેસકોર્સમાં ઉમટી પડ્યા છે. ક્લિન રાજકોટ મેરેથોન માત્ર આરોગ્ય, તંદુરસ્તી માટેની દોડ નથી. આ મેરેથોનમાં રાજકોટની એકતાના દર્શન થાય છે. આ દોડ એક સાથે, એક દિશામાં વિકાસ માટેની દોડ છે. આપણે આપણી પ્રકૃત્તિ સતત ચાલતા રહેવાની બનાવવાની છે. એટલે કે સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે સતત નવા લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા રહેવાના છે.
રાજકોટ શહેરમાં મહાપાલિકા તથા યુનિવર્સિટીમાં રમતગમતના વિકાસ માટે રૂ. ૨૦ કરોડના ખર્ચે જીમ્નેશિયમ, સંકુલ બનાવવામાં આવ્યા હોવાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે આપણે તન તંદુરસ્ત બનાવવાની સાથે મનને તંદુરસ્ત બનાવવાનું છે. જો મન તંદુરસ્ત હશે તો સમાજ સુદ્રઢ અને સંગઠિત બનશે.
મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ પ્રથમ ૪૨ કિલો મિટરની મેરેથોનને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. એ બાદ ૨૧, ૧૦, ૫ અને ૧ કિલોમિટર મેરેથોનને ઝંડી આપી હતી. આ મેરેથોનમાં ૬૪૧૬૦ દોડવીરોએ ભાગ લીધો હતો. વિશેષતઃ દિવ્યાંગો માટે પણ ખાસ મેરેથોન યોજવામાં આવી હતી. જેમાં ૧૪૦૪ દિવ્યાંગોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રીશ્રીએ ત્યાં જઇ દિવ્યાંગ બાળકોના ઉત્સાહને બિરદાવ્યો હતો. આ મેરેથોનના બ્રાંડ એમ્બેસેડર અને જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ દોડવીરોમાં આકર્ષણ જમાવ્યું હતું.
રાજકોટના ૬૮ વર્ષીય સુરેશભાઇ રત્નેશ્વર પાણી પૂરવઠા વિભાગના નિવૃત કર્મી છે. તેઓ કહે છે કે હું સતત બીજીવાર મેરેથોનમાં ભાગ લઇ રહયો છું. સિનિયર સિટીઝન હોવાના નાતે મારે ફીટ, હેલ્ધી રહેવુ જરૂરી છે. આવી સ્પર્ધાથી લોકોની તંદુરસ્તી વધે છે.
મેયર ડૉ. જૈમનભાઇ ઉપાધ્યાયે જણાવ્યું કે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ ત્રીજી મેરેથોનમાં ૬૪૦૦૦થી વધુ દોડવીરો જોડાયેલા છે. રાજકોટને સ્વચ્છ, ટ્રાફિક સમસ્યાથી મુક્ત, પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને લોકોના સારા સ્વાસ્થ્યની જાગતિ માટે આ આયોજન થયું છે. ક્લાયમેટ ચેન્જમાં લોકો સાથ સહકાર આપે તો પ્રકૃતિનું સારી રીતે જતન કરી શકાય. એ માટે ફ્લાવર શો જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.